News of Thursday, 7th May 2026
ભેળસેળિયા તત્વો પર લગામ : ગુજરાતમાં ‘ફૂડ સેફટી ઓન વ્હીલ’ વાનનું લોકેશન મોનિટરિંગ શરૂ : મંત્રી પ્રફુલ પાનસેરિયાના માર્ગદર્શન હેઠળ કડક કાર્યવાહી
રાજ્યમાં કાર્યરત ૨૨ વાન કયા વિસ્તારમાં કેટલા નમૂનાની તપાસ કરે છે તેનું દૈનિક ટ્રેકિંગ કરાશે : એનાલોગ પનીર અને નકલી બટર વિરુદ્ધ અભિયાન તેજ કર્યા બાદ આરોગ્ય વિભાગ એક્શન મોડમાં : બંધ પડેલી ૧૦ વાન પણ ટૂંક સમયમાં શરૂ થશે

ગાંધીનગર: ગુજરાતમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ભેળસેળિયા તત્વો સામે રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગે લાલ આંખ કરી છે. રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાના માર્ગદર્શન હેઠળ હવે ખાદ્ય પદાર્થોની સ્થળ પર જ તપાસ કરતી ‘ફૂડ સેફટી ઓન વ્હીલ’ વાનની કામગીરીનું કડક મોનિટરિંગ શરૂ કરવામાં આવ્યું છે. અગાઉ ડુપ્લિકેટ પનીર (એનાલોગ પનીર) વિરુદ્ધ સફળ અભિયાન બાદ, હવે આ મોબાઈલ લેબોરેટરી વાન કયા લોકેશન પર છે અને કેટલા નમૂનાઓની તપાસ કરે છે તેનું દૈનિક ટ્રેકિંગ કરવામાં આવશે.
૨૨ વાન કાર્યરત, ૧૦ વાન બંધ હાલતમાં:
આરોગ્ય વિભાગ પાસે કુલ ૩૨ ફૂડ સેફટી વાન ઉપલબ્ધ છે, જેમાંથી હાલ ૨૨ વાન વિવિધ મહાનગરપાલિકા, જિલ્લા અને તાલુકા મથકો પર કાર્યરત છે. જોકે, અમદાવાદ કોર્પોરેશનની ૨ વાન સહિત સુરત કોર્પોરેશન, ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, ભરૂચ, સુરેન્દ્રનગર તેમજ અમદાવાદ અને સુરત જિલ્લામાં મળી કુલ ૧૦ વાન હાલ બંધ હાલતમાં છે. પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, ટેકનિકલ કારણોસર બંધ રહેલી આ વાનને ફરી શરૂ કરવાની પ્રક્રિયા ગતિમાં છે અને ટૂંક સમયમાં તમામ ૩૨ વાન મેદાનમાં ઉતરશે.
જંક ફૂડમાં નકલી સામગ્રી સામે વિશેષ તપાસ:
શહેરી વિસ્તારોમાં વધતા જંક ફૂડના ચલણ વચ્ચે હોટલ અને લારીઓ પર અસલી બટર કે પનીરના બદલે સસ્તા અને જોખમી વિકલ્પો વપરાતા હોવાની ફરિયાદો ઉઠી છે. આ બાબતે સક્રિય થયેલા વિભાગે હવે એવી વ્યવસ્થા ગોઠવી છે કે દરેક વાન કયા સમયે કયા વિસ્તારમાં ગઈ અને ત્યાં કેટલા નમૂનાઓની ચકાસણી કરી તેનો ચોક્કસ રિપોર્ટ દૈનિક ધોરણે તૈયાર થશે. આ મોનિટરિંગથી કામગીરીમાં પારદર્શિતા આવશે અને ભેળસેળ અટકાવવામાં વેગ મળશે.
જનજાગૃતિ અને કડક અમલીકરણ પર ભાર:
આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, માત્ર દરોડા જ નહીં પરંતુ સામાન્ય જનતામાં પણ જાગૃતિ લાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. રાજ્યમાં વધી રહેલા બિનઆરોગ્યપ્રદ ખોરાકના પ્રયોગને કારણે લોકો ગંભીર બીમારીઓનો શિકાર ન બને તે હેતુથી જિલ્લા કક્ષાએ પણ આ વાનનો ઉપયોગ વધારવામાં આવશે. વહીવટી તંત્રની આ સક્રિયતાને કારણે ખાદ્ય સામગ્રીમાં મિલાવટ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
(1:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
