તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 26th October 2026
સોમનાથ મંદિર બાદ હવે અંબાજી મંદિરમાં પણ લાગુ થશે ઇકો-ફ્રેન્ડલી પ્રસાદ પેકેજિંગ મોડેલ : વાર્ષિક ૧૩૫.૬ ટન પ્લાસ્ટિક કચરો અટકશે
એનઆઈડીના સહયોગથી શેરડીના બગાસ, કાગળના બોક્સ અને રિમાઉન્ટેબલ ટીન કન્ટેનરના વિકલ્પો અપનાવાશે : સોમનાથમાં મળેલી સફળતા બાદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કરાઈ તૈયારી

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર : શ્રી સોમનાથ મંદિર ખાતે ઇકો-ફ્રેન્ડલી પ્રસાદ પેકેજિંગની અભૂતપૂર્વ સફળતા બાદ હવે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી) દ્વારા આ જ મોડેલને આરાસુરી અંબાજી માતા મંદિરમાં પણ ટૂંક સમયમાં અમલમાં મૂકવામાં આવશે. યાત્રાધામોમાં પ્રસાદના પેકેજિંગમાંથી સિંગલ-યુઝ્ડ પ્લાસ્ટિકના વપરાશને ઘટાડીને પર્યાવરણને અનુકૂળ વ્યવસ્થા ઊભી કરવાના હેતુસર આ મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પર્યાવરણ પ્રત્યે સભાન જીવનશૈલી તથા જનભાગીદારીના વિઝનને સાકાર કરવા માટે આ પહેલ હાથ ધરવામાં આવી છે. સોમનાથ મંદિરમાં પ્લાસ્ટિકમુક્ત કાગળના બોક્સ અને ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા ટીનના ડબ્બામાં પ્રસાદ વિતરણની આધુનિક વ્યવસ્થાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગત ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સોમનાથ ખાતે દરરોજ અંદાજે ૪,૨૦૦ કિલોગ્રામ પ્રસાદનું ૨૭,૭၀၀ જેટલા બોક્સમાં વિતરણ થાય છે, જેનાથી દર વર્ષે ૨૦૩ ટનથી વધુ પ્લાસ્ટિકનો વપરાશ સફળતાપૂર્વક અટકાવી શકાય છે.
સોમનાથની સફળતા બાદ અંબાજી મંદિરમાં આ મોડેલના અમલીકરણ અંગે વિગતો આપતા વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે અંબાજી મંદિરમાં સામાન્ય દિવસોમાં આશરે ૧૫,૦૦૦ પ્લાસ્ટિકના પ્રસાદ બોક્સ વપરાય છે, જ્યારે તહેવારોમાં તેની માંગમાં વધારો થાય છે. દર મહિને અંદાજે ૧૦ લાખ બોક્સના વિતરણથી ૧૧,૨૯૯.૫ કિલોગ્રામ પ્લાસ્ટિકનો કચરો પેદા થાય છે. અંબાજીમાં ઇકો-ફ્રેન્ડલી વિકલ્પો અપનાવવાથી દર વર્ષે આશરે ૧૩૫.૬ ટન પ્લાસ્ટિકનો કચરો અટકાવી શકાશે.
યોગ્ય પેકેજિંગ વિકલ્પો વિકસાવવા માટે જીપીસીબી દ્વારા અમદાવાદની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન (એનઆઈડી) ની ઇન્ટિગ્રેટેડ ડિઝાઇન સર્વિસિસની વ્યાવસાયિક કન્સલ્ટન્સીની મદદ લેવામાં આવી હતી. એનઆઈડી દ્વારા સોમનાથ અને અંબાજી બંને મંદિરોમાં સ્થળ પર અભ્યાસ હાથ ધરી શ્રદ્ધાળુઓની અવરજવર, પ્રસાદનો જથ્થો, પેકેજિંગ અને વિતરણ પદ્ધતિઓનું સઘન મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ અભ્યાસના આધારે તાત્કાલિક ઉપયોગ માટે હલકા અને જૈવવિઘટનક્ષમ કાગળ તથા શેરડીના વેસ્ટ (બગાસ) માંથી બનાવેલા કન્ટેનર તેમજ લાંબા અંતર માટે ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા ટીનનાં ડબ્બા તૈયાર કરવામાં આવ્યા છે.
વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીએ આ અંગે જણાવ્યું હતું કે આ પહેલ માત્ર પેકેજિંગ બદલવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ પર્યાવરણીય જવાબદારીને ધાર્મિક આચરણનો અભિન્ન હિસ્સો બનાવવાનો છે. અગ્રણી યાત્રાધામોમાં આવા ટકાઉ વિકલ્પો રજૂ કરવાથી વિચારપૂર્વકની ડિઝાઇન અને જનભાગીદારી દ્વારા પર્યાવરણને મોટો લાભ પહોંચાડી શકાશે.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
