તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th October 2026
ગુજરાતમાં પ્રી-પીટીસી કૉલેજોમાં પ્રવેશ માટે વયમર્યાદા ૨૪થી વધારી ૩૦ વર્ષ કરાઈ : વર્ગદીઠ બેઠકો ૫૦ના બદલે ૬૨ કરાઈ : પ્રથમ વખત EWS તથા દિવ્યાંગો માટે અનામત જાહેર
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે સક્ષમ શિક્ષકો તૈયાર કરવા મહત્વના સુધારા જાહેર કર્યા : ધોરણ-૧૨માં ૫૦ ટકા ગુણની પાત્રતા રહેશે : અનામત વર્ગોને ૫ ટકાની છૂટ મળશે

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: રાજ્યમાં ગુણવત્તાયુક્ત પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે સક્ષમ અને તાલીમબદ્ધ શિક્ષકો ઉપલબ્ધ થાય તે હેતુથી ગુજરાત સરકારે પૂર્વ પ્રાથમિક શિક્ષણ એટલે કે બાલ અધ્યાપન મંદિરની પ્રી-પીટીસી (D.E.C.Ed.) કૉલેજોમાં પ્રવેશના નિયમોમાં ઐતિહાસિક સુધારા કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ અને શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા તેમજ શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાના માર્ગદર્શન હેઠળ જાહેર કરવામાં આવેલા આ નિર્ણયથી પ્રી-પીટીસી કૉલેજોની પ્રવેશ પ્રક્રિયા વધુ સમાવેશી, સુગમ અને સમયાનુકૂળ બનશે. આ સુધારા અંતર્ગત પ્રવેશ માટેની વયમર્યાદામાં પાંચ વર્ષનો વધારો કરવામાં આવ્યો છે તેમજ બેઠકોની ક્ષમતા વધારીને તેમાં EWS અને દિવ્યાંગ ઉમેદવારો માટે અનામતની જોગવાઈ ઉમેરવામાં આવી છે.
બેઠક ક્ષમતામાં ૨૫ ટકાનો વધારો અને અનામતમાં નવું માળખું:
સરકાર દ્વારા કરવામાં આવેલા નિર્ણયો અનુસાર અગાઉ પ્રી-પીટીસી કૉલેજોમાં વર્ગદીઠ મંજૂર થયેલી ૫૦ બેઠકો સામે હવે ૨૫ ટકા વધારા સાથે કુલ ૬૨ બેઠકો કરવામાં આવી છે. અનામતની સુધારેલી જોગવાઈ મુજબ, ઓપન કેટેગરીમાં ૪૧ ટકા અનુસાર ૨૬ બેઠકો રહેશે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC) માટે ૨૭ ટકા લેખે ૧૭ બેઠકો, અનુસૂચિત જાતિ (SC) માટે ૭ ટકા લેખે ૪ બેઠકો અને અનુસૂચિત જનજાતિ (ST) માટે ૧૫ ટકા લેખે ૯ બેઠકો નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માટે પ્રથમ વખત ૧૦ ટકા અનામત દાખલ કરીને ૬ બેઠકો ફાળવવામાં આવી છે. આમ ૧૦૦ ટકા મુજબ કુલ ૬૨ બેઠકોનું માળખું અમલી બનશે. બેઠકોમાં વધારો થવાથી શિક્ષક બનવા ઇચ્છતા વધુ ઉમેદવારોને તાલીમ મેળવવાની ઉજ્જવળ તકો સાંપડશે.
શૈક્ષણિક પાત્રતા અને ગુણમાં છૂટછાટ:
પ્રવેશ મેળવવા માટે ઉમેદવારે ધોરણ-૧૨ની પરીક્ષામાં કુલ ગુણમાંથી ઓછામાં ઓછા ૫૦ ટકા ગુણ મેળવેલા હોવા જરૂરી રહેશે. આ પાત્રતા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ઉપરાંત રાજ્ય કે દેશના માન્ય એવા CBSE અને ICSE સહિતના તમામ બોર્ડમાંથી ધોરણ-૧૨ પાસ કરનારા ઉમેદવારોને સમાન રીતે લાગુ પડશે. તથા, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, EWS તેમજ દિવ્યાંગ ઉમેદવારોને નિર્ધારિત ગુણની પાત્રતામાં ૫ ટકાની ખાસ છૂટ આપવામાં આવશે.
મહત્તમ વયમર્યાદામાં ૬ વર્ષનો રાહતભર્યો વધારો:
સરકારે ઉમેદવારોની વયમર્યાદા અંગેના નિયમમાં મોટો રાહતજનક ફેરફાર કર્યો છે. અગાઉ પ્રવેશ માટેની મહત્તમ વયમર્યાદા ૨૪ વર્ષ હતી, જેને હવે વધારીને ૩૦ વર્ષ કરી દેવામાં આવી છે. શૈક્ષણિક વર્ષના પ્રારંભે, જે-તે વર્ષના જુલાઈ મહિનાની પ્રથમ તારીખે ઉમેદવારની ઉંમર ૩૦ વર્ષથી વધુ ન હોવી જોઈએ. આ ઉપરાંત SC, ST, SEBC, EWS અને દિવ્યાંગ ઉમેદવારોને મહત્તમ વયમર્યાદામાં વધુ ૫ વર્ષની છૂટછાટ મળશે, એટલે કે આ કેટેગરીના ઉમેદવારો ૩૫ વર્ષની ઉંમર સુધી પ્રવેશ મેળવી શકશે. આ સુધારાથી થોડા વિલંબ બાદ શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે નવો માર્ગ મોકળો થયો છે.
દિવ્યાંગ ઉમેદવારો માટે ૫ ટકા અનામત અને માધ્યમ પસંદગીમાં લવચીકતા:
સમાવેશી શિક્ષણની દિશામાં આગળ વધતા ભારત સરકારના 'Rights of Persons with Disabilities Act, 2016'ની કલમ-૩૨ અનુસાર દિવ્યાંગ ઉમેદવારો માટે કુલ બેઠકોમાંથી ૫ ટકા અનામત બેઠકો રાખવાની જોગવાઈ કરાઈ છે. આ બેઠકોનું વિતરણ વિવિધ દિવ્યાંગતા કેટેગરી વચ્ચે સમાન પ્રમાણમાં થશે અને પસંદગી વખતે દિવ્યાંગતા શિક્ષકની ફરજોમાં બાધારૂપ ન બને તેની ચકાસણી કરાશે. આ સાથે પ્રવેશના માધ્યમમાં પણ લવચીકતા લાવવામાં આવી છે; ઉમેદવાર ધોરણ-૧૦ કે ૧૨માં જે માધ્યમમાં અભ્યાસ કર્યો હોય તેમાંથી કોઈ પણ માધ્યમની સંસ્થામાં અરજી કરી શકશે. જો કોઈ માધ્યમમાં બેઠકો ખાલી રહે તો અન્ય ભાષાનો અભ્યાસ કરનાર ઉમેદવાર પણ પોતાની ઈચ્છા મુજબ અન્ય માધ્યમમાં પ્રવેશ મેળવી શકશે.
(10:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
