News of Tuesday, 6th October 2026
ચોમાસાની વિદાય બાદ ગરમીનો પ્રકોપઃ ૧૦ શહેરમાં પારો ૩૫ ડિગ્રીને પાર
ગુજરાતમાંથી ચોમાસાની વિદાય બાદ હવે ‘ઓક્ટોબર હીટ'ની અસર જોવા મળી રહી છે : રાજકોટમાં ૩૭.૬ ડિગ્રી તાપમાન નોંધાયું : અમદાવાદ સહિત અનેક શહેરોમાં દિવસ દરમિયાન ગરમી અને દરિયાકાંઠે ભેજવાળો ઉકળાટ અનુભવાઈ શકે છે

અમદાવાદ તા.૬: ગુજરાતમાંથી ચોમાસાની સત્તાવાર વિદાય બાદ હવે રાજ્યમાં હવામાનનો મિજાજ બદલાવા લાગ્યો છે. વરસાદી સિસ્ટમની અસર ઘટતાં આકાશમાંથી વાદળો હટી રહ્યા છે અને સૂર્યપ્રકાશ સીધો પડતાં દિવસના તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં વરસાદની કોઈ મોટી શક્યતા નથી. આ દરમિયાન અમદાવાદ, રાજકોટ સહિતના વિસ્તારોમાં ‘ઓક્ટોબર હીટ'ની અસર વધુ અનુભવાઈ શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જોકે, દિવસ દરમિયાન ગરમીનો અનુભવ યથાવત્ રહેવાની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજને કારણે ઉકળાટ અનુભવાઈ શકે છે, જ્યારે અન્ય વિસ્તારોમાં સૂકા પવન સાથે ગરમી અનુભવાઈ શકે છે.
રાજકોટમાં સૌથી વધુ ૩૭.૬ ડિગ્રી તાપમાન - સોમવારે ગુજરાતમાં રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું હતું. હવામાન વિભાગના આંકડા મુજબ રાજકોટમાં મહત્તમ તાપમાન ૩૭.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ત્યારબાદ સુરેન્દ્રનગરમાં ૩૭.૩ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત અમદાવાદ, ડીસા, ગાંધીનગર, વડોદરા, સુરત, કંડલા, અમરેલી અને ભાવનગરમાં પણ મહત્તમ તાપમાન ૩૫ ડિગ્રી સેલ્સિયસથી ઉપર નોંધાયું હતું.
કેમ વધી રહી છે ગરમી? - ચોમાસાની વિદાય બાદ વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટવા લાગે છે અને વાદળછાયું વાતાવરણ ઓછું થતાં સૂર્યના કિરણો સીધા જમીન સુધી પહોંચે છે. આ સ્થિતિમાં ઓક્ટોબર મહિનામાં દિવસ દરમિયાન તાપમાન વધે છે, જેને સામાન્ય રીતે ‘ઓક્ટોબર હીટ' તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તર ભારતમાં પવનની દિશામાં ફેરફાર અને મજબૂત એન્ટિ-સાયક્લોનિક સ્થિતિને કારણે હવામાં સૂકાપો વધવાની શક્યતા છે. ગુજરાતમાં પણ આગામી દિવસોમાં આ હવામાનની અસર જોવા મળી શકે છે.
આગામી ૭ દિવસ ગુજરાતમાં વરસાદ નહીં - હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતમાં વરસાદની કોઈ મોટી સંભાવના નથી. મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં પણ ખાસ ફેરફાર થવાની શક્યતા નથી. એટલે આગામી દિવસોમાં સવારે અને મોડી રાત્રે પ્રમાણમાં રાહત અનુભવાઈ શકે છે, પરંતુ બપોરના સમયે ગરમી અને ઉકળાટ વધવાની શક્યતા રહેશે.
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
