તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 10th September 2026
અમરેલીમાં એસીબીની સફળ ટ્રેપ : ગેરી (GERI) વડોદરાના કાર્યપાલક ઇજનેર અને સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ ૨૧ હજારની લાંચ લેતા ઝડપાયા
મટીરીયલ્સ ટેસ્ટીંગ લેબનો પોઝિટિવ રિપોર્ટ આપવા કલેક્ટર કચેરી નજીક સર્કિટ હાઉસમાં લાંચ લેતા રંગેહાથ પકડાયા : ઇન્ચાર્જ પીઆઇ ટી.એસ. રીઝવીની ટીમે પાડેલી રેડમાં સમગ્ર રકમ રિકવર કરાઈ

રાજકોટ: અમરેલી શહેર ખાતે આવેલી મટીરીયલ્સ ટેસ્ટીંગ લેબની વિઝિટ દરમિયાન પોઝિટિવ રિપોર્ટ આપવાના બદલામાં રૂ. ૨૧,૦૦૦ ની લાંચ માગનારા ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GERI) વડોદરાના બે ઉચ્ચ અધિકારીઓને લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) ની ટીમે અમરેલી સરકારી સર્કિટ હાઉસ ખાતેથી રંગેહાથ ઝડપી પાડ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરા ગેરી (GERI) ખાતે ફરજ બજાવતા સંશોધન અધિકારી (કાર્યપાલક ઇજનેર, વર્ગ-૧) આણંદભાઈ નરેન્દ્રભાઈ ખરેડિયા (ઉં.વ. ૫૨, રહે. સુરત) અને સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ (વર્ગ-૩) જીગરભાઈ કલસીંગભાઈ ભુટીયા (ઉં.વ. ૩૦, રહે. ગોધરા) એ અમરેલી ખાતે આવેલી એક જાગૃત નાગરિકની મટીરીયલ્સ ટેસ્ટીંગ લેબની સરપ્રાઇઝ વિઝિટ કરી હતી. આ વિઝિટ બાદ લેબનો સાનુકૂળ અને પોઝિટિવ રિપોર્ટ આપવાના બદલામાં બંને અધિકારીઓએ સંયુક્ત રીતે રૂ. ૨૧,૦૦૦ ની લાંચની માગણી કરી હતી.
લેબ સંચાલક લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે તાત્કાલિક અમરેલી એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ અમરેલી એસીબી પો.સ્ટે.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ટી.એસ. રીઝવી તથા અમરેલી અને ભાવનગર એસીબી સ્ટાફ દ્વારા ચીતલ રોડ પર આવેલા સરકારી સર્કિટ હાઉસના રૂમ નંબર-૧૧ ખાતે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું.
આયોજિત ટ્રેપ દરમિયાન આરોપી નંબર-૧ આણંદભાઈ ખરેડિયાના કહેવાથી આરોપી નંબર-૨ જીગરભાઈ ભુટીયાએ ફરિયાદી પાસેથી લાંચની કુલ રૂ. ૨૧,૦૦૦ ની રકમ સ્વીકારી હતી. આ રકમમાં આરોપી નં-૧ ના રૂ. ૧૫,૦૦૦ અને આરોપી નં-૨ ના રૂ. ૬,૦૦૦ નો સમાવેશ થતો હતો. રકમ સ્વીકારતા જ એસીબીની ટીમે દરોડો પાડી બંને અધિકારીઓને સ્થળ પર જ પકડી પાડ્યા હતા અને લાંચની પૂરેપૂરી રકમ રિકવર કરી હતી. પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી ગુનો આચરનાર બંને અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
(12:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
