તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th October 2026
રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવી: હળદરના મૂલ્યવર્ધનથી વર્ષે રૂ. 5 લાખની આવક
9.40 વીઘામાં તુવેરથી માંડી હળદર, ચણા, મકાઈ અને વિવિધ ફળ-શાકભાજીનું વાવેતર : પિતા-પુત્રોની મહેનત બની અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ

અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના નાના ઉભડા ગામના નિવૃત્ત શિક્ષક દયાળજીભાઈ પટેલ અને તેમના બે પુત્રો મેહુલભાઈ તથા કેતનભાઈએ રાસાયણિક ખેતીને તિલાંજલિ આપી પ્રાકૃતિક ખેતીનો માર્ગ અપનાવી આર્થિક સદ્ધરતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. વર્ષ 2019થી શરૂ કરેલી પ્રાકૃતિક ખેતીની સફર આજે પરિવારને વર્ષે રૂ. 7થી 8 લાખની આવક અપાવી રહી છે. ખાસ કરીને હળદરનું મૂલ્યવર્ધન પરિવારની આવકનું મુખ્ય સાધન બન્યું છે.
દયાળજીભાઈના પરિવાર પાસે કુલ 9.40 વીઘા જમીન છે. અહીં તેઓ વિવિધતાસભર પાકોનું વાવેતર કરે છે. કઠોળ અને મસાલા પાકોમાં તુવેર, ચણા, વરિયાળી અને મેથી ઉપરાંત રાજગરો, વિવિધ જાતની મકાઈ અને શેરડીનું પણ ઉત્પાદન કરવામાં આવે છે. સાથે જ જામફળ, કેરી, મોસંબી, નારંગી, લીંબુ, પપૈયા અને ખારેક જેવા ફળો તથા વિવિધ લીલા શાકભાજીનું વાવેતર કરવામાં આવે છે.
પ્રાકૃતિક ખેતી સાથે પરિવાર દ્વારા હળદરનું મૂલ્યવર્ધન કરવામાં આવે છે. દર વર્ષે આશરે 800થી 1000 કિલો ગુણવત્તાસભર હળદરનો પાવડર તૈયાર કરી સીધો ગ્રાહકોને રૂ. 500 પ્રતિ કિલોના ભાવે વેચવામાં આવે છે. આ રીતે માત્ર હળદરના પાવડરના વેચાણથી જ વર્ષે આશરે રૂ. 5 લાખની આવક થાય છે.
ખાસ વાત એ છે કે પરિવાર પોતાની પેદાશોનું મૂલ્યવર્ધન કરીને કોઈ વચેટિયા વિના સીધું ગ્રાહકો સુધી પહોંચાડે છે. પરિણામે ખેડૂતને પોતાની મહેનતનું યોગ્ય વળતર મળી રહે છે.
દયાળજીભાઈ જણાવે છે કે તેમણે શરૂઆતમાં તુવેરના વાવેતરથી પ્રાકૃતિક ખેતીનો પ્રારંભ કર્યો હતો. રાસાયણિક ખેતીમાંથી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા બાદ શરૂઆતના વર્ષોમાં જમીનમાંથી અગાઉના રસાયણોની અસર દૂર થવામાં સમય લાગ્યો હતો. તેના કારણે શરૂઆતમાં ઉત્પાદન પણ ઓછું મળ્યું હતું.
જોકે, સતત પ્રાકૃતિક પદ્ધતિ અપનાવતાં ધીમે ધીમે જમીનની ફળદ્રુપતા વધતી ગઈ અને પાકની ગુણવત્તા તથા ઉત્પાદનમાં પણ વધારો થયો. આ ફેરફારની સીધી અસર પરિવારની આર્થિક સ્થિતિ પર પડી અને ખેતી વધુ આવકદાયી બની.
દયાળજીભાઈના જણાવ્યા મુજબ પ્રાકૃતિક ખેતીનું મુખ્ય રહસ્ય તેમના ઘરમાં રહેલી એક દેશી અને એક ગીર ગાય છે. પરિવાર બહારથી કોઈ રાસાયણિક ખાતર કે દવા ખરીદતો નથી. ગોબર અને ગૌમૂત્રમાંથી ખેતરમાં જ જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, બ્રહ્માસ્ત્ર, નિમાસ્ત્ર, અગ્નિસ્ત્ર અને દશપર્ણી અર્ક જેવી પ્રાકૃતિક ચીજવસ્તુઓ તૈયાર કરવામાં આવે છે.દેશી ગાયની ખાટી છાશનો ઉપયોગ ફૂગનાશક તરીકે પણ કરવામાં આવે છે. આ રીતે ખેતીના ખર્ચમાં ઘટાડો કરવાની સાથે જમીનની તંદુરસ્તી જાળવવાનો પ્રયાસ કરવામાં આવે છે.
ખેતરમાંથી નીકળતા કચરા અને નિંદામણને દૂર ફેંકવાને બદલે જમીન પર જ ઢાંકણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તેના કારણે જમીનમાં ભેજ જળવાઈ રહે છે, જમીન નરમ બને છે અને અળસિયાની સંખ્યા વધે છે. પરિવારના જણાવ્યા મુજબ આ પદ્ધતિથી જમીનની પાણી સંગ્રહ ક્ષમતામાં પણ વધારો થયો છે.
પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે કરેલી કામગીરી બદલ પટેલ પરિવારને વર્ષ 2025માં 'પ્રાકૃતિક ખેતી એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવ્યો છે. ખેતી સાથે હળદરના પ્રોસેસિંગ અને સિંચાઈ સુવિધા માટે બાગાયત વિભાગ તરફથી માર્ગદર્શન તથા આર્થિક સહાય પણ મળી હોવાનું પરિવાર જણાવે છે.પ્રાકૃતિક ખેતી, પાકોમાં વિવિધતા અને પેદાશોના મૂલ્યવર્ધનને કારણે નાના ઉભડા ગામનો આ પરિવાર હવે આસપાસના ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યો છે. દયાળજીભાઈ અને તેમના પુત્રોની સફળતા જોઈને અન્ય ખેડૂતો પણ રાસાયણિક ખેતીમાંથી પ્રાકૃતિક ખેતી તરફ વળવા પ્રેરાઈ રહ્યા છે
(8:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
