News of Tuesday, 7th July 2026
છોટાઉદેપુરના કવાંટમાં એ.સી.બી.ની મોટી કાર્યવાહી: ધારાસભ્યની ગ્રાન્ટના કામોના બિલ મંજૂર કરવા ૩૫,૦૦૦ રૂપિયાની લાંચ માંગનાર અધિક મદદનીશ ઇજનેર હર્ષવર્ધન પટેલ ૧૧,૫૦૦ રૂપિયા લેતા રંગેહાથ ઝડપાયો : વડોદરા એ.સી.બી.ના નાયબ નિયામક બળદેવ દેસાઈ ના નેતૃત્વમાં ઓપરેશન સફળ : જુઓ વિડીયો
ઇન્ચાર્જ મદદનીશ નિયામક બી.એમ.પટેલના સુપરવિઝનમાં નર્મદા એ.સી.બી. પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ડી.ડી.વસાવા અને તેમની ટીમ દ્વારા તાલુકા પંચાયત કચેરીની બાંધકામ શાખાની ઓફિસમાં જ ગોઠવાયેલું લાંચનું સફળ છટકું

કવાંટ, ૭ જુલાઈ : છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં સરકારી કામોના અટકેલા બિલો પાસ કરવાના બહાને કોન્ટ્રાક્ટર કે અરજદારો પાસેથી લાંચ માંગતા ભ્રષ્ટ અધિકારીઓ પર લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (એ.સી.બી.) દ્વારા સકંજો કસવામાં આવ્યો છે. કવાંટ તાલુકા પંચાયત કચેરીની બાંધકામ શાખામાં ફરજ બજાવતા અધિક મદદનીશ ઇજનેર હર્ષવર્ધન કાશીરામ પટેલ દ્વારા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી થયેલા વિકાસકામોના નાણાં પાસ કરવા માટે ટકાવારીના હિસાબે લાંચની માંગણી કરવામાં આવી હતી. જાગૃત નાગરિકની ફરિયાદના આધારે એ.સી.બી.ની ટીમે આજે તાલુકા પંચાયત કચેરીમાં જ આયોજનબદ્ધ છટકું ગોઠવીને આરોપી ઇજનેરને લાંચની રકમ સ્વીકારતા સ્થળ પર જ દબોચી લીધો હતો.
ધારાસભ્યની ગ્રાન્ટના બે વિકાસકામોના બિલ પાસ કરવા માંગી હતી ટકાવારી:
આ સફળ ટ્રેપની વિગત એવી છે કે, આ કામના ફરિયાદી નાગરિકે વર્ષ ૨૦૨૫ દરમિયાન ધારાસભ્યની ગ્રાન્ટમાંથી મંજૂર થયેલા બે મહત્વના કામો પોતાના સ્વ-ખર્ચે પહેલા પૂર્ણ કરી દીધા હતા. જેમાં એક કામ ૨,૫૦,૦૦૦ રૂપિયાના ખર્ચે મંજૂર થયેલી સંરક્ષણ દીવાલનું હતું, જે ફરિયાદીએ ૨,૩૦,૦૦૦ રૂપિયામાં બનાવી દીધી હતી. આ સિવાય ફરિયાદીના ગામ પાસે મજૂર કલ્યાણ કેન્દ્ર હોલ બનાવવા માટે પણ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ૫,૦૦,૦૦૦ રૂપિયા મંજૂર થયા હતા. આ બંને કામો પૂર્ણ થઈ ગયા હોવાથી તેના ઓફિશિયલ બિલો મંજૂર કરાવવા માટે ફરિયાદી કવાંટ તાલુકા પંચાયત કચેરીની બાંધકામ શાખામાં ગયા હતા. ત્યાં ફરજ પર તૈનાત આરોપી અધિક મદદનીશ ઇજનેર હર્ષવર્ધન કાશીરામ પટેલે બંને બિલો મંજૂર કરવાના અવેજ પેટે કુલ રકમના ૫ ટકા લેખે ૩૭,૦૦૦ રૂપિયા લાંચની માંગણી કરી હતી.
