<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th September 2026

ઝડપી ડિલિવરીના નામે અયોગ્ય સામગ્રી ધાબડતા ઓનલાઇન ક્વિક કોમર્સ પ્લેટફોર્મ્સ સામે તંત્રની આકરી કાર્યવાહી: ગાંધીનગરમાં સફાઈના અભાવે સ્ટોર સીલ કરાયો, સુરતમાં ફંગસવાળી બ્રેડ વેચવા બદલ દંડ તેમજ રાજકોટમાંથી અડધો ટનથી વધુ અખાદ્ય શાકભાજી જપ્ત

​આરોગ્ય વિભાગની તપાસમાં 'બ્લિંકિટ' અને 'ડી-માર્ટ' જેવા અગ્રણી ડિજિટલ સ્ટોર્સમાંથી વાસી માલ, ગંદકી અને નિયમોના ઉલ્લંઘનની ગંભીર બાબતો પ્રકાશમાં આવતાં ભારે ખળભળાટ; સમગ્ર રાજ્યમાં ફૂડ સેફ્ટીની ટીમ દ્વારા વ્યાપક ચકાસણી શરૂ

​ગાંધીનગર:ડિજિટલ યુગમાં થોડી જ મિનિટોમાં ઘરઆંગણે કરિયાણું અને ખાદ્યપદાર્થો પહોંચાડવાનો દાવો કરતી ક્વિક કોમર્સ કંપનીઓની અસલી હકીકત સામે આવતાં ગ્રાહકોમાં મોટો આક્રોશ વ્યાપ્યો છે. રાજ્યના અગ્રણી શહેરોમાં ઓનલાઇન ગ્રોસરી સપ્લાય કરતી કંપનીઓ દ્વારા લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થતા હોવાની વ્યાપક ફરિયાદો મળ્યા બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન તથા સ્થાનિક મહાનગરપાલિકાઓના આરોગ્ય વિભાગ દ્વારા સઘન દરોડા પાડવામાં આવ્યા છે. આ તપાસ દરમિયાન પાટનગર ગાંધીનગર, સુરત અને રાજકોટ ખાતેથી ગંભીર બેદરકારી સામે આવતાં દંડાત્મક પગલાં લેવામાં આવ્યા છે.

​મળતી વિગતો અનુસાર, રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આવેલ 'બ્લિંકિટ'ના સ્ટોર પર ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનરની ટીમે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. આ તપાસ દરમિયાન સ્ટોરમાં અત્યંત ગંદકી, દીવાલો પર કરોળિયાના જાળાં અને અસ્વચ્છ વાતાવરણમાં ખાદ્યસામગ્રી ખુલ્લી રાખેલી મળી આવી હતી. હલકી ગુણવત્તા અને હાઇજીનના નિયમોના ધજાગરા ઉડાવતી આ પરિસ્થિતિને ધ્યાને લઇને તંત્રે સહેજ પણ ચલાવી ન લેતા બ્લિંકિટ સ્ટોરનું ફૂડ લાયસન્સ તાત્કાલિક અસરથી રદ (સસ્પેન્ડ) કરી દીધું છે.

​બીજી તરફ, સુરત શહેરમાં પણ ઓનલાઇન ખરીદી કરતા ગ્રાહકના સ્વાસ્થ્ય સાથે ખીલવાડનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક જાગૃત નાગરિકે મંગાવેલી બ્રેડની એક્સપાયરી ડેટ બાકી હોવા છતાં તેમાં ફૂગ વળેલી જોવા મળી હતી. આ અંગેની સત્તાવાર કોમ્પ્લેઇન મળતાં જ સુરત મહાનગરપાલિકા (SMC) નું આરોગ્ય તંત્ર દોડતું થયું હતું. પાલિકાની ટીમે વેસુ વિસ્તારમાં આવેલા બ્લિંકિટના સેન્ટર પર ત્રાટકી તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત, સુરતના અલગ-અલગ વિસ્તારોમાં સ્થિત 'બ્લિંકિટ' અને 'ડી-માર્ટ'ના ૫ જેટલા સ્ટોર્સ અને ગોડાઉનો પર સામૂહિક ચેકિંગ હાથ ધરીને ગંભીર ક્ષતિઓ બદલ કંપનીઓ સામે લાખો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

​આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકા (RMC) ના ફૂડ વિભાગે પણ શહેરના બ્લિંકિટ ગોડાઉન પર આકસ્મિક દરોડા પાડ્યા હતા. આ તપાસ દરમિયાન નિરીક્ષકો પણ ચોંકી ઉઠ્યા હતા. ગોડાઉનમાંથી આશરે ૬૦૦ કિલોગ્રામ (અડધો ટનથી વધુ) જેટલો સડેલો તથા વાસી શાકભાજી અને ફળોનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જે ઓનલાઇન ઓર્ડર કરનારા ગ્રાહકોને ડિલિવર કરવાની તૈયારીમાં રાખવામાં આવ્યો હતો. અધિકારીઓએ તાત્કાલિક ધોરણે આ સમગ્ર અખાદ્ય જથ્થો કબજે કરી તેનો નાશ કર્યો હતો.

​ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી (FSSAI) ના ધારાધોરણો મુજબ ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે રમત રમતી આવી તમામ ઓનલાઇન ડિલિવરી એજન્સીઓ સામે રાજ્યવ્યાપી ઝુંબેશ તેજ કરવામાં આવી છે. સરકારી તંત્રના આ આકરા વલણથી ઓનલાઇન ફૂડ અને ગ્રોસરી વેચતા વેપારીઓ તથા પ્લેટફોર્મ્સમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

(5:44 PM IST)