તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Sunday, 17th May 2026
રાજકોટ એરપોર્ટ બાદ હવે અમદાવાદમાં પણ સ્ટેટ જીએસટીની ટીમે લક્ઝરી બસમાંથી ૧૦૦ કિલો બિનહિસાબી ચાંદીનો જથ્થો ઝડપી પાડ્યો
ગીતામંદિરથી રાજકોટ જતી બસમાંથી એક શખ્સની અટકાયત : ૮૦ ટકા જથ્થાના બિલ ન મળતા તપાસનો ધમધમાટ : હીરાસર એરપોર્ટ પર આઈબીએ ઝડપેલા ૧૦ કરોડની ચાંદીના મહાકૌભાંડ સાથે કનેક્શન હોવાની આશંકાએ ડીઆરઆઈ અને સીજીએસટી પણ તપાસમાં જોડાશે

અમદાવાદ : રાજ્યમાં ચાંદીની ગેરકાયદેસર હેરાફેરી સામે તંત્રએ લાલઆંખ કરી છે, જેમાં રાજકોટના હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) દ્વારા રૂપિયા ૧૦ કરોડની કિંમતના ૪૦૦ કિલો ચાંદીના કરાયેલા મોટા સપાટા બાદ હવે અમદાવાદમાં પણ ભિન્ન ઓપરેશનમાં કરોડોની ચાંદી ઝડપાઈ છે. અમદાવાદથી ખાનગી ટ્રાવેલ્સની બસ દ્વારા રાજકોટ તરફ ૧૦૦ કિલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો લઈ જઈ રહેલા એક શખ્સને સ્ટેટ જીએસટી (GST) ની ટીમે ઝડપી પાડીને અટકાયત કરી છે. જીએસટી વિભાગે શુદ્ધ ચાંદીના આ મસમોટા જથ્થાને કાયદેસર રીતે જપ્ત કરીને આગળની કડક કાર્યવાહીનો ધમધમાટ શરૂ કર્યો છે.
ગીતામંદિર પાસે એસટી જીએસટીની ટીમે વોચ ગોઠવી ઓપરેશન પાર પાડ્યું:
મળતી સત્તાવાર વિગતો મુજબ, સ્ટેટ જીએસટીની ટીમને ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે અમદાવાદથી રાજકોટ જતી એક ખાનગી લક્ઝરી બસમાં ચાંદીનું ગેરકાયદેસર સ્મગલિંગ (હેરાફેરી) કરવામાં આવી રહ્યું છે. આ ચોક્કસ બાતમીના આધારે સ્ટેટ જીએસટીની ટીમે અમદાવાદના ગીતામંદિર વિસ્તાર પાસે વોચ ગોઠવીને એક શખ્સને આબાદ ઝડપી લીધો હતો. અધિકારીઓ દ્વારા જ્યારે આ શખ્સની સઘન તપાસ કરવામાં આવી, ત્યારે તેની પાસે રહેલા કોથળામાંથી ૧૦૦ કિલો જેટલો શુદ્ધ ચાંદીનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો. જીએસટી વિભાગ દ્વારા ઝડપાયેલા આ ચાંદીના જથ્થા અંગે પૂછપરછ કરાતા કુલ જથ્થામાંથી ૮૦ ટકા ચાંદીનો કોઈ કાયદેસર પુરાવો કે બિલ મળી આવ્યું નહોતું.
ચોંકાવનારો ખુલાસો - હજુ સુધી કોઈ વેપારીએ ચાંદી પર દાવો કર્યો નથી:
સ્ટેટ જીએસટી ટીમની પ્રાથમિક તપાસમાં એક અત્યંત ચોંકાવનારી બાબત સામે આવી છે કે, આટલો મોટો જથ્થો પકડાયો હોવા છતાં હજુ સુધી સત્તાવાર રીતે કોઈ પણ વેપારી કે વ્યક્તિએ આ ચાંદી પોતાનું હોવાનો કોઈ દાવો કર્યો નથી. હાલ આ સમગ્ર ગંભીર મામલે જીએસટી વિભાગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
રાજકોટ એરપોર્ટ કનેક્શન અંગે તપાસની દિશા લંબાવાઈ:
બીજી બાજુ, રાજકોટના હીરાસર એરપોર્ટ પર આઈબીની ટીમે જે ૪૦૦ કિલો ચાંદીનો જથ્થો ઝડપ્યો હતો, તેની તપાસમાં હવે આઈબીની સાથે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) અને સેન્ટ્રલ જીએસટી (CGST) ની ટીમો પણ જોડાય તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે. અમદાવાદથી પકડાયેલા આ ૧૦૦ કિલો ચાંદીના જથ્થાનું રાજકોટ એરપોર્ટ પરથી જપ્ત કરાયેલા કરોડો રૂપિયાના ચાંદીના જથ્થા સાથે કોઈ સીધું કે આડકતરું કનેક્શન છે કે નહીં, તે દિશામાં પણ ઉચ્ચ અધિકારીઓ દ્વારા ક્રોસ વેરિફિકેશન અને સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.
(3:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
