<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th October 2026

મહીસાગરના બાલાસિનોરમાં સલ્યાવડી દરવાજા પાસે અજાણ્યા શખ્સે યુવક પર છરી વડે જીવલેણ હુમલો કર્યો

ગંભીર હાલતમાં 30થી 35 મિનિટ સુધી 108 એમ્બ્યુલન્સ ન પહોંચતા સ્થાનિક લોકોનો તંત્રની કામગીરી સામે રોષ

મહીસાગરના બાલાસિનોરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા કરતી એક ચંખેારી જગાવતી ઘટના સામે આવી છે. બાલાસિનોર શહેરમાં આવેલા સલ્યાવડી દરવાજા પાસે અને અંબેમાના મંદિરની બરાબર આગળ એક અજાણ્યા શખ્સ દ્વારા યુવક પર અચાનક છરી વડે ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ, આ હુમલામાં ઇન્દિરાનગરી વિસ્તારમાં રહેતા રામાભાઈ ભા નામના વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા છે. અજાણ્યા હુમલાખોરે એકાએક છરીના ઘા ઝીંકીને લોહીલુહાણ કરી દેતા આસપાસના વિસ્તારમાં ભારે નાસભાગ અને સન્નાટો છવાઈ ગયો હતો.

લોહીથી લથપથ હાલતમાં પડેલા ઘાયલ યુવકને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ પહોંચાડવા માટે સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને ફોન કરીને જાણ કરવામાં આવી હતી. પરંતુ, સ્થાનિક લોકોના આક્ષેપ મુજબ ઇમરજન્સી સેવા હોવા છતાં 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચવામાં લગભગ 30થી 35 મિનિટ જેટલો મોટો વિલંબ થયો હતો. ગંભીર ઇજાગ્રસ્ત યુવક ઘટનાસ્થળે તડપી રહ્યો હતો અને 108ની રાહ જોવાતી હતી, તે દરમિયાન સમયસર વાહન ન મળતા લોકોમાં તંત્ર સામે ભારે આક્રોશ ફેલાયો હતો. બાદમાં પોલીસને જાણ કર્યા પછી 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

 

આ હુમલો શા માટે અને કયા કારણોસર કરવામાં આવ્યો છે તથા હુમલો કરનાર અજાણ્યો શખ્સ કોણ હતો અને ક્યાં નાસી છૂટ્યો છે તે હજુ અન્વેષણનો વિષય છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને આસપાસના સીસીટીવી ફૂટેજ અને પુરાવાઓના આધારે હુમલાખોરને ઝડપી પાડવાની સઘન તજવીજ હાથ ધરી છે. બીજી તરફ, ઈમરજન્સી સેવામાં 108 એમ્બ્યુલન્સ પહોંચવામાં આટલો બધો વિલંબ કેમ થયો અને આ લાપરવાહી પાછળ જવાબદાર કોણ છે તે અંગે પણ ઉચ્ચ સ્તરે તપાસ થવી જોઈએ તેવી લોક માંગ ઉઠી રહી છે.

 

(9:51 PM IST)