<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th April 2026

અમદાવાદના બિલ્ડર અને પતંગ હોટલના માલિક ઉમંગ ઠક્કર અને તેમના બે પુત્રો વિરુદ્ધ સુરતમાં કરોડો રૂપિયા ખંખેર્યા હોવાની પોલીસ ફરિયાદ

જમીન વિવાદિત હોવા છતાં તેના પર પ્રોજેક્ટ ઉભો કરી કરોડો રૂપિયા પડાવ્યાનો આરોપ:આરોપીઓએ જમીન ટાઈટલ ક્લિયર ન હોવા છતાં અને પ્લાન પાસ કરાવ્યા વિના જ બુકિંગ શરૂ કરી દીધું

અમદાવાદના જાણીતા બિલ્ડર અને પતંગ હોટલના માલિક ઉમંગ ઠક્કર ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવ્યા છે. સુરતના કામરેજ પોલીસ મથકે ઉમંગ ઠક્કર અને તેમના બે પુત્રો વિરુદ્ધ કરોડો રૂપિયા ખંખેર્યા હોવાની ગંભીર ફરિયાદ નોંધાતા રિયલ એસ્ટેટ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ખોટા વાયદાઓ અને ટાઈટલ ક્લિયર વગરની જમીન પર પ્રોજેક્ટ બતાવી નિર્દોષ રોકાણકારોને નિશાન બનાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદ શહેરનાં જાણીતા બિલ્ડરને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદની પતંગ હોટલના માલિક અને બિલ્ડર ઉમંગ ઠક્કર સામે સુરતમાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે. મળતી માહિતી મુજબ, સત્યસંકલ્પ બિલ્ડકોનના ભાગીદારો ઉમંગ ઠક્કર, કંઠ ઠક્કર અને નીલ ઠક્કર દ્વારા સુરતના ખોલવડ ગામની સીમમાં 'સહજાનંદ નિર્વાણ' નામનો રહેણાંક પ્લોટિંગનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. જહાંગીરપુરા વિસ્તારમાં રહેતા વેબસાઈટ ડિઝાઈનર પુષ્પક પટેલે આ પ્રોજેક્ટમાં પ્લોટ બુક કરાવ્યો હતો અને તેના પેટે આરોપીઓને રૂ. 65.59 લાખ ચૂકવ્યા હતા. જોકે, પાછળથી જાણવા મળ્યું હતું કે, આ જમીન બાબતે વર્ષ 2018થી વિવાદ ચાલી રહ્યો છે અને ઉમંગ ઠક્કરે આ જગ્યા પહેલાથી જ અન્ય વ્યક્તિને વેચી દીધી હતી.

આરોપીઓએ જમીન ટાઈટલ ક્લિયર ન હોવા છતાં અને પ્લાન પાસ કરાવ્યા વિના જ બુકિંગ શરૂ કરી દીધું હતું. આટલું જ નહીં, રેરા (RERA) મંજૂરી મેળવી હોવાના ખોટા દાવા કરીને લોકોનો વિશ્વાસ જીત્યો હતો. ફરિયાદી પુષ્પક પટેલ સહિત અન્ય 15 જેટલા લોકો પાસેથી આશરે રૂપિયા 1.56 કરોડ જેટલી રકમ પડાવી લેવામાં આવી છે. આ છેતરપિંડીનો ભોગ બનનારા લોકોની સંખ્યા 30 થી 40 સુધી હોઈ શકે તેવો અંદાજ વર્તાઇ રહ્યો છે.

 કામરેજ પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ઉમંગ ઠક્કર અને તેમના બંને પુત્રો સામે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. મોટા ગજાના બિલ્ડરનું નામ આ કૌભાંડમાં ખુલતા અનેક મધ્યમવર્ગીય રોકાણકારોમાં ફાળ પડી છે. જમીન વિવાદિત હોવા છતાં તેના પર પ્રોજેક્ટ ઉભો કરી કરોડો રૂપિયા પડાવવાનું આ કૌભાંડ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે.

(6:55 PM IST)