તા. ૨૪ ઓકટોબર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ – ૩ શુક્રવાર
News of Monday, 27th April 2026
AAP ધારાસભ્ય ચૈતર વસાવાને પીડિત પરિવારે લાફો માર્યો : રાજકીય લાભ ખાટવા અને પૈસા ઉઘરાવવા આવ્યા હોવાનો લગાવાયો આક્ષેપ
ઝઘડિયા GIDC માં આવેલી મેટ્રોપોલિટન કંપનીમાં લાગેલી ભીષણ આગની દુર્ઘટનાએ હવે ગંભીર વળાંક લીધો

ભરૂચ જિલ્લાના ઉદ્યોગિક વિસ્તારમાં એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં આમ આદમી પાર્ટીના ફાયરબ્રાન્ડ ધારાસભ્ય ચૈતર વસાવા પીડિત પરિવારના રોષનો ભોગ બન્યા છે. એક દુખદ મૃત્યુ બાદ કંપનીમાં મધ્યસ્થી કરવા પહોંચેલા ધારાસભ્યને પીડિત પરિવારના સભ્યોએ જાહેરમાં થપ્પડ ઝીંકી દીધી હતી. પરિવારનો આરોપ છે કે ધારાસભ્ય માત્ર પોતાનો રાજકીય સ્વાર્થ સાધવા અને પૈસા ઉઘરાવવા આવ્યા હતા, જેના કારણે વાતાવરણ તંગ બની ગયું હતું.
મરણ જનાર રાકેશ વસાવાના મૃત્યુ બાદ કંપની અને પરિવાર વચ્ચે વળતર મુદ્દે ચર્ચા ચાલી રહી હતી. આ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવા ત્યાં પહોંચ્યા હતા. જોકે, તેમને જોતા જ પીડિત પરિવાર અને તેમના કૌટુંબિક ભાઈ રાજન વસાવા ઉશ્કેરાઈ ગયા હતા. પરિવારના સભ્યોએ આક્ષેપ કર્યો હતો કે ચૈતર વસાવાને કોઈએ બોલાવ્યા નહોતા, તેમ છતાં તેઓ બિનજરૂરી રીતે વાતાવરણ ડહોળવા અને શાંતિ ભંગ કરવા આવ્યા હતા. આ બોલાચાલી દરમિયાન મામલો એટલો બિચક્યો હતો કે ધારાસભ્યને થપ્પડ પડી ગઈ હતી.
પીડિત પરિવારના સભ્ય રોશન વસાવાએ આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, "ચૈતર વસાવા માત્ર પૈસા ઉઘરાવવા માટે કંપની પર આવ્યા છે." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે કંપની સાથે પરિવારનું સુખદ સમાધાન થઈ ગયું હતું અને કોઈ પ્રશ્ન બાકી નહોતો. ધારાસભ્યએ ત્યાં આવીને લોકોને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો આ સ્થિતિમાં કોઈ હુલ્લડ કે હિંસા થાય, તો તેના માટે સંપૂર્ણ જવાબદાર ચૈતર વસાવા રહેશે તેવી ચીમકી પણ પરિવારે ઉચ્ચારી હતી.
ધારાસભ્ય સામે સૌથી મોટો વિરોધ એ વાતનો હતો કે તેઓ પીડિતોની સંમતિ વગર જ હસ્તક્ષેપ કરી રહ્યા હતા. પરિવારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે તેઓ તેમની લડાઈ લડવા સક્ષમ છે અને તેમને કોઈ રાજકીય નેતાની મધ્યસ્થીની જરૂર નથી. શાંત વાતાવરણમાં ઉશ્કેરણીજનક સ્થિતિ પેદા કરવાનો પ્રયાસ ધારાસભ્યને ભારે પડ્યો હતો. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો વાયરલ થતા રાજકીય આલમમાં પણ ભારે ચર્ચા જાગી છે.
ચૈતર વસાવા ભલે આદિવાસી નેતા તરીકે જાણીતા હોય, પરંતુ પોતાના જ સમાજના લોકોના આક્રોશનો સામનો કરવો પડતા તેમની રાજકીય છબી પર સવાલો ઉભા થયા છે. આ ઘટના બાદ પોલીસ કાફલો પણ સતર્ક થઈ ગયો છે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. આ કિસ્સો એ વાતનો પુરાવો છે કે જ્યારે લોકો ન્યાય કે સમાધાનથી સંતુષ્ટ હોય, ત્યારે રાજકીય હસ્તક્ષેપ ઘણીવાર ઉલટો પડી શકે છે.
(7:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
