તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th June 2026
સોનગઢમાં એસીબીની સફળ ટ્રેપ : મફત બિયારણ આપવાના અવેજમાં ૬૫૦ રૂપિયાની લાંચ લેતા ગ્રામસેવક જીવણભાઈ ગામીત અને એજન્સીના અક્ષય કેરલ રંગેહાથ ઝડપાયા
પીઆઈ એસ.આર.ગામીતની ટીમે એપીએમસી માર્કેટના ગોડાઉનમાં ગોઠવ્યું છટકું : મદદનીશ નિયામક આર.આર.ચૌધરી અને ઇન્ચાર્જ નાયબ નિયામક બી.એમ.પટેલના માર્ગદર્શન હેઠળ થઈ કાર્યવાહી

સોનગઢ: તાપી-વ્યારા જિલ્લાના સોનગઢ વિસ્તારમાં ભ્રષ્ટાચારીઓ સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. ખેડૂતો માટેની સરકારી યોજના હેઠળ મફત મળતા બિયારણ આપવા માટે નાની રકમની લાંચ માંગવી ગ્રામસેવક અને તેના વચેટિયાને ભારે પડી ગઈ છે. એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે એસીબીની ટીમે સોનગઢ એપીએમસી માર્કેટમાં સફળ ટ્રેપ ગોઠવીને રૂપિયા ૬૫૦/- ની લાંચ સ્વીકારતા ગ્રામસેવક અને એક ખાનગી એજન્સીના સંચાલકને રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આઈ ખેડૂત પોર્ટલ પર કરી હતી અરજી:
આ કેસની ટૂંક વિગત એવી છે કે એક જાગૃત નાગરિકે ખેતીવાડી વિભાગ તરફથી અમલી બનેલી “નિદર્શન કીટ સહાય યોજના-૨૦૨૬” હેઠળ સરકાર તરફથી ખેડૂતોને વિનામૂલ્યે અપાતા ડાંગર તથા જુવારના બિયારણ મેળવવા માટે “આઇ ખેડૂત પોર્ટલ” પર ઓનલાઈન અરજી કરી હતી. આ અરજી અન્વયે બિયારણ મંજૂર કરીને તે આપવાના બદલામાં ડોસવાડા સેજો અને ટોકરવા સેજોનો એડિશનલ ચાર્જ સંભાળતા વર્ગ-૩ ના ગ્રામસેવક જીવણભાઈ બીટીયાભાઈ ગામીત (ઉંમર વર્ષ ૩૩) નાઓએ લાંચની માંગણી કરી હતી. તેઓએ ડાંગરના બિયારણ માટે રૂપિયા ૩૦૦/- અને જુવારના બિયારણ માટે રૂપિયા ૩૫૦/- મળીને કુલ રૂપિયા ૬૫૦/- ની લાંચ માંગી હતી. ગ્રામસેવકે આ લાંચની રકમ સોનગઢ એપીએમસી માર્કેટમાં આવેલી બજરંગ એગ્રો એજન્સી ખાતે જમા કરાવી દેવા જણાવ્યું હતું.
લાંચ આપવાની ઈચ્છા ન હોવાથી એસીબીનો સંપર્ક કર્યો:
સરકાર તરફથી મફત મળતી સહાય માટે લાંચ આપવાની બિલકુલ ઈચ્છા ન હોવાથી જાગૃત નાગરિકે તાત્કાલિક એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો અને ગ્રામસેવક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે એસીબીની ટીમે તાત્કાલિક ૧૭ જૂન, ૨૦૨૬ ના રોજ સોનગઢ એપીએમસી માર્કેટમાં આવેલ બજરંગ એગ્રો એજન્સીના ગોડાઉનમાં લાંચના છટકાનું આયોજન કર્યું હતું.
એસીબીની ટીમે ગોડાઉનમાં ગોઠવ્યું છટકું:
આ આયોજિત છટકા દરમિયાન બજરંગ એગ્રો એજન્સીના સંચાલક અને ખાનગી પ્રજાજન અક્ષય રાજેન્દ્રભાઈ કેરલ (ઉંમર વર્ષ ૩૦) નાઓએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી અને ગ્રામસેવક વતી લાંચની રકમ રૂપિયા ૬૫૦/- સ્વીકારી હતી. નાણાંનો સ્વીકાર થતાં જ ત્યાં વોચમાં ગોઠવાયેલી એસીબીની ટીમે ત્રાટકીને આરોપી અક્ષય કેરલને લાંચની રકમ સાથે દબોચી લીધો હતો. આ ગુનામાં સંડોવાયેલા બંને આરોપીઓ જીવણભાઈ ગામીત અને અક્ષય કેરલની એસીબીએ અટકાયત કરી ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે અને લાંચની પૂરેપૂરી રકમ રૂપિયા ૬૫૦/- રિકવર કરી લીધી છે.
વરિષ્ઠ અધિકારીઓના સુપરવિઝનમાં સફળ કામગીરી:
આ સમગ્ર સફળ ટ્રેપની કામગીરી તાપી એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.આર.ગામીત તથા તેમની ટીમ દ્વારા પાર પાડવામાં આવી હતી. આ ઓપરેશનમાં સુરત એકમના મદદનીશ નિયામક આર.આર.ચૌધરીએ સુપર વિઝન અધિકારી તરીકે મહત્વની ભૂમિકા ભજવી હતી, જ્યારે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો વડોદરાના ઇન્ચાર્જ નાયબ નિયામક બી.એમ.પટેલના સક્ષમ માર્ગદર્શન હેઠળ આ સમગ્ર રેડને અંજામ આપીને ભ્રષ્ટાચારી તત્વો સામે કડક સંદેશ આપવામાં આવ્યો છે.
(7:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
