News of Monday, 25th May 2026
પેટ્રોલના ભાવ ૧૦૦ ને પાર પહોંચતાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મોંઘવારી મુદ્દે ભાજપ સરકારને આકરા પ્રહારો સાથે ઘેરી
છેલ્લા ૧૧ દિવસમાં પેટ્રોલ-ડીઝલમાં સાડા સાત રૂપિયાનો તોતિંગ ઝીંકાયેલો ભાવવધારો જનતા પર મોંઘવારીનું ઝેર છે : લોકો હવે સરકાર સામે આંદોલન તો ઠીક પણ બોલતા પણ ડરે છે: આપ નેતાનો ગંભીર આક્ષેપ

અમદાવાદ: દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થઈ રહેલા સતત અસહ્ય વધારાને પગલે આમ આદમી પાર્ટી દ્વારા શાસક પક્ષ ભાજપ સરકાર વિરુદ્ધ મોરચો ખોલવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક સત્તાવાર નિવેદન જારી કરીને સરકારની આર્થિક નીતિઓ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ભારે આક્રોશ સાથે જણાવ્યું છે કે દેશમાં રોજ નવી સવાર પડતાંની સાથે જ જનતા માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાના માઠા સમાચાર આવી રહ્યા છે. છેલ્લા માત્ર ૧૧ દિવસના ટૂંકા ગાળામાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અંદાજે સાડા સાત રૂપિયા જેટલો તોતિંગ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે, જેના કારણે સામાન્ય જનતાની કમર તૂટી ગઈ છે.
આપ નેતા ઈસુદાન ગઢવીએ ભૂતકાળના આંકડાઓ સાથે વર્તમાન પરિસ્થિતિની સરખામણી કરતા જણાવ્યું હતું કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પ્રથમ વખત કેન્દ્રની સત્તા પર આવ્યા ત્યારે દેશમાં પેટ્રોલનો ભાવ અંદાજે ૬૨ રૂપિયાની આસપાસ હતો અને આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલર સામે ભારતીય રૂપિયો પણ લગભગ ૬૦ થી ૬૨ ની આસપાસ મજબૂત સ્થિતિમાં હતો. પરંતુ આજે સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે, રૂપિયો સતત ગગડી રહ્યો છે અને પેટ્રોલના ભાવ સેન્ચુરી ફટકારીને ૧૦૦ રૂપિયાને પાર પહોંચી ગયા છે. પેટ્રોલિયમ પેદાશોના આ આંધળા ભાવવધારાના કારણે દેશના સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો પર અસહ્ય આર્થિક બોજો આવી પડ્યો છે.
સરકારની સરમુખત્યારશાહી નીતિઓ સામે ગંભીર આક્ષેપ કરતા ઈસુદાન ગઢવીએ ઉમેર્યું હતું કે ભૂતકાળમાં જ્યારે પેટ્રોલમાં માત્ર એક રૂપિયો વધતો ત્યારે સમગ્ર દેશમાં ટ્રકોના પૈડાં થંભી જતા હતા, વિરોધ પ્રદર્શનો થતા હતા અને લોકોમાં ભારે ગુસ્સો જોવા મળતો હતો. તેની સામે આજે સાત-સાત અને આઠ-આઠ રૂપિયાનો ભાવવધારો ઝીંકી દેવા છતાં જનતા મૌન છે અને કશું બોલી શકતી નથી. વર્તમાન સરકારે દેશમાં એવી ડરની સિસ્ટમ ઉભી કરી દીધી છે કે લોકો હવે હડતાલ કે આંદોલન કરવાની વાત તો દૂર રહી, પરંતુ સરકારની નીતિઓ વિરુદ્ધ ખુલ્લેઆમ બોલતા પણ ગભરાઈ રહ્યા છે. પેટ્રોલ-ડીઝલ મોંઘા થવાના કારણે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધ્યો છે અને તેના લીધે તમામ જીવનજરૂરી વસ્તુઓના ભાવો આકાશને આંબી રહ્યા છે.
મોંઘવારીની આકરી વાસ્તવિકતા રજૂ કરતા તેમણે જણાવ્યું હતું કે આજે ગૃહિણીઓ માટે રસોડું ચલાવવું અત્યંત મુશ્કેલ બની ગયું છે. શાકભાજીથી લઈને તમામ ખાદ્યચીજોના ભાવ સતત વધી રહ્યા છે અને સરકાર માત્ર ટૂંક સમયમાં બધું કંટ્રોલ થઈ જશે તેવી ખોટી વાતો કરીને જનતા પર ધીમે ધીમે મોંઘવારીનું ઝેર ઠાલવી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ (ક્રૂડ ઓઈલ) ના ભાવ ઘટી રહ્યા હોવા છતાં ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધારવામાં આવે છે તે મોટો અન્યાય છે. રશિયા ભારતને સસ્તા ભાવે ઓઈલ અને ગેસ આપવા માટે તૈયાર હોવા છતાં સરકાર તે સસ્તી કિંમતનો સીધો લાભ દેશની સામાન્ય જનતાને કેમ નથી આપતી તેવો સવાલ તેમણે ઉઠાવ્યો હતો.
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખે ગુજરાતની જનતાને આ મોંઘવારીના ભરડામાંથી બહાર આવવા માટે એકજૂથ થઈને જાગૃત થવા માટે ભાવભરી અપીલ કરી છે. તેમણે સમાજ અને જ્ઞાતિના આગેવાનોના મૌન સામે પણ સવાલો ઉઠાવતા કહ્યું કે આટલી ભયંકર મોંઘવારી વધી હોવા છતાં કોઈ અવાજ ઉઠાવવા તૈયાર નથી. તેમણે નાગરિકોને અનુરોધ કર્યો કે તમે ભલે કોઈ પણ રાજકીય પાર્ટીને સપોર્ટ કરતા હોવ, પરંતુ તમારા અને તમારા પરિવારના હક માટે હવે તમારે પોતે જ જાગવું પડશે. આપણા સૌના ઉજ્જવળ ભવિષ્ય માટે બીજું કોઈ લડવા આવવાનું નથી, તેથી જનતાએ પોતે જાગૃત થઈને મતદાન અને અવાજ દ્વારા આ મૂંગી સરકારને જડબાતોડ જવાબ આપવો પડશે.
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
