<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th July 2026

ભારે વરસાદ બાદ ડેડિયાપાડા, ઉમરપાડાને જોડતો નિંઘટ–બોરીપીઠા–ખેડીપાડા માર્ગ ખાડા અને કાદવથી ખદબદ થતા સ્થાનિકોમાં ભારે રોષ

અનેક વખત રજૂઆતો કરવા છતાં રસ્તાના સમારકામ અંગે કોઈ અસરકારક કામગીરી કરવામાં આવી નથી

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના નિંઘટ રોડથી બોરીપીઠા, ખેડીપાડા તેમજ ઉમરપાડા તાલુકાના કેવડી ગામને જોડતો મુખ્ય માર્ગ છેલ્લા ઘણા સમયથી અત્યંત બિસ્માર હાલતમાં છે. રસ્તા પર પડેલા મોટા ખાડા, કાદવ અને ઊબડખાબડ સપાટીના કારણે રોજિંદા અવરજવર કરતા વાહનચાલકો, રાહદારીઓ તેમજ શાળાએ જતા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ અનેક વખત રજૂઆતો કરવા છતાં રસ્તાના સમારકામ અંગે કોઈ અસરકારક કામગીરી કરવામાં આવી નથી. હાલમાં નેત્રંગ તરફના માર્ગ પર બેડા કંપની નજીકનો બ્રિજ જર્જરિત હોવાના કારણે ભારે વાહનોને આ માર્ગ પરથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ઉપરાંત મોવી–ડેડિયાપાડા માર્ગ પર પણ ડાયવર્ઝન અમલમાં હોવાથી મોટી સંખ્યામાં ભારે માલવાહક વાહનો આ રસ્તાનો ઉપયોગ કરી રહ્યા છે, જેના કારણે રસ્તાની સ્થિતિ વધુ ખરાબ બની ગઈ છે. વરસાદી માહોલમાં માર્ગ પર કાદવ અને પાણી ભરાઈ જતા અકસ્માતનો ભય પણ વધ્યો છે. સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ તાત્કાલિક માર્ગનું સમારકામ કરવાની માંગ કરી રહ્યા છે. હવે વરસાદી ઋતુ દરમિયાન માર્ગોની દયનીય હાલત વચ્ચે તંત્ર શું પગલાં ભરે છે તેના પર સૌની નજર મંડાઈ છે

(12:35 AM IST)