<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th September 2026

તાપીના વ્યારામાં આશ્રમશાળાના ૯ વર્ષીય માસુમ વિદ્યાર્થીનું અચાનક તાવ આવ્યા બાદ શંકાસ્પદ મોત: કાળજાના કટકા સમાન માસૂમ પુત્રના નિધનથી પરિવાર પર તૂટી પડ્યો આભનો પહાડ

સવારે હોસ્પિટલમાંથી ફોન આવતા જ માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ: ૧૧ સપ્ટેમ્બરે સારવાર આપ્યા બાદ રાત્રે તબિયત વધુ લથડતા સવારે બાળક ઊંઘમાંથી જ ન ઊઠ્યો, પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા

વ્યારા (તાપી) : દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે. વ્યારા સ્થિત આશ્રમશાળામાં ધોરણ ૩ માં અભ્યાસ કરતા માત્ર ૯ વર્ષીય વિદ્યાર્થી દિવ્યેશ પવારનું તાવ આવ્યા બાદ અચાનક જ શંકાસ્પદ સંજોગોમાં કરુણ મોત નીપજ્યું છે. બાળક ભણી-ગણીને આગળ વધશે તેવી આશાઓ સેવી રહેલા મા-બાપ માટે સવાર-સવારમાં હોસ્પિટલમાંથી આવેલો એક ફોન કાળમુખો સાબિત થયો હતો, જેમાં પુત્રના નિધનના સમાચાર મળતા જ સમગ્ર પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.

 

પ્રાપ્ત માહિતી અનુસાર, ૯ વર્ષીય માસૂમ દિવ્યેશને ૧૧ સપ્ટેમ્બરના રોજ સામાન્ય તાવ આવ્યો હતો, જે બાદ તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. પરંતુ રાત્રિના સમયે તેની તબિયત વધુ લથડી હતી. ૧૨ સપ્ટેમ્બરની વહેલી સવારે જ્યારે અન્ય બાળકો અને શાળા તંત્ર જાગ્યું ત્યારે દિવ્યેશ ઊંઘમાંથી ઉઠ્યો જ નહોતો. તેને તાત્કાલિક અસરથી વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યા ફરજ પરના તબીબોએ તપાસીને તેને મૃત જાહેર કર્યો હતો.

 

આ કરુણ ઘટનાને પગલે વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતે પરિવારજનોના કલ્પાંતથી વાતાવરણ અત્યંત ગમગીન બની ગયું હતું. માસૂમ બાળકના આકસ્મિક અવસાનને પગલે આશ્રમશાળાના સંચાલકોની કાળજી, તબીબી દેખરેખ અને વ્યવસ્થા સામે પણ ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. ઘટના અંગે સ્થાનિક પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે અને મોતના સાચા કારણો જાણવા આગળની વિગતવાર તપાસ હાથ ધરી છે.

(11:22 PM IST)