તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th July 2026
ગીરના જંગલોમાં છ દાયકા બાદ ફરી ગુંજ્યો ‘ચિલોત્રા’નો કલરવ : રાજ્ય સરકારના ઇન્ડિયન ગ્રે હોર્નબિલ રિ-ઇન્ટ્રોડક્શન પ્રોજેક્ટને મળી અભૂતપૂર્વ સફળતા
અરવલ્લીમાંથી લવાયેલા પક્ષીઓએ ગીરને બનાવ્યું કાયમી ઘર : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વન્યજીવ સંરક્ષણના વિઝન અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વન વિભાગે રચ્યો નવો ઈતિહાસ

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: ગુજરાત વન વિભાગ દ્વારા વન્યજીવ સંરક્ષણ અને લુપ્ત થતી પ્રજાતિઓના પુનઃવસન ક્ષેત્રે વધુ એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાસલ કરવામાં આવી છે. ૧૯૫૦ અને ૧૯૬૦ના દાયકામાં એટલે કે આશરે છ દાયકા પહેલાં ગીરના જંગલોમાંથી સંપૂર્ણપણે વિલુપ્ત થઈ ગયેલા ‘ઇન્ડિયન ગ્રે હોર્નબિલ’ (ચિલોત્રો) પક્ષીને ફરીથી ગીરમાં વસાવવાનો પ્રોજેક્ટ સો ટકા સફળ રહ્યો છે. તાજેતરમાં બહાર આવેલા એક વ્યાપક વૈજ્ઞાનિક અભ્યાસમાં ખુલાસો થયો છે કે રિ-ઇન્ટ્રોડક્શન પ્રોજેક્ટ અંતર્ગત ગીરમાં છોડવામાં આવેલા ચિલોત્રા પક્ષીઓ હવે અહીંની ઇકોસિસ્ટમમાં સંપૂર્ણપણે સ્થાયી થઈ ગયા છે, એટલું જ નહીં પરંતુ તેઓ પોતાના નવા વસવાટમાં માળા બનાવીને સફળતાપૂર્વક પ્રજનન પણ કરી રહ્યા છે.
વડાપ્રધાન અને મુખ્યમંત્રીના નેતૃત્વમાં વન્યજીવ સંરક્ષણનો નવો અધ્યાય:
ભારતમાં વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ચિત્તા અને ઘોરાડ જેવા પ્રાણી-પક્ષીઓના વૈજ્ઞાનિક સંરક્ષણનો નવો અધ્યાય શરૂ થયો છે. તેના જ ભાગરૂપે ગુજરાતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વન વિભાગે પ્રશંસનીય આયામો હાથ ધર્યા છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ આ સફળતાને પાંચ વર્ષની મહેનતનું પરિણામ ગણાવતા સીમાચિહ્નરૂપ ઘટના ગણાવી છે. જ્યારે વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી પ્રવિણભાઈ માળીએ જણાવ્યું છે કે, ગુજરાતના આ સક્સેસ વન્યજીવ મોડેલ પર આજે સમગ્ર દેશ ગર્વ અનુભવી રહ્યો છે. તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય પીઅર-રીવ્યુડ જર્નલ 'બર્ડ્સ'માં આ પ્રોજેક્ટના વ્યાપક મૂલ્યાંકન પર આધારિત સંશોધન પત્ર પણ પ્રકાશિત થયું છે.
અરવલ્લીમાંથી બે તબક્કામાં લાવીને કુલ ૪૦ ચિલોત્રા ગીરમાં મુક્ત કરાયા:
જુનાગઢ વન વર્તુળના વન સંરક્ષક અને આ અભ્યાસના સહ-લેખક મોહન રામે વિગતો આપતા જણાવ્યું કે, નિષ્ણાતોના અભ્યાસ બાદ ગીરના જંગલોની બદલાયેલી પરિસ્થિતિ ચિલોત્રાને અનુરૂપ જણાતા આ સાહસ કરાયું હતું. વર્ષ ૨૦૨૧ અને ૨૦૨૨ દરમિયાન પ્રથમ તબક્કામાં ૨૮ પક્ષીઓ અને ત્યારબાદ વર્ષ ૨૦૨૩માં અન્ય ૧૨ પક્ષીઓ મળીને કુલ ૪૦ ચિલોત્રા પક્ષીઓને અરવલ્લીના જંગલોમાંથી લાવીને ગીરમાં મુક્ત કરાયા હતા. આ મુક્ત કરાયેલા પક્ષીઓમાંથી ૧૧ નર પક્ષીઓ પર હાઈટેક સેટેલાઇટ ટ્રાન્સમીટર ફિટ કરવામાં આવ્યા હતા, જેના દ્વારા વૈજ્ઞાનિકો તેમની હિલચાલ, વસવાટના ઉપયોગ અને પ્રજનનની વર્તણૂક પર વર્ષો સુધી સતત અને સઘન નજર રાખી શક્યા હતા.
