<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th September 2026

ગુજરાતમાં અપૂરતા વરસાદ છતાં દુષ્કાળ જાહેર કરવા બાબતે વૈજ્ઞાનિક મૂલ્યાંકન બાદ જ લેવાશે આખરી નિર્ણય : વિધાનસભામાં મહેસૂલ મંત્રીનું નિવેદન

રાજ્યમાં સરેરાશ ૭૫.૪૩% વરસાદ અને ૮૦.૩૯ લાખ હેક્ટરમાં ૯૪.૨૪% વાવેતર નોંધાયું : સિંચાઈ, પીવાનું પાણી, ૧૦ કલાક વીજળી અને ઘાસચારાની રાહતલક્ષી વ્યવસ્થા પૂર્ણ હોવાની માહિતી અપાઈ

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના નિયમોના નિયમ-૧૧૬ હેઠળની તાકીદની જાહેર અગત્યની બાબત પર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ (મહેસૂલ) નું ધ્યાન દોરતી સૂચનાના અનુસંધાને રાજ્યમાં વરસાદ, વાવેતર અને દુષ્કાળની સ્થિતિ અંગે વિસ્તૃત નિવેદન રજૂ કરવામાં આવ્યું હતું. વિપક્ષી સભ્યો ડૉ. તુષાર ચૌધરી, અમિત ચાવડા, ડૉ. કિરીટકુમાર પટેલ અને વિમલભાઈ ચુડાસમા દ્વારા ચાલુ વર્ષે અપૂરતા વરસાદને કારણે અસરગ્રસ્ત જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા અંગે કરાયેલી રજૂઆત સંદર્ભે સરકારે પરિસ્થિતિ સ્પષ્ટ કરી હતી.

સરકાર દ્વારા રજૂ કરાયેલી માહિતી અનુસાર, રાજ્યમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ના અહેવાલ મુજબ મોસમનો કુલ સરેરાશ ૭૫.૪૩% (૬૮૫.૫૩ મી.મી.) વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં સરેરાશ ૧૦૩.૯૧% વરસાદ થયો છે, જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદ અસમાન રહ્યો છે. જેમાં દેવભૂમિ દ્વારકા (૬.૪૧%), પોરબંદર (૧૮.૧૨%), જામનગર (૨૮.૮૮%) અને કચ્છ (૨૯.૨૯%) નો સમાવેશ થાય છે. રાજ્યમાં સામાન્ય વાવેતર વિસ્તાર ૮૫.૩૦ લાખ હેક્ટર સામે ૮૦.૩૯ લાખ હેક્ટરમાં એટલે કે ૯૪.૨૪% વાવેતર પૂર્ણ થયું છે, જેમાં મગફળી (૧૦૭.૯૯%), કઠોળ (૧૦૭.૧૭%), સોયાબીન (૧૦૮.૦૪%), ડાંગર (૧૦૧.૪૫%) અને કપાસ (૯૦.૦૭%) નું વાવેતર થયું છે.

સિંચાઈ અને પીવાના પાણીની સુવિધા અંગે જણાવાયું હતું કે સરદાર સરોવર ડેમમાં ક્ષમતાના ૮૮.૯૦% પાણી ઉપલબ્ધ છે અને રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં ૬૬.૦૭% જળજથ્થો છે, જેમાંથી ૩૬ ડેમ હાઈએલર્ટ પર છે. નર્મદા બેસિનમાંથી પીવાના પાણી માટે ૨.૦ MAF જથ્થો અનામત રાખીને ૧૭.૩૮ લાખ હેક્ટરમાં ખરીફ પાક માટે સિંચાઈનું સુચારુ આયોજન કરાયું છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં 'સૌની યોજના' તથા 'સુજલામ સુફલામ' યોજનાઓ દ્વારા પાણીનું સપ્લાય ચાલુ છે.

ખેડૂતોના ઊભા પાકને બચાવવા રાજ્ય સરકારના ઊર્જા વિભાગ દ્વારા કૃષિ વીજ પુરવઠો ૮ કલાકના બદલે ૨ કલાક વધારીને ૧૦ કલાક કરવામાં આવ્યો છે, જે કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, મહેસાણા, બોટાદ, સાબરકાંઠા સહિત ૨૧ જિલ્લાઓના ૧૩૨ તાલુકા-જૂથોમાં અમલમાં છે. તેમજ GUVNL દ્વારા વધારાની ટૂંકા ગાળાની વીજ ખરીદીની પણ વ્યવસ્થા કરાઈ છે. ઘાસચારાની રાહતલક્ષી વ્યવસ્થા હેઠળ રાજ્યમાં હાલ૪૦૨.૫૪ લાખ કિ.ગ્રા. ઘાસનો જથ્થો ઉપલબ્ધ છે અને કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર તથા પોરબંદરના ૫૭૨ ગામોના ૫૧૮૦૨ પશુપાલકોના ૧,૩૧,૫૦૫ પશુઓ માટે ૩૧ લાખ કિ.ગ્રા. ઘાસચારો રાહતદરે વિતરણ કરાયો છે.

દુષ્કાળ જાહેર કરવાની પ્રક્રિયા અંગે સરકારે સ્પષ્ટતા કરી હતી કે કેન્દ્ર સરકારના 'Drought Management Manual-2016 (Updated 2020)' ની જોગવાઈઓ મુજબ માત્ર વરસાદની અસમાનતાના આધારે સીધો દુષ્કાળ જાહેર કરી શકાય નહીં. ત્રિગર-૧ અને ત્રિગર-૨ હેઠળ વરસાદ, વાવેતર વિસ્તાર, NDVI, માટીનો ભેજ અને ભૂગર્ભજળ સ્તર જેવા સૂચકાંકો પૂર્ણ થયા બાદ ખરીફ ઋતુના અંતે લણણી પહેલાં (૩૧ ઓક્ટોબર સુધીમાં) ૧૦% ભૌતિક ચકાસણી (Ground Truthing) હાથ ધરીને પાક નુકશાનીના આધારે દુષ્કાળ અંગે નિર્ણય લેવાય છે. કેન્દ્રના નિયમો મુજબ વૈજ્ઞાનિક મૂલ્યાંકન બાદ યોગ્ય નિર્ણય લેવામાં આવશે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકો અને મુખ્ય સચિવની અધ્યક્ષતામાં C.O.S. બેઠકોમાં સ્થિતિનું દૈનિક મોનિટરિંગ થઈ રહ્યું છે અને જનતાના હિતમાં નિર્ણય લેવા સરકાર કટિબદ્ધ છે.

(12:52 PM IST)