તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th April 2026
પૈસાની લેતીદેતી મામલે એક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી
સુરતના ડીંડોલી વિસ્તારની ઘટનાઃડીંડોલીના ચેતન નગરમાં રહેતા શુભમ વાઘ નામના યુવકે કોઈ વ્યક્તિને ઉછીના પૈસા આપ્યા હતા

સુરત : આર્થિક વ્યવહારો અને લેતીદેતીના ઝઘડામાં સુરત જાણે લોહીના તરસ્યા લોકોનું શહેર બનતું જતું હોય તેમ લાગે છે. સુરતના ડીંડોલી વિસ્તારમાં મોડી રાત્રે પૈસાની લેતીદેતી મામલે એક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. નવાઈની વાત એ છે કે, આ હત્યા માત્ર ૨૨૦૦ રૃપિયા જેવી નજીવી રકમ માટે કરવામાં આવી છે.
ડીંડોલીના ચેતન નગરમાં રહેતા શુભમ વાઘ નામના યુવકે કોઈ વ્યક્તિને ઉછીના પૈસા આપ્યા હતા. મોડી રાત્રે જ્યારે શુભમ પોતાના જ લેણા નીકળતા ૨૨૦૦ રૃપિયા માંગવા માટે ગયો ત્યારે સામે પક્ષે ઉશ્કેરાઈ જઈ તેના પર જીવલેણ હુમલો કર્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, હુમલાખોરોએ ધારદાર ચપ્પુ વડે શુભમ પર જાહેરમાં હુમલો કર્યો હતો. આ ઘટના શુભમના ઘરની બહાર જ બન્યો હોવાનું સામે આવ્યું છે. હુમલાખોરે શુભમને શરીરના ભાગે ચપ્પુના અનેક ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે તે લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો.
હુમલા બાદ ગંભીર રીતે ઘવાયેલા શુભમને તાત્કાલિક ધોરણે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, વધુ લોહી વહી જવાને કારણે તેની સ્થિતિ અત્યંત ગંભીર હતી. હોસ્પિટલ પહોંચતા જ હાજર તબીબોએ તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો. યુવાન પુત્રના મોતના સમાચાર સાંભળતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
ઘટનાની જાણ થતા જ ડીંડોલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
(10:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
