News of Saturday, 4th July 2026
નવસારીની પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવ્યા બાદ જળસ્તર ઘટતા તંત્રએ લીધો રાહતનો શ્વાસ
રાત્રે પૂર્ણા નદીનું જળસ્તર તેની ભયજનક સપાટી 23 ફૂટની એકદમ નજીક પહોંચતા કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો.

દક્ષિણ ગુજરાતમાં વરસેલા મુશળધાર વરસાદને કારણે નવસારીની જીવાદોરી ગણાતી પૂર્ણા નદીએ ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું છે. નદીમાં ઉપરવાસમાંથી આવેલા ધસમસતા પાણીના પ્રવાહને કારણે ચારેય તરફ પૂર જેવી ગંભીર સ્થિતિનું નિર્માણ થયું હતું. ગત રાત્રે પૂર્ણા નદીનું જળસ્તર તેની ભયજનક સપાટી 23 ફૂટની એકદમ નજીક પહોંચી ગયું હતું, જેને પગલે કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. નદીના તોફાની રૂપને જોતાં સ્થાનિક વહીવટી તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું હતું.
ભારે ચિંતા અને તણાવભરી રાત વિત્યા બાદ નવસારીવાસીઓ અને વહીવટી તંત્ર માટે આખરે રાહતના સમાચાર સામે આવ્યા છે. પૂર્ણા નદીના જળસ્તરમાં ધીમે-ધીમે ઘટાડો નોંધાઈ રહ્યો છે અને સ્થિતિ નિયંત્રણ તરફ આગળ વધી રહી છે. પાણીની સપાટી ઓસરવા લાગતાં પૂરનું સંકટ હાલ પૂરતું ટળ્યું છે, જેના કારણે રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલા તંત્રએ લાંબા સમય બાદ રાહતનો શ્વાસ લીધો છે. જોકે, કાંઠા વિસ્તારના ગામોને હજુ પણ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
પૂર્ણા નદીમાં આવેલા આ ભયાવહ પૂરના આકાશી દૃશ્યો હવે સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. આ ડ્રોન વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યાં પણ નજર કરો ત્યાં માત્ર પાણી જ પાણીનો સામ્રાજ્ય દેખાઈ રહ્યું છે. નદીના કિનારે આવેલા નીચાણવાળા ખેતરો અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયેલા જોવા મળે છે. કુદરતના આ રૌદ્ર સ્વરૂપને આકાશમાંથી જોતાં જ અંદાજો લગાવી શકાય છે કે ગત રાત્રે નવસારી પર કેવું મોટું સંકટ તોળાઈ રહ્યું હતું.
(12:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
