હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
આણંદ સરકારી હોસ્પિટલમાં ACBનો સપાટો: મફત થતા ઓપરેશન માટે લાંચ માંગતો ડૉક્ટર ચિંતન શાહ ઝડપાયો
ઓપરેશનના નામે અગાઉ જ 1,000 પડાવી લીધા ,બાકી રહેલા 3,000 આપવા દર્દીના સગા સક્ષમ ન હોઈ અને લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આણંદ એસીબીનો સંપર્ક સાધ્યો

આણંદમાંથી એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ની એક ખૂબ જ મોટી અને સફળ ટ્રેપ સામે આવી છે. આણંદની જનરલ હોસ્પિટલમાં કરાર આધારિત ઓર્થોપેડિક સર્જન તરીકે ફરજ બજાવતા ડૉક્ટર ચિંતન સ્નેહલભાઇ શાહને એસીબીની ટીમે રૂબરૂ લાંચ લેતા લોબીમાંથી રંગેહાથ ઝડપી પાડ્યા છે. ભગવાન સમાન ગણાતા ડૉક્ટરે સરકારી નિયમ મુજબ મફતમાં થતા ઓપરેશન માટે લાંચની માંગણી કરી હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ, એક ફરિયાદીના હાથની આંગળીનું ઓપરેશન કરવાનું હતું. સરકારી હોસ્પિટલ હોવા છતાં ડૉ. ચિંતન શાહે આ ઓપરેશન કરવા માટે દર્દી પાસે રૂપિયા 6500ની લાંચની માંગણી કરી હતી. જો કે, ફરિયાદી એટલી રકમ આપવા સક્ષમ ન હોવાથી બંને વચ્ચે રકઝક થઈ હતી અને આખરે રૂપિયા 4 હજારમાં સોદો નક્કી થયો હતો. આ નક્કી થયેલી રકમમાંથી ડૉક્ટરે રૂપિયા 1 હજાર અગાઉ જ એડવાન્સ પેટે લઈ લીધા હતા.
બાકી રહેતા રૂપિયા 3 હજાર આપવા ફરિયાદી તૈયાર ન હોવાથી તેમણે આ અંગે એસીબીનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે એસીબીની ટીમે આણંદ જનરલ હોસ્પિટલના પ્રથમ માળે આવેલા ઓપરેશન થિયેટરની બહારની લોબીમાં જ લાંચનું છટકું ગોઠવ્યું હતું. ફરિયાદી પાસેથી બાકીના રૂપિયા 3 હજારની લાંચ સ્વીકારતા જ એસીબીના અધિકારીઓએ ડૉ. ચિંતન શાહને દબોચી લીધા હતા. એસીબીએ સમગ્ર મામલે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધીને ડૉક્ટર વિરૂદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
