News of Sunday, 28th June 2026
અમદાવાદ એરપોર્ટ પર DRI નો મોટો સપાટો: બેંગકોકથી આવેલી ફ્લાઈટમાંથી 8.5 કરોડનું હાઈબ્રિડ ગાંજો ઝડપાયો : થાઈલેન્ડની બે મહિલા મુસાફરોની ધરપકડ
એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-346 થી આવેલી મુસાફરોના ટ્રોલી બેગમાંથી 8 કિલો 500 ગ્રામ હાઈ ક્વોલિટી હાઈબ્રિડ ગાંજો મળ્યો, આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 8.5 કરોડ, DRI ને મળેલી બાતમીના આધારે કાર્યવાહી, NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ, ડ્રગ્સ નેટવર્કના તાર વિદેશ સુધી જોડાયેલા હોવાની શંકા

અમદાવાદ : અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ મોટી કાર્યવાહી કરીને કરોડોનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. બેંગકોકથી અમદાવાદ આવેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-346 માંથી 8.5 કરોડની કિંમતનો હાઈબ્રિડ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે.
DRI ને મળેલી ખાનગી બાતમીના આધારે શુક્રવારે મોડી રાત્રે આ કાર્યવાહી કરવામાં આવી હતી. બેંગકોકથી આવેલી ફ્લાઈટના બે થાઈલેન્ડની મહિલા મુસાફરો પર શંકા જતા તેમના સામાનની તલાશી લેવામાં આવી હતી. તલાશી દરમિયાન તેમની ટ્રોલી બેગના ગુપ્ત ખાનામાંથી 8 કિલો 500 ગ્રામ હાઈ ક્વોલિટી હાઈબ્રિડ ગાંજાના પેકેટ્સ મળી આવ્યા હતા.
જપ્ત કરાયેલા ગાંજાની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે 8.5 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. DRI એ બંને મહિલા આરોપી ચાનિડા અને નાપાસોર્નની ધરપકડ કરી NDPS એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ ડ્રગ્સ અમદાવાદ અને મુંબઈમાં સપ્લાય થવાનું હતું. આ આખું નેટવર્ક થાઈલેન્ડથી સંચાલિત થાય છે અને ભારતમાં કોને ડિલિવરી આપવાની હતી તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે.
DRI ના અધિકારીઓના જણાવ્યા મુજબ છેલ્લા 6 મહિનામાં અમદાવાદ એરપોર્ટ પરથી આ ચોથો મોટો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. બેંગકોક રૂટ પર ડ્રગ્સની હેરાફેરી વધતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે.
(3:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
