તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th July 2026
યુવાનની લગાતાર ૮૮ દિવસની અદભુત સાઇકલ યાત્રા.!: ગુજરાતના યુવાને રચ્યો ઇતિહાસ: સાઇકલ પર નેપાળ પહોચ્યો \ખાનપુર તાલુકાના ઝેર ઉમરીયા ગામના એક સામાન્ય પરિવારના યુવાને પોતાની મક્કમ મનોબળ અને સાહસનો પરિચય આપ્યો

(પ્રભુદાસ પટેલ) મોડાસા: ગુજરાતના એક યુવાને ભારતના ચારધામની યાત્રા સહિતના સ્થળોનું સાઈકલ પર ભ્રમણ પૂરું કરીને લગાતાર ૮૮ દિવસની સળંગ સાઇકલ યાત્રા ચાલુ રાખી નેપાળ પહોચીને આ યુવાને
પોતાની મક્કમ મનોબળ અને સાહસનો પરિચય આપી એક ઇતિહાસ રચ્યો છે
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ઝેર ઉમરીયા ગામના એક સામાન્ય પરિવારના યુવાને પોતાની મક્કમ મનોબળ અને સાહસના જોરે એક નવો જ કીર્તિમાન સ્થાપિત કર્યો છે. ખાનપુરના ઝેર ઉમરીયા ગામના વતની અર્જુનભાઈ રામાભાઈ મછાર મહીસાગર જિલ્લામાંથી સાઇકલ લઈને વિદેશ પ્રવાસે નીકળનારા પ્રથમ યુવાન બન્યા છે.
અર્જુનભાઈએ ગત તારીખ ૨૨ એપ્રિલ ૨૦૨૬ના રોજ પોતાના વતન મહીસાગરથી આ સાહસિક સાઇકલ યાત્રાનો પ્રારંભ કર્યો હતો. કાળઝાળ ગરમી અને મુશ્કેલ રસ્તાઓનો સામનો કરીને તેઓ ગુજરાતથી રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સુધી પહોંચ્યા હતા. સતત પેડલ મારીને તેઓ આગામી ૭ મેના રોજ સુપ્રસિદ્ધ જ્યોતિર્લિંગ કેદારનાથ ધામ પહોંચ્યા હતા, જ્યાં તેમણે ભગવાન ભોળાનાથના દર્શન કર્યા હતા. ત્યારબાદ તેમણે બદ્રીનાથ ધામ અને વિશ્વના સૌથી ઊંચા શિવ મંદિર તરીકે જાણીતા તુંગનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
ભારતના વિવિધ રાજ્યોમાં સાઇકલ ચલાવ્યા બાદ, અર્જુનભાઈએ પાડોશી દેશ નેપાળ તરફ પોતાની સફર આગળ વધારી હતી. સતત ૨૯ દિવસની અથાગ મહેનત અને પરિશ્રમ બાદ તેઓ ૧૯ મેના રોજ નેપાળ બોર્ડર પર પહોંચ્યા હતા. નેપાળમાં પ્રવેશ્યા બાદ પણ તેમની આ ધાર્મિક અને સાંસ્કૃતિક યાત્રા અટકી નહોતી. તેમણે નેપાળમાં આવેલા પવિત્ર ગુપ્તેશ્વર મહાદેવ મંદિર, મુક્તિનાથ મંદિર અને મનોકામના મંદિર જેવા સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળોની સાઇકલ પર મુલાકાત લીધી હતી. આ સાથે જ તેમણે નેપાળની સંસ્કૃતિ અને ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિનો પણ નજીકથી અનુભવ કર્યો છે. એક ટેલિફોનિક વાતચીતમાં અર્જુનભાઈ મછારે જણાવ્યું હતું કે, આજે તેમની આ અદ્ભુત સાઇકલ યાત્રાના ૮૮ દિવસ સફળતાપૂર્વક પૂર્ણ થયા છે અને તેઓ ઉત્સાહભેર આગળ વધી રહ્યા છે. હજી પણ તેમની આ રોમાંચક યાત્રા ચાલુ જ છે. મહીસાગરના પછાત ગણાતા વિસ્તારમાંથી નીકળીને સાઇકલ પર આંતરરાષ્ટ્રીય સ્તરે સફર કરનાર આ યુવાનની સિદ્ધિને પગલે સમગ્ર ખાનપુર તાલુકા સહિત મહીસાગર જિલ્લામાં ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે.
(12:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
