તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 15th October 2026
ગર્લફ્રેન્ડે બ્રેકઅપ કરતાં યુવકે યુવતીના ફોટા મોર્ફ કરીને ફેક ઈન્સ્ટાગ્રામ પર વાયરલ કર્યા
યુવતીના ફોટા વાયરલ કરનાર રાજકોટના યુવકને સાયબર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો : નવરાત્રિમાં વિકૃત તત્ત્વો પર વોચ રાખવા સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલ સક્રિય - ક્રાઇમ બ્રાન્ચની સાયબર રક્ષિકા ટીમ દ્વારા આઠ ફરિયાદો નોંધાઈ

અમદાવાદ,તા.૧૫: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર જે.પી. ઠાકોરે એક યુવતીની ફરિયાદને આધારે તપાસ શરૂ કરી હતી. યુવતીએ રાજકોટના તેના મિત્ર નિશાંત લખલાણી સાથે બ્રેકઅપ કરી લેતાં નિશાંતે યુવતીના નામે ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી હતી અને તેના પર યુવતીના ફોટા મોર્ફ કરીને ખોટી રીતે વાયરલ કર્યા હતા. આ મામલે પોલીસ ઇન્સ્પેક્ટરે નિશાંત લખલાણી નામના યુવકને ઝડપી લઈને કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
માત્ર અમદાવાદ કે ગુજરાતમાં જ નહીં, પરંતુ દેશભરમાં નવરાત્રિ અને દુર્ગાપૂજાનો માહોલ બરાબર જામ્યો છે ત્યારે ગરબા રમતી યુવતીઓ કે મહિલાઓના ફોટા અથવા વીડિયો તેમની જાણ બહાર ઉતારીને વાયરલ કરતા તત્ત્વો પર નજર રાખવા માટે અમદાવાદ પોલીસનું સોશિયલ મીડિયા મોનિટરિગ સેલ સક્રિય છે. આવી હરકતો પર ચોવીસ કલાક નજર રાખવામાં આવી રહી છે. કોઈ વાંધાજનક વીડિયો કે ફોટો સોશિયલ મીડિયાના કોઈ પણ પ્લેટફોર્મ પર વાયરલ થાય તો તેને તાત્કાલિક ડિલિટ કરાવીને વાયરલ કરનાર સામે ફરિયાદ નોંધવામાં આવી રહી છે. આ કામગીરી માટે સાયબર ક્રાઇમ બ્રાન્ચની સાયબર રક્ષિકા ટીમ પણ સક્રિય છે. આ ટીમ દ્વારા આવી આઠ ફરિયાદો નોંધવામાં આવી છે. આ ઉપરાંત, એક વિચિત્ર કિસ્સો પણ સામે આવ્યો હતો. જેમાં ગર્લફ્રેન્ડે બ્રેકઅપ કરી દેતાં રાજકોટના યુવકે યુવતીના ફોટા મોર્ફ કરીને વાયરલ કર્યા હતા. આ યુવકને સાયબર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લઈને કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
નવરાત્રિમાં યુવતીઓ ગરબા રમવામાં વ્યસ્ત હોય ત્યારે કેટલાક વિકૃત તત્ત્વો તેમની જાણ બહાર વીડિયો ઉતારી લેતા હોય છે અને ફોટા પાડી લેતા હોય છે. બાદમાં આ તત્ત્વો યુવતીઓના ફોટા ખોટી રીતે મોર્ફ અથવા એડિટ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કરતા હોય છે. આથી આવા વીડિયો તાત્કાલિક ડિલીટ કરાવવા અને તેને વાયરલ કરનાર તત્ત્વો સામે પગલાં લેવા માટે સોશિયલ મીડિયા મોનિટરિગ સેલની ટીમ ચોવીસ કલાક સક્રિય રહે છે.
બીજી તરફ, સાયબર ક્રાઇમ બ્રાન્ચની સાયબર રક્ષીકા ટીમ દ્વારા યુવતીઓના વીડિયો વાયરલ કરીને અથવા અન્ય રીતે તેમને પરેશાન કરનાર તત્ત્વો સામે આઠ ફરિયાદો નોંધાવવામાં આવી છે. જો કોઈ પણ મહિલા કે યુવતીને આવી પરેશાની થતી હોય, તો તે સાયબર ક્રાઇમ બ્રાન્ચ અથવા સાયબર રક્ષીકા સમક્ષ ફરિયાદ કરી શકે છે.
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
