News of Wednesday, 18th November 2026
સરકારી પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં રાત્રિ રોકાણ કરી કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ સાદગી અને જનસેવાનું પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે અમરેલી જિલ્લા પ્રભારી અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી રાજુલા તાલુકાના વિવિધ ઉપક્રમો અને પ્રાકૃતિક કૃષિ કાર્યક્રમોમાં સક્રિયપણે સહભાગી બન્યા:કૃષિ મંત્રીએ ઊઘડતી ઉષાએ ગ્રામજનો સાથે યોગાભ્યાસ, ગૌ-સેવા, અનુસૂચિત જાતિ પરિવારના ઘરે અલ્પાહાર અને પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લઈ ખેડૂતોનો ઉત્સાહ વધાર્યો

ગાંધીનગર :રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા શરૂ કરેલા અભિયાનમાં કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી પણ ઉત્સાહપૂર્વક જોડાયા છે. રાજ્યપાલના અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના પ્રવાસ દરમિયાન રાજ્યના કૃષિ અને અમરેલી જિલ્લા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી તમામ ઉપક્રમોમાં સક્રિયપણે જોડાયા હતા. રાજ્યપાલની જેમ જ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પણ રાજુલા તાલુકાના સમુહખેતી (ધુડીયા આગરીયા) ગામની સરકારી પ્રાથમિક શાળાના એક સામાન્ય ઓરડામાં રાત્રિ રોકાણ કરીને સાદગી અને ગ્રામીણ જીવનશૈલી પ્રત્યેની સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
સરકારી શાળામાં રાત્રિ વિશ્રામ કર્યા બાદ ઊઘડતી ઉષાએ કૃષિ મંત્રીએ રાજ્યપાલ સાથે સમુહખેતી ગામના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગ્રામજનો સાથે યોગાભ્યાસ અને પ્રાણાયામ સત્રમાં ભાગ લીધો હતો. પરોઢિયે ગ્રામજનો સાથે યોગ કરીને તેમણે સ્વસ્થ અને નિરામય જીવનશૈલીનો સંદેશ આપ્યો હતો. ત્યારબાદ વહેલી સવારે તેઓ સમુહખેતી ગામના ખેડૂત મનસુખભાઈ કુંભાણીના ઘરે પધારી ગૌ-સેવામાં સહભાગી થયા હતા અને પશુપાલન તેમજ બાગાયતી પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂત પરિવાર સાથે સંવાદ સાધ્યો હતો.
સામાજિક સમરસતાના ભાગરૂપે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ રાજ્યપાલશ્રી સાથે રાજુલા તાલુકાના કોટડી મુકામે અનુસૂચિત જાતિના પ્રેમજીભાઈ જોગદીયાના પરિવારની મુલાકાત લીધી હતી. અહીં તેમણે પરિવારજનો સાથે આત્મીયતાથી સંવાદ કરી, તેમના ખબર-અંતર પૂછી સવારનો સાત્વિક અલ્પાહાર ગ્રહણ કર્યો હતો.
રાજ્યમાં પ્રાકૃતિક કૃષિના વ્યાપને વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે કૃષિ મંત્રીએ રાજુલા તાલુકાના ઝાંપોદર (જૂની માંદરડી રોડ) મુકામે પ્રગતિશીલ પ્રાકૃતિક ખેડૂત દાનાભાઈ લાડુમોરના ફાર્મની પણ મુલાકાત લીધી હતી. અહીં તેમણે આંબા સહિત વિવિધ ફળ અને શાકભાજીના પ્રાકૃતિક પાકોનું નિરીક્ષણ કર્યું હતું. કૃષિ મંત્રીએ સ્થાનિક ખેડૂતો સાથે સીધો સંવાદ કરીને રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ મુક્ત ગૌ-આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રોત્સાહિત કર્યા હતા.
મંત્રી જીતુભાઈ વાઘાણીનો આ પ્રવાસ સરકાર અને સમાજ વચ્ચેના સીધા સેતુ સમાન બની રહ્યો હતો, જેમાં તેમણે એક રાત્રિ ગ્રામ્ય વિસ્તારની સરકારી શાળામાં વિતાવીને જનપ્રતિનિધિ તરીકેની સાદગી અને ખેડૂતો પ્રત્યેની પ્રતિબદ્ધતા પ્રસ્થાપિત કરી હતી
(6:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
