<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd November 2026

મહેસાણાના ગમનપુરા ગ્રામ પંચાયતમાં એસીબીના સપાટાથી ખળભળાટ : બાંધકામ પરવાનગીના બદલામાં ૧ લાખ રૂપિયાની લાંચ લેતા સરપંચ શ્રીમતી મણીબેન ઠાકોર અને તલાટી કમ મંત્રી શ્રીમતી દિપ્તીબેન પટેલ રંગેહાથ ઝડપાયા

મદદનિશ નિયામક એમ.એચ. પુવાર અને નાયબ નિયામક હરેશ મેવાડાના સુપરવિઝન હેઠળ અમદાવાદ શહેર એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. શેઠ અને તેમની ટીમે પંચોની ઉપસ્થિતિમાં ગોઠવી સફળ ટ્રેપ

કડી : મહેસાણા જિલ્લાના કડી-મહેસાણા પંથકમાં વહીવટી તંત્રની ભ્રષ્ટ પ્રવૃત્તિઓ સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા અત્યંત કડક કાર્યવાહી કરવામાં આવી છે. મહેસાણા તાલુકાના ગમનપુરા ગ્રામ પંચાયત કચેરી ખાતે જમીન બાંધકામની પરવાનગી આપવાના બદલામાં કુલ 1,00,000 રૂપિયાની માતબર લાંચ સ્વીકારવાના પ્રકરણમાં ગામના સરપંચ અને તલાટી કમ મંત્રીને એસીબીની ટીમે રંગેહાથ ઝડપી લીધા છે. તા. ૦૨/૧૧/૨૦૨૬ના રોજ બનેલી આ ઘટનાથી સ્થાનિક રાજકારણ અને ગ્રામ પંચાયત વર્તુળોમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

શું હતી સમગ્ર ઘટના?
એસીબી પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, આ કેસના ફરિયાદીએ ગમનપુરા ગામે વેચાણ દસ્તાવેજથી જમીન ખરીદ કરી હતી. આ પૈકીની એક જમીનને વર્ષ ૨૦૨૩માં એન.એ. (NA) કરાવીને વોટર ટ્રીટમેન્ટ કેમિકલનું ઉત્પાદન યુનિટ શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ફરિયાદીને ધંધામાં વધુ ઉત્પાદનની જરૂર ઊભી થતાં, પોતાની માલિકીની અન્ય જમીન એન.એ. કરાવીને તે જગ્યા પર બાંધકામ અંગેની પરવાનગી મેળવવા માટે ગમનપુરા ગ્રામ પંચાયત ખાતે ગયા હતા. જ્યાં તેઓ સરપંચ શ્રીમતી મણીબેન મહેંદ્રજી ઠાકોર તથા તલાટી કમ મંત્રી શ્રીમતી દિપ્તીબેન વસંતભાઇ પટેલને મળ્યા હતા.

લાંચની રકમની વહેંચણી અને એસીબીમાં ફરિયાદ:
બાંધકામ પરવાનગી આપવાની સરકારી કાર્યવાહી કરવાના અવેજ પેટે સરપંચ શ્રીમતી મણીબેન ઠાકોરે ફરિયાદી પાસે કુલ 1,00,000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી, અને તેમાંથી 20,000 રૂપિયાની લાંચ તલાટી કમ મંત્રી શ્રીમતી દિપ્તીબેન પટેલને આપવા પડશે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ થયેલી રકઝક અંતે સરપંચ શ્રીમતી મણીબેન ઠાકોરે પોતાના માટે 80,000 રૂપિયા તથા તલાટી માટે 20,000 રૂપિયા નક્કી કર્યા હતા. ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે તુરંત જ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) નો સંપર્ક સાધીને લેખિત ફરિયાદ નોંધાવી હતી.

એસીબીની સફળ ટ્રેપ અને આરોપીઓની ધરપકડ:
મળેલી ફરિયાદના આધારે અમદાવાદ શહેર એ.સી.બી. પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. શેઠ અને તેમની ટીમે આજરોજ ગમનપુરા ગ્રામ પંચાયત કચેરી ખાતે લાંચના છટકા (ટ્રેપ)નું આયોજન કર્યું હતું. આ સફળ ટ્રેપ દરમિયાન, આરોપી સરપંચ શ્રીમતી મણીબેન મહેંદ્રજી ઠાકોરે ફરિયાદી પાસેથી 80,000 રૂપિયાની લાંચની રકમ સ્વીકારી હતી, જ્યારે સહઆરોપી તલાટી કમ મંત્રી શ્રીમતી દિપ્તીબેન વસંતભાઇ પટેલે પોતાની ભાગીદારીના 20,000 રૂપિયાની લાંચની રકમ સ્થળ ઉપર સ્વીકારી લીધી હતી. આમ, બંને આરોપીઓ એસીબીની ટ્રેપમાં રંગેહાથ ઝડપાઈ ગયા હતા અને પોલીસે લાંચની પૂરેપૂરી 1,00,000 રૂપિયાની રકમ હેમખેમ રીકવર કરી લીધી હતી.

આ સમગ્ર સફળ કાર્યવાહી એ.સી.બી. ગુજરાત રાજ્યના નાયબ નિયામક હરેશ મેવાડા તથા અમદાવાદ એકમના મદદનિશ નિયામક એમ.એચ. પુવારના માર્ગદર્શન અને સુપરવિઝન હેઠળ ટ્રેપિંગ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. શેઠ અને તેમની એસીબી ટીમ દ્વારા પાર પાડવામાં આવી છે. પોલીસે બંને વિરુદ્ધ કાયદેસરની ગુનાહિત કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.

(10:27 PM IST)