તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd June 2026
ફોરેસ્ટ કર્મચારી પર હુમલા કેસમાં AAP ધારાસભ્ય ચૈતર વસાવાને ૩ વર્ષની જેલની સજા ફટકારી: પત્ની સહિત 8 આરોપીઓ દોષિત
૩ વર્ષની સજા હોવાથી ધારાસભ્યના પદ પર કાયદાકીય સંકટના વાદળો ઘેરાયા: ચૈતર વસાવાની કાનૂની ટીમ સક્રિય:ચુકાદા સામે વડી અદાલત (ગુજરાત હાઈકોર્ટ) માં અપીલ કરવાની તૈયારીમાં

નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય ચૈતર વસાવા માટે કાયદાકીય મુસીબતોનો પહાડ તૂટી પડ્યો છે. રાજપીપળા સેસન્સ કોર્ટે ફોરેસ્ટ કર્મચારીઓ પર હુમલો કરવાના અને સરકારી ફરજમાં રૂકાવટ ઊભી કરવાના કેસમાં ચૈતર વસાવા અને તેમના પત્ની સહિત અન્ય આરોપીઓને દોષિત જાહેર કરીને ૩ વર્ષની જેલની સજા ફટકારી છે. આ ચુકાદાને પગલે ગુજરાતના રાજકીય વર્તુળોમાં ભારે હલચલ મચી ગઈ છે.
થોડા સમય અગાઉ વન વિભાગના કર્મચારીઓ સરકારી ફરજ પર હતા ત્યારે ધારાસભ્યના નિવાસસ્થાને અને તેની આસપાસના વિસ્તારમાં એક વિવાદ સર્જાયો હતો. આ કેસમાં મુખ્ય આરોપ એ હતો કે ચૈતર વસાવા અને તેમના સમર્થકોએ ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ સાથે ઘર્ષણ કર્યું હતું. આ દરમિયાન સરકારી કર્મચારીઓ પર હુમલો કરવો, સરકારી ફરજમાં અવરોધ ઊભો કરવો અને હવામાં કથિત ફાયરિંગ કરીને તેમને ધમકાવવાના ગંભીર આરોપો નોંધાયા હતા. આ કેસમાં ધારાસભ્યએ અગાઉ લાંબો સમય જેલવાસ ભોગવ્યો હતો અને ત્યારબાદ તેઓ જામીન પર મુક્ત થયા હતા. અદાલતે તમામ પુરાવાઓ અને સાક્ષીઓની જુબાનીને ગ્રાહ્ય રાખીને આજે આ સજા સંભળાવી છે.
આ સજાએ ચૈતર વસાવાની રાજકીય કારકિર્દી પર મોટી કાનૂની તલવાર લટકાવી દીધી છે. સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ નિર્દેશો મુજબ, જો કોઈ જનપ્રતિનિધિ (સાંસદ કે ધારાસભ્ય) ને કોર્ટ દ્વારા ૨ વર્ષ કે તેથી વધુની સજા ફટકારવામાં આવે, તો તેમનું સભ્યપદ તાત્કાલિક અસરથી રદ થવા પાત્ર બને છે. ૩ વર્ષની સજા હોવાથી ધારાસભ્યના પદ પર કાયદાકીય સંકટના વાદળો ઘેરાયા છે.
પોતાના પદને બચાવવા અને સજા સામે રાહત મેળવવા માટે ચૈતર વસાવાની કાનૂની ટીમ સક્રિય થઈ ગઈ છે. તેઓ આ ચુકાદા સામે વડી અદાલત (ગુજરાત હાઈકોર્ટ) માં અપીલ કરવાની તૈયારી કરી રહ્યા છે. કાનૂની નિષ્ણાતોના મતે, તેઓ સજા પર સ્ટે મેળવવા અને જામીન મેળવવા માટે હાઈકોર્ટમાં અરજી કરશે. હાલ તો આ ચુકાદો ડેડિયાપાડાના રાજકારણ માટે એક મોટો વળાંક સાબિત થયો છે, જેના પર હવે સમગ્ર રાજ્યની નજર ટકેલી છે.
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
