તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th July 2026
ખેડૂતો ઉપરના ભાજપ સરકારના અન્યાયના વિરોધમાં "આમ આદમી પાર્ટી"નો આક્રમક વિરોધ : કાલે ગાંધીનગરમા "સત્યાગ્રહ છાવણી" ખાતે એક દિવસીય સામુહિક ઉપવાસ
પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાના નેતૃત્વમાં યોજાનાર ઉપવાસમાં ખેડૂતોની માંગોના નિરાકરણ માટે સરકાર પર દબાણ કરાશે : ખેડૂતોની સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો રાજ્યવ્યાપી આંદોલન

રાજકોટ તા.૪ : ગુજરાતના ખેડૂતો હાલ ભાજપ સરકાર દ્વારા થઈ રહેલા અન્યાયથી પીડાઈ રહ્યા છે. ખાતર-બિયારણના ઊંચા ભાવ, વીમાના નબળા વળતર, કૃષિ લોન અને પાકના પોષણક્ષમ ભાવ જેવી અનેક સમસ્યાઓનું નિરાકરણ ન આવતા ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
ખેડૂતોની આ સમસ્યાઓના તાત્કાલિક નિરાકરણની માંગ સાથે "આમ આદમી પાર્ટી" ગુજરાત પ્રદેશ દ્વારા ગાંધીનગર ખાતે એક દિવસીય 'સામુહિક ઉપવાસ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
કાલે તારીખ 05/07/2026 ને રવિવારે બપોરે 12:00 કલાકે સત્યાગ્રહ છાવણી, સેક્ટર 6 ગાંધીનગર ખાતે મોટી સંખ્યામાં નેતાઓ-કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે.
આ ઉપવાસ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા, ધારાસભ્ય હેમંત ખવા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, કિસાન સેલ પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ, પ્રદેશ ઉપાધ્યક્ષ યુવરાજસિંહ જાડેજા, યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ બ્રિજરાજ સોલંકી, પ્રદેશ સંગઠન મંત્રી વિક્રમ દવે સહિત પ્રદેશના તમામ હોદ્દેદારો, જિલ્લા-તાલુકાના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાશે.
આમ આદમી પાર્ટી દ્વારા સરકારને ચીમકી આપવામાં આવી છે કે જો ખેડૂતોની સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો પક્ષ દ્વારા રાજ્યવ્યાપી આંદોલન છેડવામાં આવશે.
(2:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
