તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd July 2026
સરકારી ઇજનેરી કોલેજોમાં જરૂર મુજબ સ્ટાફ ફાળવણી ન થતા શૈક્ષણિક કાર્ય પર માઠી અસર
અધ્યાપક મંડળ વિદ્યાર્થીઓની વહારેઃ સરકારમાં રજુઆતઃ ત્વરિત પગલા જરૂરી : અમૂક કોલેજોમાં વિદ્યાર્થીઓ વધુ અને અધ્યાપકો ઓછા, અમૂક કોલેજોમાં એનાથી ઉલટી સ્થિતિ

રાજકોટ, તા. રઃ ગુજરાત રાજય સરકારી ઇજનેરી કોલેજ શૈક્ષણિક રાજયપત્રિત અધિકારી મંડળે સરકારી ડીગ્રી ઇજનેરી કોલેજોમાં વિવિધ વિદ્યાશાખાઓમાં નવા કાર્યભાર પ્રમાણે અધ્યાપકોની ફાળવણી કરવા રજુઆત કરી છે. મંડળના પ્રમુખ ડો. ડી .એસ. પટેલ અને મહામંત્રી ડો. પંકજ પી. પ્રજાપતિએ આ અંગે મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને વિસ્તૃત પત્ર પાઠવ્યો છે.
પત્રમં જણાવાયુ છે શિક્ષણ વિભાગના ૨૧/૦૫/૨૦૨૬ ના ઠરાવ મુજબ સરકારી ઇજનેરી કોલેજોમાં કુલ ૧૪૬૪ બેઠકોનો વધારો કરવામાં આવ્યો છે તે બદલ સરકારી ઇજનેરી કોલેજ અધ્યાપક મંડળ મુખ્યમંત્રીશ્રી, શિક્ષણ મંત્રી, અધિક મુખ્ય સચિવ, શિક્ષણ વિભાગ, ટેકનીકલ શિક્ષણ નિયામક સહિત તેમની કચેરીના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ નો આભાર માનેલ છે. આ વધારાની બેઠકો માટે AICTE ની જરૂરી મંજુરીની રાહ જોવાય રહેલ છે.
૨૦૨૦ થી ૨૦૨૨ ના એસીપીસી મધ્યસ્થ પ્રવેશ પ્રક્રિયાના તારણોનો અભ્યાસ કર્યા બાદ શિક્ષણ વિભાગ દ્વારા દુર ના વિસ્તાર માં આવેલ સરકારી ઈજનેરી કોલેજોની ઓછો પ્રવેશ મેળવતી વિદ્યાશાખાઓની અમુક બેઠકો વિદ્યાર્થીઓની પ્રથમ હરોળમાં પસંદગી ધરાવતી અન્ય કોલેજો માં ૨૦૨૨ ના રીસ્ટ્રક્ચર પરિપત્ર થી તબદીલ કરવામાં આવેલ. ત્યારબાદ છેલ્લા ત્રણ વર્ષમાં પ્રવેશની ટકાવારીમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે અને શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ ના એસીપીસી પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ ચરણ માં સરકારી ઈજનેરી કોલેજોની તમામ વિદ્યાશાખાઓમાં ૧૦૦ ટકા બેઠકો ભરાય ગયેલ છે. પરંતુ આ જ પરિપત્ર માં દર્શાવ્યા અનુસાર AICTE ના ધારાધોરણ મુજબ ખૂટતા મહેકમ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય સંસાધનોની પૂર્તતા આજે ૦૪ વર્ષ બાદ પણ થયેલ નથી. આના લીધે છેલ્લા ૦૪ વર્ષથી કેટલીક કોલેજોમાં વિદ્યાર્થીઓ હોવા છતાં વિષય નિષ્ણાત અધ્યાપકોની અછત છે, જ્યારે કેટલીક જગ્યાએ વિદ્યાર્થીઓની ઓછી સંખ્યાની સરખામણીએ સ્ટાફ વધુ છે. આ અંગે વિદ્યાર્થીઓના હિત માં અધ્યાપક મંડળ વર્ષોથી રજૂઆત કરી રહેલ છે તેમ છતાં પરિસ્થિતિ જેમ ની તેમ રહેવા પામેલ છે. આ પરિસ્થિતિને કારણે વિદ્યાર્થીઓને શૈક્ષણિક હિતોને નુકસાન થઈ રહ્યું છે અને સરકાર પર વધારાનો નાણાકીય બોજ પણ આવી રહ્યો છે.
ખાસ કરીને Robotics and Automation, AIML, Data Science, ICT અને E&I જેવી નવી વિદ્યાશાખાઓમાં છેલ્લા ચાર વર્ષથી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પોતાના વિષયના નિષ્ણાત પ્રોફેસરો વિના અભ્યાસ કરવો પડી રહ્યો હોવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે તેમજ આ વિદ્યાશાખા માટે ટેકનિકલ શિક્ષણ ની કચેરી દ્વારા ૦૪ વર્ષ વીતવા છતાં શૈક્ષણિક તેમજ બિન શૈક્ષિણક સ્ટાફ ના મહેકમ ની કોઈ વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ નથી. નવા સત્રની શરૂઆત પહેલાં, એટલે કે ૧૫/૦૭/૨૦૨૬ સુધીમાં, જે તે સંસ્થાઓમાં જે તે વિદ્યાશાખાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા અને શૈક્ષણિક કાર્યભાર અનુસાર જરૂરી ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફ ઉપલબ્ધ કરાવવાની માંગ કરવામાં આવી છે.
(5:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
