તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th October 2026
સુરતમાં એસીબીની સફળ ટ્રેપ : આર્મ ASI કિરણભાઇ રમણભાઇ રોહીત વતી રૂ. ૯,૦૦૦ ની લાંચ સ્વીકારનાર ખાનગી ઇસમ અમીતકુમાર નગીનભાઇ પ્રજાપતિ ઝડપાયા
પીઆઈ કે.એન. વાઘેલા અને પીઆઈ આર.કે. ગોસાઈની ટીમે માંડવી રોડ પર કરંજ ટોલનાકા પાસે સહયોગ હોટલ નજીક કાર્યવાહી કરી ટ્રક દીઠ હપ્તાની લાંચ કૌભાંડનો પર્દાફાશ કર્યો

સુરત - સુરત ગ્રામ્ય વિસ્તારમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા લાંચ વિરોધી સફળ ટ્રેપ કેસ કરવામાં આવ્યો છે. રેતી અને કપચીના વ્યવસાય સાથે જોડાયેલા ફરિયાદીના વાહનોને હેરાનગતી નહીં કરવાના બદલામાં આર્મ એ.એસ.આઇ. વતી લાંચ સ્વીકારનાર એક ખાનગી ઇસમને એસીબીની ટીમે રંગે હાથ ઝડપી પાડ્યો છે. આ અંગેની વિગત મુજબ, ગુનો બન્યા તારીખ ૨૮ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ સુરત જિલ્લાના માંડવી રોડ પર કરંજ ટોલનાકા પાસે આવેલી સહયોગ હોટલ ખાતે આ ટ્રેપ સફળ બનાવવામાં આવી હતી.
ફરીયાદીના મામા છૂટક તથા જથ્થાબંધ રેતી કપચીનો વ્યવસાય કરતા હોઈ, આ વ્યવસાયની દેખરેખ ફરિયાદી પોતે સંભાળતા હતા. તેમના વ્યવસાયમાં કાર્ટીંગ અંતર્ગત કુલ ૬ ટ્રકો ચાલતી હતી. આ ટ્રકોને આવતા-જતાં રોકીને હેરાનગતી ન કરવાના બદલામાં આરોપી નંબર-૧ કિરણભાઇ રમણભાઇ રોહીત (આર્મ એ.એસ.આઇ., બચ ૧૦૩, વર્ગ-૩, જીલ્લા ટ્રાફીક સુરત ગ્રામ્ય, રહે. બી/૧ ઓમ બંગલોઝ ચીકુવાડી તરસાડી તા.માંગરોળ જી.સુરત, મૂળ રહે. સાધલી તા.કરજણ જી.વડોદરા) વતી આરોપી નંબર-૨ અમીતકુમાર નગીનભાઇ પ્રજાપતિ (ઉ.વ. ૪૩, ધંધો- સીવીલ કોંન્ટ્રાક્ટર, રહે. ૪૦૪ પુરૂષાર્થ કોમ્પલેક્ષ કેરવેલ સ્કુલની બાજુમાં કરંજ રોડ તા.અરેઠ જી.સુરત, મૂળ રહે. મકાન ૪૩૬ સરપંચ ફળીયુ રાધા કૃષ્ણ સોસાયટીની પાસે મકતમપુર ભરૂચ) દ્વારા ટ્રક દીઠ રૂ. ૧,૫૦૦ લેખે કુલ ૬ ટ્રકના કુલ રૂ. ૯,૦૦૦ લાંચ પેટે લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
નક્કી કરાયેલી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો. જે અન્વયે વડોદરા ગ્રામ્ય એ.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એન. વાઘેલા તથા વડોદરા શહેર એ.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. ગોસાઈ અને તેમના સ્ટાફ દ્વારા છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રેપ દરમિયાન આરોપી નં. (૧) વતી આરોપી નં. (૨) અમીતકુમાર પ્રજાપતિએ ફરિયાદી પાસેથી રૂ. ૯,૦૦૦ લાંચની રકમ સ્વીકારી હતી. આ પ્રકારે આરોપી નં. (૧) એ આરોપી નં. (૨) ને લાંચની રકમ સ્વીકારવા માટે ગર્ભીત સંમતિ આપી એકબીજાની મદદગારી કરીને ગુનો આચર્યો હોવાનું એસીબીની તપાસમાં બહાર આવ્યું છે. એસીબીની આ સચોટ કાર્યવાહીથી ભ્રષ્ટ અધિકારીઓ અને ઇસમોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
(10:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
