હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગાંધીનગરમાં એસીબીની સફળ ટ્રેપ : મહાનગરપાલિકાના આઉટસોર્સ કર્મચારી જયદિપસિંહ રામસિંહ રાજપુત ૨૨,૦૦૦ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
પશુપાલક પાસે ઢોર પકડી કેસ ન કરવા અને દિવાળીના હપ્તા પેટે માંગી હતી લાંચ : ગાંધીનગર એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ. સોલંકી અને તેમની ટીમે ગોઠવ્યું સફળ છટકું

ગાંધીનગર: એસીબી (એન્ટી કરપ્શન બ્યુરો) દ્વારા ભ્રષ્ટાચાર વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલી સઘન ઝુંબેશ અંતર્ગત ગાંધીનગર ખાતે લાંચ રૂશ્વત વિરોધી દળે એક સફળ ટ્રેપ કરી છે. ગાંધીનગર મહાનગરપાલિકાની સી.એન.સી.ડી. શાખાની ઢોર પકડતી પાર્ટીમાં એલ.આઈ. લાઈવ સ્ટોક ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતો આઉટસોર્સ કર્મચારી ૨૨,૦૦૦ રૂપિયાની લાંચ સ્વીકારતા એસીબીની જાળમાં ફસાયો છે.
શું છે સમગ્ર મામલો?
આ કેસની પ્રાપ્ત વિગતો અનુસાર, ફરીયાદી પશુપાલનનો વ્યવસાય કરે છે. ગાંધીનગર મહાનગરપાલિકાની કચેરીની સી.એન.સી.ડી. શાખાની ઢોર પકડતી પાર્ટીમાં એલ.આઈ. તરીકે નોકરી કરતા આઉટસોર્સ કર્મચારી (એજન્સી સબ લિમિટેડ) જયદિપસિંહ રામસિંહ રાજપુત (ઉ.વ. ૨૨) દ્વારા ફરીયાદીના પશુઓ (ઢોર) પકડીને કેસ નહીં કરવા તેમજ દિવાળીના તહેવારના હપ્તા પેટે અગાઉ ૪૦,૦૦૦ રૂપિયાની લાંચની માંગણી કરવામાં આવી હતી. ત્યારબાદ લાંબી રકઝનના અંતે આરોપીએ ફરીયાદી પાસે ૨૨,૦૦૦ રૂપિયાની લાંચ આપવાનું નક્કી કર્યું હતું.
એસીબીનું સફળ છટકું અને ધરપકડ:
ફરીયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોય, તેમણે તુરંત જ ગાંધીનગર એસીબીનો સંપર્ક કરીને આ બાબે લેખિત ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે તા. ૩૦/૧૦/૨૦૨૬ના રોજ ગાંધીનગર એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ. સોલંકી અને તેમની ટ્રેપિંગ ટીમે ગાંધીનગર ખાતે સેક્ટર-૨૮ના ગાર્ડનની પાછળના રોડ પર એક છટકું ગોઠવ્યું હતું.
આ લાંચના છટકા દરમિયાન આરોપી જયદિપસિંહ રામસિંહ રાજપુતે ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને ગેરકાયદેસર રીતે ૨૨,૦૦૦ રૂપિયાની લાંચની રકમ સ્વીકારી હતી. તે જ વખતે એસીબીની ટીમે સ્થળ પર જ દરોડા પાડીને લાંચની પૂરેપૂરી રકમ રૂ. ૨૨,૦૦૦/- સાથે આરોપીને રંગેહાથ ઝડપી લીધો હતો અને તેની સામે કાયદેસરની ગુનાહિત કાર્યવાહી હાથ ધરી હતી.
આ સફળ ટ્રેપ ગાંધીનગર એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ. સોલંકી તથા તેમની સમગ્ર ટીમ દ્વારા પાર પાડવામાં આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
