તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 3rd July 2026
અમદાવાદ ભદ્ર કોર્ટનો આસિસ્ટન્ટ ક્લાર્ક અશોકભાઈ માધવલાલ પટેલ ૧૦ હજારની લાંચ લેતા નારણપુરામાંથી રંગેહાથ ઝડપાયો : કોર્ટ કમિશનર તરીકે મકાનની કમ્પાઉન્ડ દીવાલના વિવાદમાં ફરિયાદીની તરફેણમાં ચુકાદો અપાવવા લાંચ માંગવી ભારે પડી : જુઓ વિડીયો
જાગૃત નાગરિકની ફરિયાદના આધારે એસીબીના ઇન્ચાર્જ અધિકારી હરેશ મેવાડા અને મદદનીશ નિયામક એમ.એચ.પુવારના સુપરવિઝનમાં પીઆઈ કે.એન.સોલંકી અને સ્ટાફે નારણપુરા ધરતી સર્કલ પાસે મેલડી માતાના મંદિર સામે લાંચનું સફળ છટકું ગોઠવી ભ્રષ્ટ કર્મચારી અશોકભાઈ પટેલને દબોચી લીધો

અમદાવાદ, ૩ જુલાઈ: અમદાવાદની સીટી સેસન્સ ભદ્ર કોર્ટના અપીલ વિભાગમાં આસીસ્ટ્ન્ટ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા કર્મચારી અશોકભાઈ માધવલાલ પટેલને લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ રૂ. ૧૦,૦૦૦ ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કોર્ટ કમિશનર તરીકે મકાનની દીવાલના વિવાદના કેસમાં ફરિયાદીની તરફેણમાં ચુકાદો અપાવવાની લાલચ આપી આ લાંચ માંગવામાં આવી હતી.
કમ્પાઉન્ડ દીવાલના વિવાદમાં કોર્ટ કમિશનર અશોકભાઈ પટેલે લાંચ માંગી:
આ કેસની ટૂંકી વિગત એવી છે કે આ કામના ફરિયાદી એક જાગૃત નાગરિક છે. ફરિયાદીના મકાન તથા તેમની બાજુના મકાનની વચ્ચે એક કોમન કમ્પાઉન્ડ દીવાલ આવેલી છે. આ દીવાલ ફરિયાદીના પડોશીએ ગેરકાયદેસર રીતે દબાણ કરીને ઊભી કરી દીધી હતી. જેથી આ દીવાલ તોડી પાડવા સારું ફરિયાદીએ પડોશીને નોટીસ આપી હતી. ફરિયાદીની નોટીસથી બચવા અને દીવાલ ન તોડવી પડે તે માટે પડોશીએ નામદાર સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ, ભદ્ર, અમદાવાદ ખાતે ફરિયાદી વિરૂદ્ધમાં દાવો દાખલ કર્યો હતો.
આ દાવા અન્વયે ફરિયાદીના ઘરે કોર્ટ કમિશનની નોટીસ આવી હતી. આ કેસમાં કોર્ટ કમિશનર તરીકે ભદ્ર કોર્ટના આસીસ્ટ્ન્ટ ક્લાર્ક અશોકભાઈ માધવલાલ પટેલની નિમણૂક થયેલી હતી. આરોપી અશોકભાઈ એમ પટેલ નાઓએ આ કેસમાં ફરિયાદીની તરફેણમાં ચુકાદો અપાવવા માટે રૂ. ૧૦,૦૦૦ ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી.
જાગૃત નાગરિકે એસીબીનો સંપર્ક કર્યો, નારણપુરામાં છટકું ગોઠવાયું:
ફરિયાદી આ ગેરકાયદેસર રીતે માંગવામાં આવેલા લાંચના નાણા આપવા માંગતા ન હોવાથી, તેમણે ભ્રષ્ટ કર્મચારીને પાઠ ભણાવવા માટે અમદાવાદ શહેર એસીબીનો સંપર્ક કર્યો હતો અને આ અંગે સત્તાવાર ફરિયાદ આપી હતી. ફરિયાદીની ફરિયાદના આધારે એસીબીની ટીમ દ્વારા આજરોજ તારીખ ૦૩/૦૭/૨૦૨૬ ના રોજ લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલા ધરતી સર્કલ પાસે, મેલડી માતાના મંદિરની સામે આરોપી અશોકભાઈ માધવલાલ પટેલે ફરિયાદીને લાંચની રકમ આપવા બોલાવ્યા હતા. ટ્રેપ દરમિયાન આરોપી અશોકભાઈ પટેલે ફરિયાદી પાસેથી લાંચની રકમ રૂ. ૧૦,૦૦૦ સ્વીકારતાની સાથે જ એસીબીની ટીમે તેને સ્થળ ઉપર જ દબોચી લીધો હતો. એસીબીએ લાંચની સ્વીકારેલ અને રિકવર કરેલ રૂ. ૧૦,૦૦૦ ની સંપૂર્ણ રકમ આરોપી પાસેથી કબજે કરી લીધી છે અને આરોપી વિરૂદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
એસીબીના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સફળ ટ્રેપ:
આ લાંચના છટકાની સમગ્ર કામગીરી એસીબીના ઇન્ચાર્જ અધિકારી અને નાયબ નિયામક હરેશ મેવાડાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. આ ટ્રેપનું સીધું સુપરવિઝન અમદાવાદ એકમના મદદનિશ નિયામક એમ.એચ.પુવાર દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે લાંચના આ સફળ છટકાને અમદાવાદ શહેર એસીબી પોલીસ સ્ટેશનના ટ્રેપીંગ અધિકારી અને પોલીસ ઇન્સ્પેક્ટર કે.એન.સોલંકી તથા તેમના એસીબી સ્ટાફે સફળતાપૂર્વક પાર પાડી આરોપીને જેલભેગો કર્યો છે.
(3:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
