તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd November 2026
સગીરા પર દુષ્કર્મના કેસમાં વડિયા ગામના આરોપીને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા
₹2.10 લાખનો દંડ અને ભોગ બનનારને ₹5 લાખ વળતર ચૂકવવાનો અદાલતનો હુકમ

(ભરત શાહ દ્વારા )નર્મદા:નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વડીયા ગામના આરોપી જયેશભાઈ નેપાળભાઈ વસાવાને સગીરા પર દુષ્કર્મના કેસમાં નર્મદા જિલ્લા સેશન્સ અદાલતે આજીવન કેદ એટલે કે જીવનના અંતિમ શ્વાસ સુધીની સખત કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત ₹2.10 લાખનો દંડ અને દંડની રકમ ન ભરવામાં આવે તો વધુ 6 મહિનાની સાદી કેદની સજા ફટકારવામાં આવી છે. ભોગ બનનાર સગીરાને વળતર પેટે ₹5 લાખ ચૂકવવાનો હુકમ પણ અદાલતે કર્યો છે.
કેસની હકીકત: આ કેસમાં આરોપી ભોગ બનનાર સગીરાનો સગો સંબંધી હતો. સગીરાના પિતાનું અવસાન થયા બાદ તે પરિવારજનો સાથે રહેતી હતી. આરોપીએ સગીરાને પોતાની સાથે રાખી તેના પર દુષ્કર્મ આચર્યું હતું અને કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસ કરી આરોપી વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરી હતી.
નર્મદા જિલ્લા સેશન્સ અદાલતના ન્યાયાધીશ શ્રી કે. આર. પંડ્યાની અદાલતમાં કેસની સુનાવણી ચાલી હતી. સરકારી વકીલ જિતેન્દ્રસિંહ જે ગોહિલે ફરિયાદી પક્ષે દલીલો રજૂ કરી હતી. સાક્ષીઓની જુબાની, દસ્તાવેજી પુરાવા અને હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈ અદાલતે આરોપીને દોષિત ઠેરવી સજા સંભળાવી હતી.
(10:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