રકઝકના અંતે ૩૫,૦૦૦ રૂપિયા નક્કી થયા, પરંતુ જાગૃત નાગરિકે એ.સી.બી.નો સંપર્ક કર્યો:
સરકારી કામના નાણાં મેળવવા માટે લાંચ આપવી પડે તેમ હોવાથી ફરિયાદી અને આરોપી ઇજનેર વચ્ચે રકઝક થઈ હતી. આ રકઝકના અંતે આરોપી હર્ષવર્ધન પટેલે ૩૫,૦૦૦ રૂપિયા લેવાનું નક્કી કર્યું હતું. જોકે, ફરિયાદી નાગરિક આ ભ્રષ્ટ અધિકારીને લાંચના નાણાં આપવા બિલકુલ માંગતા ન હોવાથી, તેમણે સીધો જ લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (એ.સી.બી.) નો સંપર્ક સાધ્યો હતો અને કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. નાગરિકની ફરિયાદના આધારે એ.સી.બી. પંથકના અધિકારીઓ દ્વારા તુરંત જ લાંચના ગેરકાયદેસર વ્યવહારને પકડવા માટે એક મજબૂત છટકું ગોઠવવામાં આવ્યું હતું.
તાલુકા પંચાયતની ઓફિસમાં જ ૧૧,૫૦૦ રૂપિયાની લાંચ લેતા ઇજનેર ઝડપાયો:
ગોઠવાયેલા આયોજન મુજબ, ફરિયાદી આજે કવાંટ તાલુકા પંચાયત કચેરી ખાતે બાંધકામ શાખાની ઓફિસમાં આરોપી ઇજનેરને મળવા પહોંચ્યા હતા. કચેરીની અંદર જ આરોપી હર્ષવર્ધન પટેલે ફરિયાદી પાસે બંને કામો પૈકી માત્ર એક કામ એટલે કે સંરક્ષણ દીવાલના બિલ પેટે પ્રથમ હપ્તા તરીકે ૧૧,૫૦૦ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. ફરિયાદીએ આ નાણાં આપતા જ આરોપીએ તે સ્વીકારી લીધા હતા. આ સમયે કચેરીમાં જ વોચમાં ગોઠવાયેલી એ.સી.બી.ની ટ્રેપિંગ ટીમે ત્રાટકીને આરોપી ઇજનેર હર્ષવર્ધન પટેલને લાંચની રકમ સાથે રંગેહાથ ઝડપી લીધો હતો. એ.સી.બી.એ આરોપીના કબજામાંથી લાંચ પેટે સ્વીકારેલી પૂરેપૂરી ૧૧,૫૦૦ રૂપિયાની રોકડ રકમ સ્થળ પરથી જ રીકવર કરી લીધી છે.
ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ નર્મદા એ.સી.બી.એ પાડી સફળ રેડ:
આ સફળ ઓપરેશન લાંચ રુશ્વત વિરોધી બ્યુરો, વડોદરાના નાયબ નિયામક ઇન્ચાર્જ અધિકારી બળદેવ દેસાઈ, IPS ના સીધા માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું. સમગ્ર ટ્રેપનું સુપરવિઝન એ.સી.બી. વડોદરા એકમના ઇન્ચાર્જ મદદનીશ નિયામક બી.એમ.પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઓપરેશનને નર્મદા એ.સી.બી. પોલીસ સ્ટેશન, રાજપીપલાના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી.વસાવા તથા તેમની ટીમ દ્વારા અત્યંત કુશળતાપૂર્વક કવાંટ તાલુકા પંચાયત કચેરીમાં પાર પાડવામાં આવ્યું હતું. પકડાયેલો આરોપી હર્ષવર્ધન કાશીરામ પટેલ મૂળ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના માનકુનીયા ગામના બારી ફળિયાનો વતની છે અને હાલ કવાંટમાં નસવાડી રોડ પર પી પાવર રેસ્ટોરન્ટની સામે રહે છે. એ.સી.બી. દ્વારા ભ્રષ્ટાચાર નિવારણ ધારા હેઠળ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેની મિલકતો સબંધે આગળની તપાસ તેજ કરવામાં આવી છે.
(5:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
