તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 5th September 2026
શિક્ષકોની ઘટને દૂર કરવા રાજ્ય સરકાર ટૂંક સમયમાં 11,000 જેટલા વિદ્યા સહાયકોની ભરતી કરશે: શિક્ષકદિને શિક્ષણમંત્રીની જાહેરાત
શિક્ષક દિન નિમિત્તે ગાંધીનગર ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના સન્માન સમારોહ દરમિયાન શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ શિક્ષણ જગતના મહત્વના પ્રશ્નો અને આગામી આયોજનો અંગે મહત્વપૂર્ણ નિવેદનો આપ્યા

ગાંધીનગર :શિક્ષક દિન નિમિત્તે ગાંધીનગર ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના સન્માન સમારોહ દરમિયાન શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ શિક્ષણ જગતના મહત્વના પ્રશ્નો અને આગામી આયોજનો અંગે મહત્વપૂર્ણ નિવેદનો આપ્યા હતા. રાજ્યમાં લાંબા સમયથી ચાલી રહેલી શિક્ષકોની ઘટને દૂર કરવા માટે સરકારે સક્રિય અભિગમ અપનાવ્યો છે, જેના ભાગરૂપે ટૂંક સમયમાં જ11,000 જેટલા વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવશે તેવી જાહેરાત મંત્રી દ્વારા કરવામાં આવી હતી.
આ ઉપરાંત, ચિત્ર અને સંગીત વિષયના શિક્ષકોની ભરતીની માંગણી અંગે પણ પ્રતિક્રિયા આપતા તેમણે જણાવ્યું હતું કે સરકાર આ બાબતે ગંભીરતાથી વિચારણા કરી રહી છે અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન રાજ્યભરમાંથી ઉત્કૃષ્ટ શૈક્ષણિક કાર્યો કરનાર શ્રેષ્ઠ શિક્ષકો અને આચાર્યોને તેમની વિશિષ્ટ સિદ્ધિઓ બદલ પારિતોષિક આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મંત્રીએ વિદ્યાર્થીઓના જીવન ઘડતરમાં અને શ્રેષ્ઠ નાગરિકોનું નિર્માણ કરવામાં શિક્ષકના યોગદાન અને સ્થાનનું વિશેષ મહાત્મ્ય ગણાવ્યું હતું.
બીજી બાજુ, રાજ્યમાં ચાલતી ગેરરીતિઓ પર લાલ આંખ કરતા શિક્ષણ મંત્રીએ દાહોદ અને અમદાવાદની શાળાઓના સંદર્ભમાં 'ભૂતિયા વિદ્યાર્થીઓ' (નકલી નામાંકન) ના પ્રશ્ને કડક વલણ દાખવ્યું હતું. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આવી શાળાઓ સામે આગામી દિવસોમાં લાયક અને દેખાઈ આવે તેવા કડક પગલાં ભરવામાં આવશે. આવી શાળાઓ અંગે ફરિયાદો કે માહિતી મળતાની સાથે જ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તાત્કાલિક અહેવાલ મંગાવવામાં આવી રહ્યો છે અને તંત્ર દ્વારા આગામી સમયમાં કસૂરવારો સામે સઘન કાર્યવાહી હાથ ધરાશે.
(6:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
