તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 30th June 2026
ગુજરાત સરકારના નાણા વિભાગનો વહીવટી નિર્ણય : રાજ્યવેરા ખાતાના ૭ સહાયક કમિશનરને વર્ગ-૧ નાયબ રાજ્યવેરા કમિશનર તરીકે હંગામી બઢતી અપાઈ : જુઓ સંપૂર્ણ સૂચિ
સત્તાવાર અધિસૂચના જાહેર : અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીધામ ખાતે બઢતી સાથે બદલી પામેલા અધિકારીઓને તાત્કાલિક હાજર થવા આદેશ

ગાંધીનગર:ગુજરાત સરકારના નાણા વિભાગ દ્વારા વહીવટી ક્ષેત્રે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા રાજ્યવેરા ખાતામાં ફરજ બજાવતા વર્ગ-૧ ના ૭ સહાયક રાજ્યવેરા કમિશનરને નાયબ રાજ્યવેરા કમિશનર વર્ગ-૧ સંવર્ગમાં તદ્દન હંગામી ધોરણે બઢતી (પ્રમોશન) આપીને અલગ-અલગ જગ્યાએ નવી નિમણૂક આપવામાં આવી છે. નાણા વિભાગના નાયબ સચિવ ભાવિતા રાઠોડના હસ્તાક્ષરથી તારીખ ૩૦ જૂન, ૨૦૨૬ ના રોજ આ અંગેની સત્તાવાર અધિસૂચના સચિવાલય ખાતેથી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ પ્રમોશન મેળવનારા અધિકારીઓ સાતમા પગારપંચ મુજબ લેવલ-૧૦ (પગાર ધોરણ રૂ. ૫૬,૧૦૦ - ૧,૭૭,૫૦૦) માંથી હવે લેવલ-૧૧ (પગાર ધોરણ રૂ. ૬૭,૭૦૦ - ૨,૦૮,૭૦૦) ના નવા પગારધોરણ માટે પાત્ર બનશે.
બઢતી મેળવી બદલી પામેલા તમામ ૭ અધિકારીઓની વિગતવાર યાદી:
સરકારની નવી યાદી મુજબ જે અધિકારીઓને નવી જગ્યાએ મુકાયા છે તેની વિગત નીચે મુજબ છે:
અલ્પેશ પ્રભુદાસ પટેલ: તેઓ વડોદરા વિભાગ-૬ ની સંયુક્ત રાજ્યવેરા કમિશનર કચેરી હેઠળ સહાયક રાજ્યવેરા કમિશનર (૨), ઘટક-૪૪ તરીકે કાર્યરત હતા, જેમને હવે બઢતી આપીને વડોદરા ખાતે જ નાયબ રાજ્યવેરા કમિશનર (કોર્પોરેટ-૨) તરીકે નિમણૂક અપાઈ છે.
સુશ્રી પ્રીતિબેન રમેશચંદ્ર બ્રહ્મભટ્ટ: તેઓ અમદાવાદ ખાતે સહાયક રાજ્યવેરા કમિશનર (૨), ઘટક-૦૧ તરીકે ફરજ બજાવતા હતા, જેમને પ્રમોશન આપીને અમદાવાદની મુખ્ય રાજ્યવેરા કમિશનર કચેરીમાં નાયબ રાજ્યવેરા કમિશનર (રીવ્યુ શાખા) તરીકે મૂકવામાં આવ્યા છે.
સુશ્રી ભારતી રેવાભાઇ દેસાઇ: તેઓ અમદાવાદ મુખ્ય રાજ્યવેરા કમિશનર કચેરીની ફ્લાઇંગ સ્ક્વોડ યુનિટ-૩ માં સહાયક રાજ્યવેરા કમિશનર તરીકે તૈનાત હતા, જેમને હવે અમદાવાદ મુખ્ય રાજ્યવેરા કમિશનર કચેરી ખાતે જ નાયબ રાજ્યવેરા કમિશનર (તકેદારી) તરીકે નવી જવાબદારી સોંપાઈ છે.