સેટેલાઇટ ટ્રેકિંગમાં ખુલી પક્ષીઓની સફળ અનુકૂલન ક્ષમતા:
સેટેલાઇટ ટ્રેકિંગના ડેટા અનુસાર, જ્યારે ચિલોત્રા પક્ષીઓને ગીરના અજાણ્યા વાતાવરણમાં છોડાયા ત્યારે શરૂઆતના થોડા મહિના દરમિયાન તેઓ વ્યાપક પ્રવાસ કરીને સરેરાશ ૬૧ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ભ્રમણ કરતા હતા અને દૈનિક સરેરાશ ૪.૩ કિલોમીટરની હિલચાલ ધરાવતા હતા. જોકે, એકવાર વાતાવરણથી પરિચિત થઈને સ્થાયી થયા બાદ તેમનો અવરજવરનો વિસ્તાર ઘટીને માત્ર ૫.૭ ચોરસ કિલોમીટર અને દૈનિક હિલચાલ ઘટીને ૧.૪ કિલોમીટર થઈ ગઈ હતી, જે ગીરની ઇકોસિસ્ટમ સાથે તેમનું સફળ અનુકૂલન (Adaptation) દર્શાવે છે. અગ્ર મુખ્ય વન સંરક્ષક (વન્યજીવ) ડો. જયપાલ સિંહે ઉમેર્યું કે ૧૯૬૫માં ગીર અભયારણ્ય અને ૧૯૭૫માં ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની જાહેરાત બાદ જંગલના રક્ષણમાં થયેલા સુધારાથી આ અનુકૂળ પરિસ્થિતિ નિર્માણ થઈ છે.
જંગલના કુદરતી પુનર્જીવન અને ઇકોલોજીમાં ચિલોત્રાનું મહત્વનું યોગદાન:
વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ વિનોદ રાવના જણાવ્યા અનુસાર, ચિલોત્રા પક્ષીને ગીરમાં મુક્ત કર્યાના પ્રથમ વર્ષમાં જ એક જોડીએ અને બીજા વર્ષમાં અન્ય ત્રણ સંવર્ધન જોડીઓએ સફળતાપૂર્વક માળા બનાવીને પ્રજનન કર્યું છે. ચિલોત્રો પક્ષી લાંબા અંતર સુધી ઉડીને ફળ આપતા વૃક્ષોના બીજનો ફેલાવો કરે છે. આ વિશિષ્ટ વર્તણૂક જંગલોના કુદરતી પુનર્જીવન (Natural Regeneration) માં અત્યંત નિર્ણાયક ભાગ ભજવે છે, જેથી ઇકોલોજીની દ્રષ્ટિએ ગીરના જંગલ માટે આ પક્ષીનું પુનઃવસન ખૂબ જ લાભદાયી નીવડશે.
ઘોરાડ પક્ષીના સંરક્ષણમાં પણ વન વિભાગને મળી મોટી સિદ્ધિ:
ચિલોત્રા પ્રોજેક્ટની સફળતાની સાથે જ વન વિભાગને વિલુપ્ત થવાના આરે આવેલા ઘોરાડ પક્ષી (ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ) ના સંરક્ષણમાં પણ મોટી વૈજ્ઞાનિક સફળતા સાંપડી છે. વન વિભાગ દ્વારા વિકસાવવામાં આવેલી આધુનિક 'જમ્પ-સ્ટાર્ટ' ટેકનિક દ્વારા જન્મેલું ઘોરાડ પક્ષીનું બીજું બચ્ચું તેના જન્મ પછીના સૌથી કટોકટીભર્યા અને નાજુક ગણાતા ૪૦ દિવસનો સમયગાળો સફળતાપૂર્વક જીવી ગયું છે, જે પક્ષી સંરક્ષણના ઇતિહાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવે છે.
(9:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
