તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th July 2026
સુરતની લાજપોર જેલમાં એસીબીની સફળ ડીકોય : કેદીઓ સાથે મુલાકાત કરાવવાના બહાને ૫૦૦ રૂપિયાની લાંચ લેતા આરોપી પ્રતિક કૈલાશ સસાને ઝડપાયો : જુઓ વિડીયો
પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી.ધોબી અને એસીબી ટીમની મોટી કાર્યવાહી, મદદનીશ નિયામક આર.આર.ચૌધરી અને નાયબ નિયામક બળદેવ દેસાઇ ના સુપરવિઝન હેઠળ લાંચનું નેટવર્ક ખુલ્લું પડ્યું

સુરત: લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (એસીબી) સુરત ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા લાજપોર મધ્યસ્થ જેલમાં ચાલતા લાંચના એક મોટા નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જેલની અંદર કેદીઓની મુલાકાત માટે આવતા પ્રજાજનો પાસેથી મુલાકાતી ફોર્મ ભર્યા વગર સીધી મુલાકાત કરાવવાના અવેજ પેટે ગેરકાયદેસર નાણાં ઉઘરાવવામાં આવતા હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. આ સફળ ઓપરેશન એસીબીની ટીમ દ્વારા એક જાગૃત નાગરિકને ડીકોયર બનાવીને પાર પાડવામાં આવ્યું છે.
ગેરકાયદેસર વસૂલાતની આધારભૂત માહિતી મળી હતી:
એસીબી વિભાગને લાજપોર મધ્યસ્થ જેલ અંગે લાંબા સમયથી આધારભૂત અને સચોટ માહિતી મળી રહી હતી કે, જેલ ખાતે કેદીઓની મુલાકાત લેવા આવતા સગા-સંબંધીઓ કે સહકાર આપનારાઓ પાસેથી ચોક્કસ વચેટીયાઓ દ્વારા નોંધણી અથવા મુલાકાતી ફોર્મ ભરવાની કાયદેસરની પ્રક્રિયા કર્યા વિના જ મુલાકાત કરાવી આપવામાં આવે છે. આ ગેરકાયદેસર કામના બદલામાં જેલના મુલાકાતી રૂમમાં આવતા લોકો પાસેથી રૂ.૫૦૦/- થી લઈને રૂ.૧૦૦૦/- સુધીની લાંચની માંગણી કરવામાં આવતી હતી.
એસીબી ટીમ દ્વારા ડીકોય છટકું ગોઠવાયું:
મળેલી હકિકતની સંપૂર્ણ ખરાઈ કરવા માટે તારીખ ૦૩/૦૭/૨૦૨૬ ના રોજ સુરત ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી.ધોબી તથા તેમની ટીમ દ્વારા એક નવતર ડીકોય છટકાનું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન માટે એક જાગૃત નાગરિકે ડીકોયર તરીકે એસીબીને સહયોગ આપ્યો હતો. આયોજન મુજબ જ્યારે ડીકોયર લાજપોર મધ્યસ્થ જેલના મુલાકાતી રૂમમાં પહોંચ્યા ત્યારે ત્યાં હાજર આરોપી પ્રતિક કૈલાશ સસાને (ઉંમર વર્ષ ૩૫, રહેવાસી: ૧૯, એ/૨, કેશવનગર ભેસ્તાન, સુરત શહેર) નામના વ્યક્તિએ ડીકોયરને હાથથી ઈશારો કર્યો હતો. આરોપીએ નિયમ વિરુદ્ધ મુલાકાત ગોઠવી આપવા માટે રૂ.૫૦૦/- ની લાંચની માંગણી કરી હતી. ડીકોયરે લાંચની રકમ આપતાની સાથે જ આરોપી પ્રતિક કૈલાશ સસાને રંગેહાથ ઝડપાઈ ગયો હતો. એસીબીની ટીમે આરોપી પાસેથી લાંચ પેટે સ્વીકારેલી રૂ.૫૦૦/- ની રકમ પૂરેપૂરી રિકવર કરી લીધી છે.
ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી:
આ સમગ્ર ઓપરેશન સુરત એકમના મદદનીશ નિયામક આર.આર.ચૌધરીના સીધા સુપરવિઝન હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઉપરાંત લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો વડોદરાના નાયબ નિયામક અને આઈપીએસ (IPS) અધિકારી બળદેવ દેસાઇના માર્ગદર્શન હેઠળ સુરત ગ્રામ્ય એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી.ધોબી તથા તેમની ટીમે આ ગુના વાળી જગ્યાએ સફળ રેડ કરીને આરોપી સામે કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. જેલ પરિસરમાં જ બનેલી આ ઘટનાને પગલે લાંચિયા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
(10:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
