<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th April 2026

પૃથ્વીનું શોષણ અટકાવવા અને ભવિષ્યની પેઢીને બચાવવા પ્રાકૃતિક ખેતી અપનાવો : પાલિતાણામાં વ્યાસપીઠ પરથી પૂ. મોરારિબાપુનું ખેડૂતોને આહવાન

ખેતીમાં વપરાતા ઝેર સામે સાવચેતી રાખવા અનુરોધ કરી મોરારિબાપુએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના પ્રાકૃતિક ખેતીના અભિયાન અને કાર્યરત સંસ્થાઓના પ્રયાસોને બિરદાવ્યા

પાલિતાણા: પાલિતાણા પાસે સગાપરા ધાર સ્થિત કૈલાસ ટેકરી ખાતે ચાલી રહેલી રામકથામાં મોરારિબાપુએ આધ્યાત્મિકતાની સાથે સામાજિક ચેતના જગાવતા પ્રાકૃતિક ખેતીનો પક્ષ લીધો છે. કથા દરમિયાન તેમણે ધરતી માતા અને માનવ સ્વાસ્થ્યના હિતમાં ખેડૂતોને નમ્રતાપૂર્વક પ્રાકૃતિક ખેતી તરફ વળવા અનુરોધ કર્યો હતો.

 

**ઝેરમુક્ત ખેતીની અનિવાર્યતા:**

મોરારિબાપુએ ખેતીવાડીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના રૂપમાં વપરાતા ઝેર સામે લાલબત્તી ધરતા જણાવ્યું કે, વર્તમાન સમયમાં પૃથ્વીનું શોષણ થઈ રહ્યું છે અને આપણી ભવિષ્યની પેઢી અજાણતામાં ઝેર ખાઈ રહી છે. આ ગંભીર પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર પર્યાય છે. ખેતીમાં ઝેરના ઉપયોગ સામે સાવધાની રાખવી અત્યંત જરૂરી છે જેથી જમીન અને જનજીવન બંનેને સુરક્ષિત કરી શકાય.

 

**રાજ્યપાલ અને સંસ્થાઓના પ્રયાસોની પ્રશંસા:**

પ્રાકૃતિક ખેતીના પ્રસાર માટે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી જે રીતે સક્રિયપણે કાર્ય કરી રહ્યા છે, તેમના અભિગમનો વિશેષ ઉલ્લેખ કરી મોરારિબાપુએ તેમને બિરદાવ્યા હતા. આ સાથે જ આ ઉમદા કાર્યમાં જોડાયેલી વિવિધ સંસ્થાઓના અભિયાનની પણ તેમણે મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. રામકથાના માધ્યમથી સામાજિક જાગૃતિનો સંદેશ ફેલાવતા તેમણે ઉમેર્યું કે પૃથ્વીનું શોષણ અટકાવવું એ આપણા સૌની નૈતિક જવાબદારી છે. (અહેવાલ - મુકેશ પંડિત)

(2:35 PM IST)