<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd November 2026

કલોલના પિયજ ગ્રામ પંચાયતમાં ACBની સફળ ડીકોય : જમીનની નોંધની નકલ આપવા રૂ. ૩૦૦ની લાંચ લેતા વી.સી. (VCE) ઝડપાયા

પ્રતાપપુરા ચાર્જ ધરાવતા વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર ભાવેશકુમાર સુનિલભાઇ પટેલ પિયજ ગ્રામ પંચાયત કચેરી ખાતે રંગેહાથ પકડાયા : કાયદેસરની ફી ઉપરાંત રૂ. ૧૦૦થી રૂ. ૧૦૦૦ સુધીની લાંચ માંગાતી હોવાની બાતમીના આધારે ગાંધીનગર ACBના પોલીસ ઈન્સ્પેક્ટર કે.બી. યાજ્ઞિક દ્વારા સફળ છટકું ગોઠવાયું

ગાંધીનગર: કલોલ તાલુકાના પિયજ ગામની ગ્રામ પંચાયત કચેરીમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ સફળ ડીકોય ઓપરેશન પાર પાડીને એક વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર (VCE) ને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. ૨૩ નવેમ્બર, ૨૦૨૬ના રોજ પિયજ ગ્રામ પંચાયતની ઓફિસ ખાતે રૂ. ૩૦૦ની લાંચ સ્વીકારતા પકડાયેલા આરોપી સામે હોદ્દાનો દુરુપયોગ કરી ગુનાહિત ગેરવર્તણૂક કરવા બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

શું હતી સમગ્ર ઘટના અને બાતમી:
ACB ને ખાનગી રાહે એવી ચોક્કસ માહિતી મળી હતી કે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલા પિયજ ગામની ગ્રામ પંચાયત કચેરીમાં અરજદારો પાસેથી વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર (વી.સી.) દ્વારા જમીનની નોંધો અને કાગળોની નકલ આપવાના અવેજમાં કાયદેસરની ફી સિવાય રૂ. ૧૦૦થી લઈને રૂ. ૧૦૦૦ સુધીની લાંચની રકમ માંગવામાં આવે છે. આ બાતમીની પ્રાથમિક ખરાઈ કર્યા બાદ ACB દ્વારા ડીકોય છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું.

રૂ. ૩૦૦ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા:
આ ડીકોય ઓપરેશન અંતર્ગત ૨૩ નવેમ્બર, ૨૦૨૬ના રોજ એક જાગૃત નાગરિકને ડીકોયર તરીકે સામેલ કરીને પિયજ ગ્રામ પંચાયતની કચેરી ખાતે મોકલવામાં આવ્યા હતા. જ્યાં જમીનની નોંધની નકલ આપવા માટે પ્રતાપપુરા ચાર્જ સંભાળતા અને પિયજ ગામનો ચાર્જ ધરાવતા વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર ભાવેશકુમાર સુનિલભાઇ પટેલ (ઉં.વ. ૨૯, ધંધો-નોકરી) એ ડીકોયર પાસેથી રૂ. ૩૦૦ની લાંચ માંગી હતી અને સ્વીકારી હતી. આ દરમિયાન ગોઠવાયેલા છટકામાં ભાવેશકુમાર પટેલ રંગેહાથ પકડાઈ ગયા હતા.

રકમ રિકવર અને ટ્રેપિંગ ઓફિસરની કાર્યવાહી:
આરોપી પાસેથી લાંચના સ્વીકારેલા તમામ રૂ. ૩૦૦ ACB દ્વારા રિકવર કરવામાં આવ્યા હતા. પોતાના સરકારી હોદ્દાનો દુરુપયોગ કરીને ગુનાહિત ગેરવર્તણૂક કરનાર આરોપી વિરુદ્ધ ગાંધીનગર ACB પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર કે.બી. યાજ્ઞિકે ટ્રેપિંગ ઓફિસર તરીકે આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે.

(5:26 PM IST)