ગૌરાંગ ઇશ્વરભાઇ પટેલ: તેઓ અમદાવાદ ખાતે સહાયક રાજ્યવેરા કમિશનર (૧), ઘટક-૧૧ તરીકે સેવારત હતા, જેમને બઢતી આપીને ગાંધીધામ વિભાગ-૧૨ ની સંયુક્ત રાજ્યવેરા કમિશનર કચેરીમાં નાયબ રાજ્યવેરા કમિશનર (કોર્પોરેટ) તરીકે મોકલવામાં આવ્યા છે.
સુશ્રી રાધિકાબેન હિરાભાઇ તડવી: તેઓ સુરત ખાતે સહાયક રાજ્યવેરા કમિશનર (૧), ઘટક-૬૦ ની ફરજ પર હતા, જેમને પ્રમોશન સાથે સુરત વિભાગ-૦૮ ની સંયુક્ત રાજ્યવેરા કમિશનર કચેરીમાં નાયબ રાજ્યવેરા કમિશનર (કોર્પોરેટ-૨) તરીકે નિયુક્ત કરાયા છે.
રામસિંગભાઈ ખાનાભાઈ મુનીયા: તેઓ વડોદરા વિભાગ-૦૬ ની સંયુક્ત રાજ્યવેરા કમિશનર કચેરીમાં સહાયક રાજ્યવેરા કમિશનર (વહીવટ) તરીકે કાર્યરત હતા, જેમને બઢતી આપીને રાજકોટ વિભાગ-૧૦ ની સંયુક્ત રાજ્યવેરા કમિશનર કચેરી ખાતે નાયબ રાજ્યવેરા કમિશનર (કોર્પોરેટ-૨) ની પોસ્ટ પર બદલી કરાઈ છે.
બાબુભાઇ લખમાજી ડામોર: તેઓ અમદાવાદ મુખ્ય રાજ્યવેરા કમિશનર કચેરીમાં સહાયક રાજ્યવેરા કમિશનર (૨) (અદાલત શાખા) તરીકે ફરજ પર હતા, જેમને બઢતી આપીને અમદાવાદ મુખ્ય રાજ્યવેરા કમિશનર કચેરીમાં જ નાયબ રાજ્યવેરા કમિશનર (ફ્લાઇંગ સ્ક્વોડ) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
તાત્કાલિક હાજર થવા આદેશ, સિનિયોરિટી અને કોર્ટ કેસના ચુકાદાને આધીન રહેશે બઢતી:
નાણા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી આ અધિસૂચનામાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે બઢતી મેળવનારા તમામ અધિકારીઓએ પોતાની હાલની જગ્યા પરથી તાત્કાલિક અસરથી છૂટા થઈને નવી નિમણૂકવાળી જગ્યા પર હાજર થવાનું રહેશે અને તેની જાણ વિભાગને કરવાની રહેશે. આ ઉપરાંત સરકારના આ હુકમો તેમનાથી સિનિયર હોય તેવા અધિકારીઓના સિનિયોરિટીના હક્કોને નુકસાન પહોંચાડ્યા વિના, આખરી પ્રવરતાના સંભવિત ફેરફારોને આધીન તથા નામદાર અદાલતમાં પડતર કોર્ટ કેસના અંતિમ ચુકાદાને આધીન રહીને જ આપવામાં આવ્યા છે. આ આદેશની નકલ મુખ્યમંત્રીના અંગત સચિવ, નાણા મંત્રીના અંગત સચિવ, જીપીએસસી (GPSC) ના સચિવ તેમજ મુખ્ય રાજ્યવેરા કમિશનર સહિતના વરિષ્ઠ વહીવટી વિભાગોને રવાના કરી દેવામાં આવી છે.
(7:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
