તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 11th May 2026
અમદાવાદ કોર્પોરેશન ની લાલ આંખ, શાહીબાગમાં કેચપિટમાં મુશ્કેલી ઉભી કરનાર યુનિટ સીલ, પ્રી-મોન્સૂન કામગીરીમાં બેદરકારી આવી સામે
કમાને પ્લાસ્ટિકથી ઢાંકી દેવાના કારણે વરસાદી પાણીના નિકાલમાં અવરોધ સર્જાયો, વેજલપુર, નારણપુરા, નવા વાડજ અને જોધપુર વિસ્તારમાં ભરાયા પાણી, AMCએ કડક કાર્યવાહી કરી કેચપિટ બંધ કરનાર એકમને તાળા માર્યા

અમદાવાદ, તા. 11 : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન AMCએ પ્રી-મોન્સૂન કામગીરીમાં બેદરકારી દાખવનારાઓ સામે લાલ આંખ કરી છે. શાહીબાગ વિસ્તારમાં કેચપિટમાં અવરોધ ઉભો કરનાર એક યુનિટને કોર્પોરેશને સીલ મારી દીધું છે. તાજેતરમાં પડેલા કમોસમી વરસાદ બાદ શહેરના 38 સ્થળોએ પાણી ભરાવાની સમસ્યા સામે આવી હતી, જેનું મુખ્ય કારણ કેચપિટો બંધ હોવાનું સામે આવ્યું છે.
શું હતી ઘટના?
કોર્પોરેશનના વોટર એન્ડ સીવરેજ કમિટીની બેઠકમાં રજૂ થયેલા ડેટા અનુસાર, વેજલપુર, નારણપુરા, નવા વાડજ અને જોધપુર વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા વધુ ગંભીર હતી. તપાસમાં જાણવા મળ્યું કે AMCના અધિકારીઓએ મચ્છરોના ઉપદ્રવ અને દુર્ગંધને રોકવા માટે ઘણી કેચપિટોને પ્લાસ્ટિકથી ઢાંકી દીધી હતી. પરિણામે વરસાદી પાણીનો નિકાલ થઈ શક્યો નહીં અને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા. શાહીબાગમાં એક ખાનગી યુનિટ દ્વારા પણ કેચપિટમાં અવરોધ ઉભો કરાતા ત્યાં પાણી ભરાયા હતા. આ બેદરકારી સામે આવતા AMCએ તાત્કાલિક તે યુનિટને સીલ કરી દીધું છે.
AMCની કામગીરી અને ભવિષ્યની યોજના
પ્રી-મોન્સૂન એક્શન પ્લાન હેઠળ શહેરમાં 4,328 નવી કેચપિટ બનાવવામાં આવી છે, જેનાથી શહેરમાં કુલ કેચપિટની સંખ્યા 67,851 થઈ છે. પ્રથમ તબક્કામાં 62,910 કેચપિટની સફાઈ પૂર્ણ કરી દેવાઈ છે. આ ઉપરાંત 10 અંડરપાસમાં ભરાતા પાણીના નિકાલ માટે પમ્પ મેન્ટેનન્સનો 75 લાખનો કોન્ટ્રાક્ટ પણ મંજૂર કરાયો છે. કમિટીએ કુલ 841.45 કરોડના 36 ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને મંજૂરી આપી છે, જેમાંથી 644.34 કરોડના 29 પ્રોજેક્ટ હાલ ચાલુ છે.
પૂર્વ વિસ્તારમાં પણ સમસ્યા
પૂર્વ વિસ્તારમાં ખારીકટ કેનાલના રિડેવલપમેન્ટને કારણે આસપાસના પમ્પ કાર્યરત ન હોવાથી પણ પાણી ભરાયા હતા. AMCના અધિકારીઓએ સ્વીકાર્યું છે કે મોટાભાગના એન્ટી-વોટરલોગિંગ પ્રોજેક્ટ ચોમાસા પહેલા પૂર્ણ થવાની શક્યતા ઓછી છે. ગત વર્ષે ઓગસ્ટ 2024માં 10 ઈંચ વરસાદ બાદ શહેરમાં 300થી વધુ સ્થળોએ પાણી ભરાયા હતા. ત્યારે 157 સ્થળોએ એક કલાકથી વધુ સમય સુધી પાણી ભરાયેલા રહ્યા હતા. શહેરમાં પાણી ભરાવાના સ્થળોની સંખ્યા જુલાઈ 2024 બાદ 125થી વધીને 157 થઈ ગઈ છે. AMCએ હવે પ્લાસ્ટિક કવર હટાવવાનો આદેશ આપ્યો છે અને બેદરકારી દાખવનાર એકમો સામે કડક કાર્યવાહીની તાકીદ કરી છે.
(3:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
