તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Tuesday, 17th November 2026
દિવાળીના મિની વેકેશન બાદ વેપાર-રોજગારમાં કરંટ, રસ્તાઓ પર ટ્રાફિકની હળવી ચહલપહલ
સૂમસામ બનેલા શહેરમાં સોમવારે ઉઘડતા અઠવાડિયાથી ફરી ધીમે પગલે ધમધમાટ દેખાવા લગ્યો : સરકારી કચેરીઓ, કોર્પોરેટ ઓફિસો, બજારોમાં અવરજવર દેખાતા ગાડી પાટા પર ચઢી રહ્યા હોવાનો અહેસાસ

રાજકોટ,તા.૧૭: દિવાળી અને નૂતન વર્ષ સહિતના પર્વને પગલે ગત આખું અઠવાડિયું સુરતમાં મિની વેકેશન જેવો માહોલ જોવા મળ્યો હતો. જોકે, શનિવારે લાભપાંચમ અને રવિવારની રજા બાદ સોમવારથી શહેરના વેપાર-રોજગાર સહિતના વિવિધ ક્ષેત્રોમાં ફરી કરંટ જોવા મળ્યો હતો.
૮ નવેમ્બરે દિવાળી, ૧૦ નવેમ્બરે નૂતન વર્ષ અને ૧૧ નવેમ્બરે ભાઈબીજના પર્વની ઉજવણીને પગલે ૭ નવેમ્બરથી જ મોટા ભાગના વેપાર-ધંધા બંધ થઈ ગયા હતા. સરકારી કચેરીઓમાં પણ ૮થી ૧૧ નવેમ્બર સુધી સતત ચાર દિવસની જાહેર રજા હતી. ત્યારબાદ ૧૨ અને ૧૩ નવેમ્બરે કચેરીઓ ખુલ્લી રહી હોવા છતાં અધિકારીઓ અને કર્મચારીઓ દિવાળી વેકેશન પર હોવાથી કામગીરી મર્યાદિત રહી હતી. ૧૪ નવેમ્બરે બીજા શનિવારની રજા અને રવિવારની રજાને કારણે સરકારી કચેરીઓમાં પણ લાંબો વિરામ રહ્યો હતો.
બીજી તરફ, મોટા ભાગની કોર્પોરેટ કંપનીઓમાં ૮થી ૧૧ નવેમ્બર સુધી રજા આપવામાં આવી હતી, જ્યારે અનેક કંપનીઓએ ૮થી ૧૫ નવેમ્બર સુધીનું સામૂહિક વેકેશન જાહેર કર્યું હતું.શહેરના અનેક પરિવારો વતન અને પ્રવાસે ઉપડી જતાં ૮થી ૧૫ નવેમ્બર દરમિયાન રસ્તાઓ પર ટ્રાફિક અને જાહેર સ્થળોએ લોકોની અવરજવર નોંધપાત્ર રીતે ઘટી ગઈ હતી. સોમવારે ઉઘડતા અઠવાડિયાથી સુરત મહાનગરપાલિકા, કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત સહિતની સરકારી કચેરીઓમાં અધિકારીઓ- કર્મચારીઓની હાજરી સાથે અરજદારોની અવરજવર પણ વધતી જોવા મળી હતી. કોર્પોરેટ ઓફિસો, દુકાનો અને વેપારી સંસ્થાઓમાં પણ કામકાજ શરૂ થતાં શહેર ફરી ધમધમતું થવાની દિશામાં આગળ વધ્યું હતું.
રૂટિનમાં આવતા હજુ એક અઠવાડિયું લાગશે
સોમવારથી સરકારી કચેરીઓ અને કોર્પોરેટ ઓફિસોમાં કામકાજ શરૂ થયું હોવા છતાં હજુ સંપૂર્ણ રીતે ધંધા-રોજગાર અને વહીવટી કામગીરી પાટે ચઢતાં સમય લાગશે. અનેક અધિકારીઓ અને કર્મચારીઓ હજુ રજા પર હોવાથી કચેરીઓમાં સંપૂર્ણ હાજરી જોવા મળી રહી નથી. બીજી તરફ, શાળાઓમાં ૨૫ નવેમ્બરથી બીજું શૈક્ષણિક સત્ર શરૂ થવાનું હોવાથી અનેક પરિવારો હજુ વતન કે પ્રવાસે છે. પરિણામે ચાલુ અઠવાડિયા દરમિયાન પણ શહેરમાં વેકેશનની અસર જોવા મળવાની શક્યતા છે.
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
