તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th September 2026
સુરત રેલવે સ્ટેશને શાતિર તસ્કર ઝડપાયો: ગાંજાની દુર્ગંધ છુપાવવા બેગ પર છાંટતો અત્તર, SOGએ ૩.૮ કિલો જથ્થા સાથે ઓડિશાના યુવકની કરી ધરપકડ!
"MISSION SAFE STATION" અંતર્ગત રેલવે SOGની સપાટો: રૂ. ૧.૯૪ લાખનો ગાંજો, અત્તરની બોટલ અને રોકડ સહિત ૨.૦૨ લાખનો મુદ્દામાલ જપ્ત, NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ

સુરત : સુરત રેલવે સ્ટેશન પર સુરક્ષા એજન્સીઓ દ્વારા ચલાવવામાં આવી રહેલા સઘન ચેકિંગ અને સૂરક્ષા અભિયાન દરમિયાન પોલીસને મોટી સફળતા સાંપડી છે. સુરત રેલવે SOGની NDPS ડેડિકેટેડ ટીમ દ્વારા “MISSION SAFE STATION” અંતર્ગત પ્લેટફોર્મ નંબર-૧ પર હાથ ધરાયેલા ચેકિંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં ફરતા એક ઈસમને ઝડપી પાડી તેની પાસેથી લાખો રૂપિયાની કિંમતનો નશીલો પદાર્થ (ગાંજો) જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, પકડાયેલા આરોપીની ઓળખ મસુકમ ખીરા (ઉંમર ૩૨ વર્ષ, રહે. બાલાંગીર, ઓડિશા) તરીકે થઈ છે. આરોપી ટ્રેન મારફતે ઓડિશાથી લાખો રૂપિયાનો ગાંજો લઈને સુરત આવ્યો હતો. રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-૧ પરથી બહાર નીકળતી વખતે પોલીસની નજરથી બચવાનો પ્રયાસ કરી રહેલા મસુકમ પર શંકા જતાં SOG ટીમે તેને રોકીને સઘન તલાશી લીધી હતી.
અત્તર અને એર ફ્રેશનરનો કીમિયો પણ નિષ્ફળ રહ્યો
તપાસ દરમિયાન આ કેસમાં એક અત્યંત ચોંકાવનારી વિગત સામે આવી છે. ટ્રેન મુસાફરી કે સ્ટેશન પર ચેકિંગ સમયે ગાંજાની તીવ્ર વાસ ન આવે અને કોઈને શંકા ન જાય તે માટે આરોપી અગાઉથી જ પૂરી તૈયારી કરીને આવ્યો હતો. તે બેગમાં રાખેલા ગાંજાની વાસ દબાવવા માટે સમયાંતરે અત્તરનો સ્પ્રે કરતો હતો અને બેગની અંદર એર ફ્રેશનર રાખીને જ ફરતો હતો. જોકે, સુરત રેલવે SOGની સતર્કતા સામે શાતિર આરોપીનો આ અનોખો કીમિયો કામ આવી શક્યો નહોતો.
રૂ. ૨.૦૨ લાખનો મુદ્દામાલ કબ્જે
પોલીસે આરોપીની બેગમાંથી કુલ ૩.૮૯૫ કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો છે, જેની બજાર કિંમત અંદાજે રૂ. ૧,૯૪,૭૫૦ આંકવામાં આવી છે. આ ઉપરાંત તેની પાસેથી મોબાઈલ ફોન, બેકપેક, અત્તર, એર ફ્રેશનર અને રોકડા રૂ. ૨,૪૦૦ મળીને કુલ રૂ. ૨,૦૨,૧૫૦નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપી સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઈ છે.
(6:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
