<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th May 2026

નવસારીમાં એસીબીની સફળ ડીકોય : સ્ટેમ્પ પેપર પર વધુ પૈસા વસૂલતા આરોપી કરીશ્માબેન કાનકાંટે અને સ્ટેમ્પ વેન્ડર પતિ તુકારામભાઇ કાનકાંટે સામે ગુનો દાખલ : જુઓ વિડીયો

પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી.સોલંકી, મદદનીશ નિયામક બી.એમ.પટેલ અને નાયબ નિયામક હરેશ મેવાડાના માર્ગદર્શન હેઠળ નવસારી એસીબી ટીમે કોર્ટ સામે આવેલા ચાણક્ય એપાર્ટમેન્ટમાં છટકું ગોઠવી દરોડો પાડ્યો

નવસારી : લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (એસીબી) દ્વારા ભ્રષ્ટાચારીઓ અને પ્રજા પાસેથી ગેરકાયદેસર નાણાં પડાવતા તત્વો સામે લાલ આંખ કરવામાં આવી છે. નવસારીમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટની સામે આવેલા ચાણક્ય એપાર્ટમેન્ટના એક સી.એસ.સી. સેન્ટરમાં સ્ટેમ્પ પેપરના કાયદેસરના ભાવ કરતાં વધુ પૈસા લેવાતા હોવાની આધારભૂત માહિતી એસીબી તંત્રને મળી હતી. આ વ્યાપક કાળાબજારી અને ઉઘાડી લૂંટની હકીકત ચકાસવા માટે એસીબીની ટીમ દ્વારા એક જાગૃત નાગરિકને ડીકોયર તરીકે સાથે રાખીને લાંચના સક્સેસફુલ ડીકોય છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન કાયદેસરની રકમ કરતાં વધુ રૂપિયા લેતા ખાનગી વ્યક્તિ અને પોતાની પત્નીને લાયસન્સ આપી તેનો દુરુપયોગ કરનાર સ્ટેમ્પ વેન્ડર પતિ રંગેહાથ પકડાઈ ગયા હતા.

 

સોગંદનામા અને ભાડાકરારના સ્ટેમ્પ પર રૂ. ૯૦ વધુ પડાવ્યા:

આ ચકચારી ગુનાની ટૂંક વિગત એવી છે કે, એક જાગૃત નાગરિકે પાવર ઓફ એટર્ની બનાવવા, પાવર ઓફ એટર્ની ચાલુ હોવા અંગેનું સોગંદનામું કરવા તેમજ મકાનનો ભાડા-કરાર તૈયાર કરવા માટે અલગ-અલગ કિંમતના સ્ટેમ્પ પેપરની ખરીદી કરવાની હતી. તેમણે આ સી.એસ.સી. સેન્ટર પરથી રૂ. ૫૦ નો એક સ્ટેમ્પ, રૂ. ૩૦૦ નો એક સ્ટેમ્પ તથા રૂ. ૭૦૦ નો એક સ્ટેમ્પ મળીને કુલ્લે રૂ. ૧૦૫૦/- ની કિંમતના સ્ટેમ્પ પેપર ખરીદ્યા હતા. નિયમ મુજબ તેની કાયદેસરની કુલ રકમ રૂ. ૧૦૫૦/- જ થતી હતી. પરંતુ ત્યાં હાજર આરોપી કરીશ્માબેન કાનકાંટેએ ગેરકાયદેસર નફો કમાવવાના ઈરાદે નાગરિક પાસેથી રૂ. ૧૧૪૦/- વસૂલ્યા હતા.

તેમણે રૂ. ૫૦ ના સ્ટેમ્પ પેપર ઉપર રૂ. ૧૦ વધુ, રૂ. ૩૦૦ ના સ્ટેમ્પ પેપર ઉપર રૂ. ૩૦ વધુ અને રૂ. ૭૦૦ ના સ્ટેમ્પ પેપર ઉપર રૂ. ૫૦ વધુ મળીને કુલ્લે રૂ. ૧૦૦ ના કાયદેસરના સ્ટેમ્પ સામે રૂ. ૯૦/- ની લાંચની રકમ વધુ મેળવી હતી. આ સમયે એસીબીની ટીમે ત્રાટકીને લાંચ સ્વીકારેલી રૂ. ૧૦૦ ની રકમ સામે સ્થળ પરથી કુલ રૂ. ૧૪૦/- ની રકમ રિકવર કરી લીધી હતી.

 

પતિએ પોતાના લાયસન્સનો દુરુપયોગ કરી પત્નીને ધંધો સોંપ્યો હતો:

એસીબીની ઊંડાણપૂર્વકની તપાસમાં સામે આવ્યું છે કે, આ કેસના આરોપી નંબર-૨ અને સ્ટેમ્પ વેન્ડરનો ધંધો કરતા તુકારામભાઇ મધુકરભાઇ કાનકાંટે (ઉંમર વર્ષ ૩૪) એ પોતાના નામનું સરકારી સી.એસ.સી. લાયસન્સ અને સ્ટેમ્પ વેન્ડરનું લાયસન્સ કાયદા વિરુદ્ધ જઈને પોતાની પત્ની કરીશ્માબેન કાનકાંટે (ઉંમર વર્ષ ૩૪) ને વહીવટ અને વેપાર કરવા માટે સોંપી દીધું હતું. આમ, તુકારામભાઇ કાનકાંટેએ પોતાના સરકારી લાયસન્સનો સરેઆમ દુરુપયોગ કરી પત્નીને ગેરકાયદેસર રીતે સ્ટેમ્પ વેચવા આપી ગુનાહિત કૃત્ય આચર્યું હતું, જેના કારણે એસીબીએ બંને વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.

 

ઉચ્ચ અધિકારીઓના સુપરવિઝન હેઠળ ઓપરેશન પાર પડાયું:

આ સફળ ડીકોય ઓપરેશન નવસારી એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી.સોલંકી તથા તેમની એસીબી સ્ટાફની ટીમ દ્વારા પાર પાડવામાં આવ્યું હતું. આ સમગ્ર રેડ અને છટકાનું સુપરવિઝન સુરત એકમના ઇન્ચાર્જ મદદનીશ નિયામક બી.એમ.પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે સમગ્ર ઓપરેશનના ઇન્ચાર્જ અધિકારી તરીકે એસીબી અમદાવાદના નાયબ નિયામક હરેશ મેવાડાએ મહત્ત્વની ભૂમિકા ભજવી કાયદેસરની કાર્યવાહીને આખરી ઓપ આપ્યો હતો.

(7:32 PM IST)