તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 18th May 2026
ગાંધીનગરમાં એ.સી.બી.નો મોટો સક્સેસ દરોડો : પેશીવ ફાયર સીસ્ટમના પ્રમાણપત્ર માન્ય રાખવા 5 લાખની લાંચ માંગનાર આસી. ઈલેકટ્રીકલ ઈન્સપેક્ટર મનિષકુમાર નવિનચન્દ્ર રાવલ 50 હજાર રોકડા લેતા જાહેર રોડ પર રંગેહાથ ઝડપાયા : જુઓ વિડીયો
નાયબ નિયામક હરેશ મેવાડા અને મદદનિશ નિયામક એમ.એચ.પુવારના સુપરવિઝનમાં પો.ઇન્સ. ડી.બી.વાળા અને અમદાવાદ એ.સી.બી.ની ટીમે ઘ-2 સર્કલ પાસે આઈસ્ક્રીમ પાર્લર નજીક લાંચનું સફળ છટકું ગોઠવી વર્ગ-2ના અધિકારીને દબોચી લીધા

ગાંધીનગર : રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે એન્ટી કરપ્શન બ્યુરો (એ.સી.બી.) દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. ગાંધીનગર ઉદ્યોગ ભવનના છઠ્ઠા માળે ફરજ બજાવતા વર્ગ-2ના ઉચ્ચ અધિકારી દ્વારા પેશીવ ફાયર સીસ્ટમના સર્ટિફિકેટ માન્ય રાખવા અને એન.ઓ.સી. મુદ્દે એક જાગૃત નાગરિક પાસે લાખો રૂપિયાની લાંચ માંગવામાં આવી હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. આ મામલે જાગૃત નાગરિકની ફરિયાદના આધારે અમદાવાદ એ.સી.બી.ની ટીમે ગાંધીનગરના જાહેર રોડ ઉપર લાંચનું સફળ છટકું ગોઠવીને લાંચિયા અધિકારીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ફાયર એન.ઓ.સી. અને પ્રમાણપત્ર માન્ય રાખવા 5 લાખની માંગણી:
આ કેસની ટૂંકી વિગત એવી છે કે, આ કામના ફરિયાદી જેઓ એક જાગૃત નાગરિક છે, તેઓ જુદા જુદા બાંધકામોના પ્રોજેક્ટોમાં પેશીવ ફાયર સીસ્ટમનું કામકાજ કરે છે. આ પેશીવ ફાયર સીસ્ટમના પ્રમાણપત્રો જે તે પ્રોજેક્ટના માલિક મારફતે ગાંધીનગર ખાતે આક્ષેપિત આસી. ઈલેક્ટ્રીકલ ઈન્સપેક્ટર સમક્ષ રજૂ થતા હોય છે. આ રજૂ કરાયેલા પ્રમાણપત્રોને માન્ય રાખવા તેમજ ઈશ્યુ કરવામાં આવેલી ફાયર એન.ઓ.સી. (NOC) અંગે આ કામના આક્ષેપિત અધિકારી મનિષકુમાર નવિનચન્દ્ર રાવલ (ઉંમર વર્ષ 53), હોદ્દો – આસી. ઈલેકટ્રીકલ ઈન્સપેક્ટર, વર્ગ-2, ઉધોગ ભવન, છઠ્ઠોમાળ, ગાંધીનગર નાઓએ ફરિયાદી પાસે રૂ. 5,00,૦૦૦/- ની મસમોટી લાંચની માંગણી કરી હતી.
કટકે કટકે નાણાં ચૂકવવાનો વાયદો કરી ફરિયાદીએ એ.સી.બી.નો સંપર્ક કર્યો:
લાંચખોર અધિકારી દ્વારા 5 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવતા, તે સમયે ફરિયાદીએ આક્ષેપિત અધિકારીને તેમની માંગણી મુજબના નાણાં ટુકડે ટુકડે (કટકે કટકે) આપવાનું જણાવ્યું હતું. જે અંતર્ગત પ્રથમ હપ્તા પેટે તારીખ 18/05/2026ના રોજ રૂ. 50,000/- આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો. જો કે, ફરિયાદી આ લાંચની રકમ આપવા બિલકુલ માંગતા ન હોવાથી, તેઓએ આ ભ્રષ્ટાચારના રેકેટનો પર્દાફાશ કરવા માટે એ.સી.બી.નો સંપર્ક સાધ્યો હતો અને કાયદેસરની ફરિયાદ આપી હતી.
ઘ-2 સર્કલ પાસે જાહેર રોડ પર ગોઠવાયું લાંચનું છટકું:
ફરિયાદીની વિગતોના આધારે એ.સી.બી. દ્વારા તાત્કાલિક લાંચનું છટકું ગોઠવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 18/05/2026ના રોજ ટ્રેપના નક્કી કરાયેલા સ્થળ ઘ-2 સર્કલ, પટેલ આઈસ્ક્રીમ પાસે, 102 એ.એ.ટી.એસ. બસસ્ટેન્ડ આગળ, જાહેર રોડ ઉપર, ગાંધીનગર ખાતે જાળ બિછાવવામાં આવી હતી. લાંચના આ છટકા દરમિયાન આક્ષેપિત અધિકારી મનિષકુમાર નવિનચન્દ્ર રાવલ ફરિયાદીને મળવા સ્થળ પર આવ્યા હતા અને ફરિયાદી સાથે રૂબરૂમાં હેતુલક્ષી વાતચીત કરી હતી. ત્યારબાદ લાંચ પેટે નક્કી થયેલી રૂ. 50,000/- ની લાંચની રકમ જેવી સ્થળ ઉપર સ્વીકારી કે તુરંત જ ટ્રેપમાં ગોઠવાયેલી એ.સી.બી.ની ટીમે તેમને રંગેહાથ ઝડપી લીધા હતા. એ.સી.બી. દ્વારા લાંચની સ્વીકારેલી તમામ રકમ રૂ. 50,000/- સ્થળ પરથી રિકવર કરી લેવામાં આવી છે.
એ.સી.બી.ના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સફળ ઓપરેશન:
આ સમગ્ર લાંચના સફળ છટકાની કાર્યવાહીમાં ટ્રેપિંગ અધિકારી તરીકે અમદાવાદ શહેર એ.સી.બી. પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. ડી.બી.વાળા તથા તેમની એ.સી.બી.ની ટીમે પ્રશંસનીય કામગીરી કરી હતી. આ સમગ્ર ઓપરેશનનું સીધું સુપરવિઝન એ.સી.બી. અમદાવાદ એકમના મદદનિશ નિયામક એમ.એચ.પુવાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ સાથે જ ગુજરાત રાજ્ય અમદાવાદ એ.સી.બી.ના ઇન્ચાર્જ અધિકારી અને નાયબ નિયામક હરેશ મેવાડાના સક્ષમ માર્ગદર્શન હેઠળ આ સફળ ટ્રેપ પાર પાડીને ભ્રષ્ટાચારી વર્ગ-2 ના અધિકારી મનિષકુમાર નવિનચન્દ્ર રાવલ સામે કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસ આદરી છે.
(7:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
