તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st July 2026
લીંબડીના ઊંટડી ગામમાં એસીબીની મોટી કાર્યવાહી: 5 લાખની લાંચ સ્વીકારતા ઉપસરપંચ અને સરપંચના પતિને ઝડપી લેવાયા
ગ્રામ પંચાયત વિસ્તારમાંથી રેતી કાઢવા દેવા બદલ સરપંચના પતિ અને ઉપસરપંચએ એક ટ્રક દીઠ રૂ. 1,000ના હિસાબે કુલ રૂ. 6.30 લાખની લાંચની માંગણી કરી હોવાનો આક્ષેપ

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ઊંટડી ગામમાં એન્ટી કરપ્શન બ્યૂરોએ મોટી કાર્યવાહી કરી છે. રેતી કાઢવાની મંજૂરી આપવા બદલ રૂ. 5 લાખની લાંચ સ્વીકારતા ગામના ઉપસરપંચ અને સરપંચના પતિને ACBની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આરોપીઓ સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ, ઊંટડી ગ્રામ પંચાયત વિસ્તારમાંથી રેતી કાઢવા દેવા બદલ સરપંચના પતિ સંજયભાઈ પ્રતાપભાઈ કમેજળીયા અને ઉપસરપંચ સુનીલભાઈ સુભાષભાઈ કટુડીયાએ ફરિયાદી પાસેથી એક ટ્રક દીઠ રૂ. 1,000ના હિસાબે કુલ રૂ. 6.30 લાખની લાંચની માંગણી કરી હોવાનો આક્ષેપ છે. જોકે, ફરિયાદી અને આરોપીઓ વચ્ચે રકઝક તથા વાટાઘાટો બાદ આખરે રૂ. 5 લાખમાં સોદો નક્કી થયો હતો. ત્યારબાદ ફરિયાદીએ સમગ્ર મામલે ACBનો સંપર્ક કર્યો હતો.
ફરિયાદના આધારે સુરેન્દ્રનગર ACBની ટીમે લીંબડી ચાર રસ્તા નજીક આવેલા પ્રેમવતી ભોજનાલયના કમ્પાઉન્ડમાં લાંચનું છટકું ગોઠવ્યું હતું. ટ્રેપ દરમિયાન સરપંચના પતિ સંજયભાઈ કમેજળીયા ફરિયાદી પાસેથી રૂ. 5 લાખની રોકડ લાંચ સ્વીકારતા જ ACBની ટીમે તેમને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન ACBની ટીમે પુરાવા એકત્ર કર્યા હતા.
આરોપી સંજયભાઈએ મોબાઈલ ફોન પર વાતચીત બાદ ઉપસરપંચ સુનીલભાઈ કટુડીયાને કન્ફર્મેશન આપ્યું હતું. ત્યારબાદ સ્થળ પર હાજર ઉપસરપંચને પણ ACBની ટીમે કસ્ટડીમાં લીધો હતો. આ સમગ્ર ટ્રેપની કાર્યવાહી PI પી.કે. પટેલ અને સુરેન્દ્રનગર ACBની ટીમ દ્વારા કરવામાં આવી હતી. બંને આરોપીઓ સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
(11:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
