<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

અરવલ્લીના સફળ પાયલોટ પ્રોજેક્ટ બાદ 'અમૃતપાન અભિયાન' સમગ્ર ગુજરાતમાં લાગુ: 2.5 કરોડ મંજૂર : આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાની જાહેરાત : નવજાત શિશુ મૃત્યુદર ઘટાડવા 5 સંકલ્પ સાથે ડિજિટલ મોનિટરિંગ

આરોગ્યલક્ષી સુવિધાઓના અમલ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને આરોગ્ય રાજ્યમંત્રીના માર્ગદર્શનમાં અભિયાન ચલાવાશે : રાજ્ય કક્ષાએ 'સ્ટેટ ન્યુટ્રિશન ટાસ્ક ફોર્સ' દ્વારા દર ત્રણ મહિને સમીક્ષા કરાશે

અમદાવાદ તા.૩ :  ગુજરાતના નવજાત શિશુઓનું જીવન સુરક્ષિત કરવા અને બાળ મૃત્યુદરમાં ઘટાડો લાવવા રાજ્ય સરકારે 'અમૃતપાન અભિયાન' સમગ્ર ગુજરાતમાં તબક્કાવાર લાગુ કરવાની જાહેરાત કરી છે. આરોગ્ય રાજ્યમંત્રી  પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે અરવલ્લીમાં પાયલોટ પ્રોજેક્ટના સફળ અમલ બાદ આ નિર્ણય લેવાયો છે.

 આરોગ્યલક્ષી અભિયાનના અમલ માટે રાજ્ય સરકારે રૂ. 2.5 કરોડ મંજૂર કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને આરોગ્ય રાજ્યમંત્રીના માર્ગદર્શનમાં અભિયાન ચલાવાશે.

 અરવલ્લી જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી માર્ગદર્શન અને GMERS સોલા મેડિકલ કોલેજના ટેક્નિકલ સહયોગથી શરૂ થયેલા પાયલોટ પ્રોજેક્ટને હકારાત્મક પરિણામ મળ્યા. જિલ્લામાં સ્તનપાનના દરમાં નોંધપાત્ર વધારો થયો અને કુપોષણ તથા શિશુ મૃત્યુદરમાં મોટો ઘટાડો નોંધાયો છે.

 સમગ્ર અભિયાનનું મોનિટરિંગ સંલગ્ન મેડિકલ કોલેજના કોમ્યુનિટી મેડિસિન વિભાગ દ્વારા કરાશે. ફિલ્ડ લેવલ પર FHW અને CHOની ક્ષમતાવર્ધન માટે SIHFW વડોદરા દ્વારા તાલીમ અપાશે. TeCHO+ સોફ્ટવેરથી દરેક બાળકનું રિયલ-ટાઇમ ડિજિટલ મોનિટરિંગ થશે.

       જન્મના 1 કલાકમાં સ્તનપાનથી 'હાયપોથર્મિયા'થી બચાવ, 6 મહિના સુધી માત્ર માતાનું દૂધ, ઝાડા-ન્યુમોનિયાના રોગોમાં 35% સુધી ઘટાડો, 6 થી 24 મહિના સુધી યોગ્ય આહારથી સ્ટન્ટિંગ-વેસ્ટિંગ અટકાવવુ, સમયસર સંપૂર્ણ રસીકરણ અને રેફરલ સેવાઓ, બે બાળકો વચ્ચે ઓછામાં ઓછું 3 વર્ષનું અંતર રાખવા માર્ગદર્શન.

 રાજ્ય કક્ષાએ 'સ્ટેટ ન્યુટ્રિશન ટાસ્ક ફોર્સ' દ્વારા દર ત્રણ મહિને સમીક્ષા કરાશે. HBNC અને HBYC અંતર્ગત ઘરની મુલાકાત લઈ SBCC આધારિત વ્યક્તિગત પરામર્શ પણ અપાશે.

(12:56 PM IST)