<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th April 2026

સુરતમાં ચૂંટણી પૂર્વે AAP ને મોટો ફટકો :માંડવીની સઠવાવ તાલુકા પંચાયત બેઠકના 'આપ' ઉમેદવારએ પાર્ટી છોડી ભાજપમાં જોડાયા

' આપ ' ઉમેદવારે ભાજપના જિલ્લા મધ્યસ્થ કાર્યાલય ખાતે વિધિવત રીતે કેસરીયો ધારણ કરી ભાજપને ટેકો જાહેર કર્યો:સ્થાનિક રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર

સુરત જિલ્લાના રાજકારણમાં ભારે ઉથલપાથલ જોવા મળી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે જ આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. માંડવી વિધાનસભા હેઠળ આવતી તાલુકા પંચાયત બેઠકના ઉમેદવારે પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાઈ જતાં રાજકીય ગરમાવો વધી ગયો છે. આ પક્ષ પલટાથી AAP પાર્ટીને મોટું નુકસાન વેઠવાનો વારો આવી શકે છે.

 

માંડવીની ધંતોલી જિલ્લા પંચાયત બેઠક હેઠળ આવતી સઠવાવ તાલુકા પંચાયત બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજેશભાઈ ચૌધરીએ વિધિવત રીતે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. ભાજપના જિલ્લા મધ્યસ્થ કાર્યાલય ખાતે આયોજિત એક કાર્યક્રમમાં તેઓ ભાજપના પદાધિકારીઓની હાજરીમાં પક્ષમાં જોડાયા હતા. આ પરિવર્તનને કારણે આપના સ્થાનિક સંગઠનમાં ભંગાણ જેવી સ્થિતિ સર્જાઈ છે.

 

 

રાજેશભાઈ ચૌધરીએ ભાજપમાં જોડાઈને ભાજપને ટેકો જાહેર કર્યો છે. ચૂંટણી પહેલા જ ઉમેદવારનું પક્ષ પરિવર્તન થવું એ આમ આદમી પાર્ટી માટે વ્યૂહાત્મક હાર માનવામાં આવી રહી છે. રાજકીય વિશ્લેષકોના મતે, છેલ્લી ઘડીએ ઉમેદવારના આ નિર્ણયથી વિરોધ પક્ષના મતોનું વિભાજન અટકશે અને ભાજપની પકડ વધુ મજબૂત બનશે.

 

 

આમ આદમી પાર્ટી છોડતા પૂર્વે રાજેશભાઈએ ભાજપની કાર્યશૈલી અને વિકાસના કામોથી પ્રભાવિત થઈને આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ, ભાજપે આ પ્રવેશને પોતાની વધતી જતી લોકપ્રિયતા અને સંગઠન શક્તિ તરીકે ગણાવ્યો છે. હવે જોવાનું એ રહેશે કે ચૂંટણીના પરિણામો પર આ ફેરબદલની કેટલી અસર પડે છે.

(8:03 PM IST)