<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th June 2026

મેઘરાજાને રિઝવવાનો અનોખો ઉપાય: અમદાવાદમાં વસ્ત્રાલમાં 11 યજમાનો પાણીના કુંડમાં બેસીને કર્યો ‘વરુણ યજ્ઞ’ : વરસાદ માટે કરી વિશેષ આહુતિ

ભાગવત સપ્તાહ દરમિયાન અનોખો નજારો, વરસાદ ખેંચાતા શાસ્ત્રીજીએ સૂચવ્યો ઉપાય, કમર સુધીના પાણીમાં 5 કલાક બેસીને 11 બ્રાહ્મણોએ કર્યા મંત્રોચ્ચાર, ‘ઓમ વરુણાય નમઃ’ ના જાપથી ગુંજી ઉઠ્યું વાતાવરણ, મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા

અમદાવાદ : ચોમાસાની સિઝન શરૂ થઈ હોવા છતાં અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ ખેંચાતા ખેડૂતો અને શહેરીજનો ચિંતિત બન્યા છે. આ સ્થિતિમાં મેઘરાજાને પ્રસન્ન કરવા માટે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં એક અનોખો ‘વરુણ યજ્ઞ’ યોજાયો હતો.

 

વસ્ત્રાલના શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે ચાલી રહેલી ભાગવત સપ્તાહ દરમિયાન શુક્રવારે આ વિશેષ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. કથાકાર શાસ્ત્રી ઘનશ્યામભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ 11 યજમાનોએ મંદિરના પરિસરમાં બનાવેલા વિશાળ કુંડમાં કમર સુધીના પાણીમાં બેસીને 5 કલાક સુધી યજ્ઞ કર્યો હતો.

 

શાસ્ત્રી ઘનશ્યામભાઈએ જણાવ્યું કે, "શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે જ્યારે વરસાદ ન થાય ત્યારે વરુણ દેવને પ્રસન્ન કરવા માટે જળમાં બેસીને યજ્ઞ કરવાથી તાત્કાલિક ફળ મળે છે. આ પ્રજ્ઞા યજ્ઞ કહેવાય છે." 11 બ્રાહ્મણો દ્વારા ‘ઓમ વરુણાય નમઃ’, ‘ઓમ જલબિંબાય વિદ્મહે’ જેવા વૈદિક મંત્રોના જાપ સાથે ઘી, જવ, તલ અને વિશેષ સમિધાની આહુતિ આપવામાં આવી હતી.

 

પાણીમાં બેસીને યજ્ઞ કરતા યજમાનો અને મંત્રોચ્ચારનો નાદ સાંભળવા માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો મંદિરે ઉમટી પડ્યા હતા. યજ્ઞ પૂર્ણ થયા બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિકોએ શ્રદ્ધા વ્યક્ત કરી કે આ યજ્ઞના પ્રભાવથી ટૂંક સમયમાં જ મેઘરાજા મહેરબાન થશે.

(3:44 PM IST)