News of Saturday, 9th May 2026
રાજ્યમાં કાળઝાળ ગરમીના રાઉન્ડ બાદ વાતાવરણમાં પલટો આવશે :પ્રિ-મોન્સૂન એક્ટિવિટી વેગવંતી બનશે
હજુ ત્રણ -ચાર દિવસ ગરમીમાં ભારે વધારો થયા બાદ વાતાવરણમાં પલટો આવશે ક્યાંક ક્યાંક વરસાદી ઝાપટા પડશે

અમદાવાદ :રાજ્યમાં અત્યારે ભીષણ ગરમી પ્રકોપ દેખાડી રહી છે. જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે આગામી દિવસો માટે ચિંતાજનક આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર 12 May સુધી રાજ્યમાં ગરમીનું પ્રમાણ સતત વધતું રહેશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તાપમાનનો પારો 44 થી 45 ડિગ્રી સુધી પહોંચવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે.
આગામી દિવસોમાં માત્ર તાપમાન જ નહીં, પરંતુ ગરમ પવન પણ લોકોની મુશ્કેલીમાં વધારો કરશે. બપોરના સમયે ફૂંકાતા લૂ જેવા પવનોને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થઈ શકે છે. આ ગરમીમાં વધારો થવા પાછળ પવનની દિશામાં થતા ફેરફારો મુખ્ય કારણ મનાય છે. ખાસ કરીને અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં ગરમીની તીવ્રતા વધુ રહેવાની સંભાવના છે.
સતત વધી રહેલી ગરમી વચ્ચે રાહતના સમાચાર પણ સામે આવ્યા છે. 15 May પછી વાતાવરણમાં મોટો પલટો આવવાની શરૂઆત થશે. અંબાલાલ પટેલની આગાહી મુજબ આ સમયગાળા દરમિયાન રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી વેગ પકડશે. આકાશમાં વાદળોની અવરજવર વધવાથી ગરમીના પ્રકોપમાં થોડો ઘટાડો જોવા મળી શકે છે.
ચોમાસાના આગમન પહેલાંની સ્થિતિ વિશે વાત કરતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 22 May ની આસપાસ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા પડી શકે છે. આ માવઠું અથવા હળવો વરસાદ ગરમીથી અકળાયેલા લોકોને આંશિક રાહત આપશે. જોકે, વરસાદ પહેલાનો ભેજ બફારાનું પ્રમાણ વધારી શકે છે, જે શારીરિક અસ્વસ્થતા પેદા કરી શકે છે.
(1:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
