News of Thursday, 15th October 2026
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આસ્થા અને પર્યાવરણ સંરક્ષણનો સંગમ : સ્વચ્છ પર્યાવરણ યાત્રા પહેલ હેઠળ GPCB દ્વારા રાજ્યની મુખ્ય પદયાત્રાઓમાં લાખો શ્રદ્ધાળુઓ સુધી જાગૃતિ પહોંચાડીને ૯૦૬ મેટ્રિક ટન કચરાનું વૈજ્ઞાનિક નિકાલ કરવામાં આવ્યો - વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા
અંબાજી પદયાત્રા, ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા અને દ્વારકા ફૂલડોલ મહોત્સવ જેવા ધાર્મિક મેળાવડાઓમાં ૧.૪૩ કરોડથી વધુ શ્રદ્ધાળુઓ સુધી પહોંચાડાયો સ્વચ્છતાનો સંદેશ : પ્લાસ્ટિકના વિકલ્પરૂપે સ્ટીલની બોટલો અને કાપડની થેલીઓનું કરાયું વિતરણ

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનાં માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ ગુજરાતમાં આસ્થા અને પર્યાવરણ સંરક્ષણનો અદભુત સંગમ જોવા મળી રહ્યો છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા વર્ષ ૨૦૨૪ થી શરૂ કરવામાં આવેલી 'સ્વચ્છ પર્યાવરણ યાત્રા' પહેલ અંતર્ગત રાજ્યની વિવિધ ધાર્મિક પદયાત્રાઓ અને ઉત્સવો દરમિયાન ઉત્પન્ન થયેલા આશરે ૯૦૬ મેટ્રિક ટન કચરાનું સફળતાપૂર્વક એકત્રિકરણ કરીને તેનું વૈજ્ઞાનિક ઢબે વ્યવસ્થાપન કરવામાં આવ્યું છે.
૧.૪૩ કરોડથી વધુ શ્રદ્ધાળુઓમાં પર્યાવરણીય જાગૃતિ:
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા અંબાજી પદયાત્રા, ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા અને દ્વારકાના ફૂલડોલ મહોત્સવ જેવા પવિત્ર અવસરો પર યાત્રાળુઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવે છે. આ જનજાગૃતિ અભિયાનના માધ્યમથી અત્યાર સુધીમાં ૧.૪૩ કરોડથી વધુ શ્રદ્ધાળુઓ સુધી સ્વચ્છતાનો સંદેશ પહોંચાડવામાં આવ્યો છે. આ અભિયાનમાં 'આ હાથ કચરો નહીં ફેંકે' સૂત્ર સાથે એક લાખથી વધુ જાગૃતિ બેન્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી લોકો જાહેર સ્થળોએ કચરો ફેલાવવાથી દૂર રહે.
અંબાજી પદયાત્રા દરમિયાન વિશેષ વ્યવસ્થા અને બોટલ વિનિમય કાર્યક્રમ:
તાજેતરમાં સંપન્ન થયેલી અંબાજી પદયાત્રા દરમિયાન GPCB દ્વારા ૩૮.૮ મેટ્રિક ટન કચરાનું વૈજ્ઞાનિક પદ્ધતિથી વ્યવસ્થાપન કરાયું હતું. આ કાર્યને સુચારુ બનાવવા માટે ૩૦૦ સેવા કેન્દ્રો શરૂ કરાયા હતા, જ્યારે ૧૩ વાહનો અને ૯૦ જેટલા સફાઈ તથા ક્ષેત્રિય કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા હતા.
* પદયાત્રામાં સિંગલ-યુઝ્ડ પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા માટે ૩૧,૦০০ કમ્પોસ્ટ થઈ શકે તેવી થેલીઓ, ૧,૫૦૦ કાપડની થેલીઓ અને ૪,૮૫૦ સ્ટીલની બોટલોનું વિતરણ કરાયું હતું.
* વિશેષ બોટલ વિનિમય કાર્યક્રમ અંતર્ગત ૩૮,૪૬૬ પ્લાસ્ટિકની બોટલો એકત્રિત કરવામાં આવી હતી.
* આ પર્યાવરણલક્ષી પગલાંઓને કારણે અંદાજે ૨૭.૫૮ મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનમાં ઘટાડો થયો છે અને ૩.૨૫ લાખ કિલોવોટ-કલાક ઊર્જાની બચત થઈ છે.
* આ ઉપરાંત જાગૃતિ માટે ૭૦ શેરી નાટકો, બે ડાયરા કાર્યક્રમો અને ૫૦,૦૦૦થી વધુ પત્રિકાઓનું વિતરણ કરાયું હતું.
વન અને પર્યાવરણ મંત્રી અને રાજ્યમંત્રીના પ્રતિભાવો:
વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે સ્વચ્છ પર્યાવરણ યાત્રા પહેલ હેઠળ GPCB દ્વારા રાજ્યની મુખ્ય પદયાત્રાઓમાં લાખો શ્રદ્ધાળુઓ સુધી જાગૃતિ પહોંચાડીને ૯૦૬ મેટ્રિક ટન કચરાનું વૈજ્ઞાનિક નિકાલ કરવામાં આવ્યો છે. વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે વિવિધ જનજાગૃતિ પ્રવૃત્તિઓ દ્વારા શ્રદ્ધાળુઓને કચરાના જવાબદારીપૂર્વક નિકાલ માટે પ્રોત્સાહિત કરાયા છે, જેનાથી યાત્રામાર્ગો સ્વચ્છ રહ્યા છે.
ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં સરાહનીય કામગીરી:
૩૧ દિવસ સુધી ચાલેલી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા દરમિયાન પણ ૨૩થી ૨૪ કિલોમીટરના માર્ગ પર સ્વચ્છતા જાળવવા માટે ૬૫ સફાઈ કર્મચારીઓ અને ૪ વાહનો ફાળવવામાં આવ્યા હતા. આ દરમિયાન કુલ ૬૦ મેટ્રિક ટન કચરો (જેમાં ૧૫ મેટ્રિક ટન પ્લાસ્ટિક અને ૪૫ મેટ્રિક ટન જૈવિક કચરો સામેલ છે) એકત્ર કરીને તેની વૈજ્ઞાનિક પ્રક્રિયા કરાઈ હતી. આ પહેલથી ૪૧ મેટ્રિક ટન CO₂ ઉત્સર્જન ઘટ્યું અને આશરે ૮૫,૦૦૦ થી ૮૬,૦૦૦ kWh ઊર્જાની બચત થઈ હતી. GPCB દ્વારા આ પ્રકારે ધાર્મિક મેળાવડાઓમાં કચરાનું વૈજ્ઞાનિક વ્યવસ્થાપન કરીને યાત્રા સંચાલનનું એક ઉત્તમ મોડેલ પૂરું પાડવામાં આવી રહ્યું છે.
(3:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
