<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

વાવ-થરાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે વહીવટી તંત્ર સજ્જ: વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ થરાદ ખાતે યોજી સમીક્ષા બેઠક

વરસાદની પરિસ્થિતિમાં નાગરિકોની સુરક્ષા અને સમયસર રાહત પહોંચાડવી એ આપણી સર્વોચ્ચ પ્રાથમિકતા છે: અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી: વાવ-થરાદ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં સરેરાશ ૫.૭૧ ઈંચ વરસાદ: ભાભરમાં સૌથી વધુ ૧૧.૩૦ અને દિયોદરમાં ૧૦.૮૩ ઈંચ વરસાદ નોંધાયો

થરાદ :ભારતીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી ભારે વરસાદની આગાહીને પગલે વાવ-થરાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ જરૂરી આગોતરી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આજરોજ થરાદ સર્કિટ હાઉસ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અધ્યક્ષએ તમામ સંબંધિત વિભાગોના અધિકારીઓને સંપૂર્ણ સતર્કતા સાથે સ્ટેન્ડબાય રહેવા અને કોઈપણ ઈમરજન્સીમાં રાહત-બચાવ કામગીરી માટે ઝડપી પ્રતિસાદ આપવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.
   વરસાદી માહોલ અને તેની સંભવિત અસરોને પહોંચી વળવા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરતા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, આવી પરિસ્થિતિમાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવી તથા સમયસર રાહત સામગ્રી અને સહાય પહોંચાડવી એ સ્થાનિક વહીવટી તંત્ર અને રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
    અધ્યક્ષએ જણાવ્યું હતું કે, સંભવિત આપત્તિના સમયે કોઈપણ પ્રકારના વિલંબ વગર તાત્કાલિક ધોરણે બચાવ અને રાહત ટુકડીઓ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવે. આ સાથે જ અસરગ્રસ્ત વિસ્તારોના નાગરિકો માટે સુરક્ષિત આશ્રયસ્થાનો, ભોજન, પીવાનું પાણી તેમજ પ્રાથમિક આરોગ્ય અને તબીબી સેવાઓ તાત્કાલિક ઉપલબ્ધ કરાવવા તાકીદ કરી હતી. તમામ અધિકારીઓ પરસ્પર સંકલન જાળવીને ‘રાઉન્ડ ધ ક્લોક’ એલર્ટ મોડ પર રહેવા તાકીદ કરી હતી. સમીક્ષા બેઠક બાદ વિધાનસભાના અધ્યક્ષ આજે વરસાદી માહોલ વચ્ચે વિવિધ વિસ્તારોની પ્રત્યક્ષ મુલાકાત લઈને સ્થિતિનો તાગ મેળવશે.
   ઉલ્લેખનીય છે કે, વાવ-થરાદ જિલ્લામાં તા. ૨૪ જુલાઈ, ૨૦૨૬ના રોજ સવારે ૬:૦૦ કલાકથી તા. ૨૫ જુલાઈ  ૨૦૨૬ના રોજ સવારે ૬:૦૦ કલાક સુધીના છેલ્લા ૨૪ કલાક દરમિયાન જિલ્લાના આઠેય તાલુકાઓમાં મળીને સરેરાશ ૫.૭૧ ઇંચ વરસાદ નોંધાયો છે. તાલુકાવાર વરસાદના આંકડા જોઈએ તો ભાભરમાં સૌથી વધુ ૧૧.૩૦ ઇંચ અને દિયોદરમાં ૧૦.૮૩ ઇંચ ભારે વરસાદ નોંધાયો છે. આ સિવાય સુઈગામમાં ૬.૮૧ ઇંચ, થરાદમાં ૫.૧૨ ઇંચ, ધરણીધરમાં ૩.૭૮ ઇંચ, લાખણીમાં ૩.૦૭ ઇંચ, વાવમાં ૨.૮૭ ઇંચ તથા રાહમાં ૧.૯૩ ઇંચ વરસાદ નોંધાયો છે. ચાલુ ચોમાસાની ઋતુ દરમિયાન જિલ્લામાં અત્યાર સુધી કુલ સરેરાશ ૧૦.૨૪ ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે.
આ સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેક્ટર મયુર મહેતા, જિલ્લા વિકાસ અધિકારી કલ્પેશકુમાર શર્મા, જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા, થરાદ નગરપાલિકાના પ્રમુખ અર્જુનસિંહ વાઘેલા સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

(11:47 AM IST)